સંપાદક હો તો આવા

Source: સંચયન

આજથી વીસેક વરસ પહેલાં એક જુવાન મુંબઈના ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના મહાલયમાં સંકોચ ભરેલા ડગ સાથે પ્રવેશ કરતા હતા. વિદ્વત્તાના ક્ષેત્રમાં એમનાં પગલાં તાજાં હતાં. એ કાળે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ભારતના નવઅભ્યાસીઓનું જાણે દેવળ હતું. અહીં બુલંદ વિદ્વાનોની આવનજાવન હતી. આ ભવનનાં પગથિયાં ચઢી શકનાર અભ્યાસી ખુદને મોટો વિશિષ્ટાધિકાર મળ્યો હોય એવું ગૌરવપિચ્છ ધારણ કરીને વિચરતો. કોણ હતા એ જુવાન? આજે, બે દાયકા પછી તો જગતના નવવિદ્વાનોની પંગતમાં જેમનું માનવંતુ સ્થાન છે તે રામચંદ્ર ગુહા, હા, એ પોતે. જે રામચંદ્ર ગુહા આજે પુસ્તક લખવા ધારે છે તેની જાણ થતાં જ પ્રકાશક તેને આગોતરો પુરસ્કાર આપીને પુસ્તક પોતાનું કરી લે છે એ વિદ્વાને પોતાની લેખન-કારકિર્દીના આરંભની એક વાત કરી છે તેમાં આપણને રસ પડે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી રામચંદ્ર ગુહાને એક જીવનચરિત્ર લખવાનું કામ સોંપાયું : વેરીઅર એલ્વિનનું. એલ્વિનસાહેબ હિંદુસ્તાન આવ્યા તો હતા ખ્રિસ્તી મિશનરી તરીકે, પણ એમને રસ પડ્યો આ દેશની ભાતીગળ આદિવાસી પ્રજામાં. મોટા માનવવંશ-અભ્યાસી બન્યા, એમનો રસ દેશની આદિવાસી સંસ્કૃતિમાં ઊંડો ને વ્યાપક નીવડ્યો અને કેટલાક બીજા અંગ્રેજોની માફક આ ધરતીના પનોતા પુત્ર બની રહ્યા. એક આદિવાસી કન્યા સાથે જીવન જોડ્યું. હિંદુસ્તાન સાથે ઓતપ્રોત થયા. રામચંદ્ર ગુહાએ આવી વ્યક્તિના જીવનને અક્ષરમાં આલેખવાનું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના એક મિત્ર-મોવડી સાથે આ એલ્વિનને બહોળો પત્રવ્યવહાર થયેલો એ ગુહાને સોંપવામાં આવ્યો. એલ્વિનના જીવનની બીજી અપરંપાર સામગ્રી લઈને ગુહા એમનું ચરિત્ર લખવા બેઠા. એમની આજ સુધીની તાલીમ વિદ્વાનની – ‘સ્કૉલર'ની – હતી. એટલે એમણે તો પોતાની બધી વિદ્વત્તા ઠાલવીને લખાણ કર્યું. એ દળદાર મુસદ્દો એમણે એમના સંપાદકને ધર્યો. પુસ્તકના પરખંદા એ સંપાદકે હસ્તપ્રત વાંચીને એટલું જ કહ્યું : 'ફાડી નાખો આ બધું. તમારે સમાજશાસ્ત્રનો ગ્રંથ નથી લખવાનો, જીવનચરિત્ર લખવાનું છે.’ એ હોંશીલા નવ-વિદ્વાન કેવા નાસીપાસ થયા હશે! પણ ધૈર્ય ધરીને એણે પોતાની નોંધપોથીઓ ફરી ખોલી, અને સંપાદકે સૂચવ્યું હતું તેમ પોતાના ચરિત્રનાયક વિશેની બધી વિગત કાળક્રમે નિરૂપીને નવો મુસદ્દો લખ્યો. સંપાદકે આ મુસદ્દો જોઈને કહ્યું, ‘વિદ્વાન અને સાર્વજનિક જીવનના બુદ્ધિવંત માણસ તરીકે તમે એલ્વિનનું આલેખન સરસ કર્યું છે, પણ આમાં એક માનવી તરીકે એલ્વિન કેવા હતા તેની તો વાત જ નથી આવતી. એ લખો.’ પછી રામચંદ્ર ગુહા કહે છે, ‘હું ફરી પાછો કુટુંબીઓ અને મિત્રો સાથેનો એલ્વિનનો પત્રવ્યવહાર ઝીણવટથી જોઈ ગયો ને નવો મુસદ્દો મારા સંપાદકને ધર્યો.’ સંપાદક મહાશયે કહ્યું, આ, એલ્વિન એક પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે કેવા હતા એ તમે બરાબર ઉપસાવ્યું, પણ આમાં લેખક અને વિવાદવીર એલ્વિન હજુ ખૂટે છે.’ લેખનશૈલી અંગેનાં સૂચનો પણ સંપાદકે આપ્યાં. અને રામચંદ્ર ગુહાએ પોતાની હસ્તપ્રત ચોથીવાર લખી. હવે આ મુસદ્દો એકંદરે બરાબર થયો, સ્વીકાર પામ્યો, તો પણ સંપાદકે કેટલાક એવા સંદર્ભો ઉમેર્યા કે જેથી લાગે કે ઈતિહાસજ્ઞ લેખક આધુનિક કવિતા અને સંગીતના પણ અચ્છા જાણકાર છે! બચુભાઈ રાવતનું સ્મરણ કરાવે એવા કોણ હતા એ સંપાદક? આજે ભારતના સન્માન્ય પ્રકાશક તરીકે દેશ-વિદેશમાં જેમની ખ્યાતિ છે એ પર્મેનન્ટ બ્લૅકના કર્ણધાર રુકુન અડવાની. અંગ્રેજી સાહિત્યમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવીને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રેસમાં સંપાદક બન્યા, અને આજે ભારતના એક અવલ દરજ્જાના ગ્રંથ-સંપાદક ગણાય છે. હિમાલયને ખોળે રમણીય રાનીખેતમાં એ અને એમનાં પત્ની અનુરાધા રૉય પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનોનું સંપાદન કરે છે. પોતાનાં પુસ્તકોનું રુકુન અડવાનીનો સંપાદન-સ્પર્શ મળે એ માટે વિદ્વાનો આતુર હોય છે. ઑક્સફર્ડ કે હાર્વર્ડના પ્રકાશિત અભ્યાસગ્રંથો જેમ સો ટચના સુવર્ણ જેવી મુદ્રા ધરાવે છે તેવી જ પ્રતિષ્ઠિત મુદ્રા પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનો પણ ધરાવે છે.

રામચંદ્ર ગુહાએ લખેલું વેરીઅર એલ્વિનનું એ જીવનચરિત્ર બહાર પડ્યું ત્યારે એક સમીક્ષકે કહ્યું હતું કે લેખકે ભારતીય પ્રકાશન-પરિસરના નકશામાં જીવનચરિત્રને મૂકી આપ્યું છે, એલ્વિનને માનવવંશવિદ્યાના ઉપાસક તરીકેની શુષ્ક ખ્યાતિમાંથી ઉગારીને એમને એક મહાન ભારતચાહક અંગ્રેજ તરીકેની વ્યાપક ઓળખ આપી છે. વિકસિત પ્રકાશન-વ્યવસાયમાં સંપાદકનો દરજ્જો શો હોય છે, કુશળ સંપાદક સામગ્રીની કેવી માવજત કરે છે, તેની કેવી કાયાપલટ કરી આપે છે તેના ઉદાહરણ રૂપે રામચંદ્ર ગુહા અને રુકુન અડવાનીનો આ કિસ્સો આપણા લેખન-પ્રકાશન ક્ષેત્રે માટે સૂચક છે.

એકત્ર ફાઉન્ડેશન