|| મંગલાચરણ ||

ચારે તરફ બુમરાણ એક જ છે કે આજે લોકો વાંચતા નથી. જો વાંચે તો આગળ કેમ વધવું, શું કરવું - શું ન કરવું એની એને ખબર પડતી જાય. વાંચન વિના માણસ એક અર્થમાં પાંગળો બનતો જાય છે, એકાંગી થતો જાય છે. વિચાર વૈવિધ્યની એટલે કે વિકલ્પોની એની સમજ મર્યાદિત થતી જાય છે.

ટેકનોલોજીને કારણે આ પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. ડિજિટલ માધ્યમથી બધું મળી રહે છે એવો એક ખ્યાલ ઊભો થઈ ગયો છે. એ સાધન હાથવગું છે, એમાં નવો કોઈ ખર્ચ નથી એ પણ એની પસંદગી પાછળના કારણોમાં છે, કેટલીક બાબતો ઝડપથી હાથવગી બને છે, દૂરની વાત ક્ષણવારમાં નજીકની લાગવા માંડે છે.

ફાયદા છે પણ ફાયદાનો ઉચિત લાભ લેવાનો વિવેક પર્યાપ્ત માત્રામાં ઊભો થયો હોતો નથી. વૈવિધ્યનો વ્યાપ જેમ જરૂરી છે તેમ એ વૈવિધ્યમાંથી ઊંડે ઊતરવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે. ક્ષણવારમાં જે મળે છે તે ક્ષણવારમાં ઊડી પણ જાય છે! બુલેટ ટ્રેનમાં એક સ્થળેથી બીજે સ્થળે તીવ્ર ગતિએ પહોંથી જવાશે ખરૂં પણ કયા રસ્તે પસાર થયા એની કોઈ ગતાગમ મુસાફરને પડશે નહિ. વચ્ચે શું આવ્યું ને શું ગયું, કંઈ જોવા જેવું હતું કે કેમ એની ખબર એને નહિ પડે.

વાંચન એક અલગ પ્રકારની નિરાંત માંગે છે. ખાવામાં જેમ અતિશય ઉતાવળ ન કરાય તેવું જ વાંચનમાં પણ છે, પચાવી શકાય તેટલું ખાઈએ છીએ એ જ વાત વાંચનને પણ લાગુ પડે છે. ખાતાં શીખ્યા પછી વધુ પોષક આહાર તરફ જતાં થયાં. સ્વસ્થ આહાર અને પોષક આહાર શોધતાં થયાં. ખોરાકની માફક વાંચનની પણ આ જ 'શોધયાત્રા’ બનવી જોઈએ.

વાંચતા જાવ અને સાથે વિચારતા જાવ ત્યારે ખબર પડે કે કયું કામનું છે, કયું નકામું છે. કયું લખવા ખાતર લખાયું છે, કયું દિલ દઈને લખાયું છે. આપણને ઘાયલ ન કરે, વિચલિત ન કરી મૂકે એવું સોજ્જું સોજ્જું વાંચતા રહેવાનો બહુ મતલબ નથી. આપણને અસર કરે, વેદનામાં ડૂબાડી દે અથવા તો અંદરની ચેતનાને ઝંકૃત કરી મૂકે એવું વાંચવાની અનિવાર્યતા હોય છે. તમારી અંદર એ ભાવ કે એ વિચાર ચકરાવો લીધે રાખે એ જરૂરી હોય છે.

જેમણે ભણતર પછી વાંચવાનું બંધ કરી દીધું હોય અથવા તો સહજપણે છૂટી ગયું હોય તેમને પછી વાંચન બિનમહત્ત્વનું એટલે લાગ્યા કરે છે કે એની માન્યતા એવી બની જાય છે કે હવે પહેલાં જેવું કંઈ નવું લખાતું નથી. જો એ વાંચવા બેસે તો એને ખબર પડે કે દરેક સમયમાં નવી કલમો અને નવી અભિવ્યક્તિ આવતી જ રહેતી હોય છે. લેખન જેમ સમયની માંગ છે તેમ વાંચન પણ સમયની જ માંગ છે. સર્વવિદિત છે તેમ સમય કદી અટકવાનો નથી તેથી બધું થંભી જવાને કોઈ કારણ નથી.

જે વૈવિધ્યપૂર્ણ વાંચન અખબારો અને સામયિકોમાં અભરે ભર્યું પડ્યું છે તેમાંથી ઉચિતની પસંદગી કરીને આજના માણસ સામે તે મૂકી આપવાનો આ એક ઊપક્રમ છે. પસંદગી સાથે વાચક કેવી રીતે જોડાતો થાય છે અને એકની પસંદગી સર્વની બને છે કે કેમ એ તો સમય નકકી કરે છે. એ માટે આ પ્રક્રિયામાં જોડાવું જરૂરી બને છે, આશય ઊદાત્ત છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવાનો ખ્યાલ છે. જીવાતું જીવન બધાં વધુ સારી રીતે જીવી શકે એ માટેના અદૃશ્ય એવા માર્ગનું નિર્માણ આ પ્રક્રિયા દ્વારા થતું રહેશે. સાધનો દૃશ્યમાન છે પણ એની પાછળ ચાલતી રહેતી પ્રક્રિયા અદૃશ્ય તો છે જ, ક્યારેક અગમ્ય પણ લાગે છે. એમાં જ પરિવર્તનનો ચમત્કાર પડેલો હોય છે.

એકત્ર ફાઉન્ડેશનને આવેલું સપનું અગાઉ પણ ઘણાએ જોયું છે. મહેન્દ્ર મેઘાણીએ ત્રણેક દાયકા જે 'મિલાપ' ડાયજેસ્ટ ચલાવ્યું તેનાથી એક આદર્શ ઊભો થયેલો છે. એ દિશામાં ચાલતાં રહેવાનો આ એક નવો ઊપક્રમ છે. માણસ વિચારવંત પ્રાણી છે. વાંચનની આગળ - પાછળ વિચાર પ્રક્રિયા જોડાયેલી હોય છે, તેથી જ ‘વાચનમિલાપ’ એવું સહજ નામાભિધાન કર્યું છે. વાચકોના અભિપ્રાયની તેથી જ સહજ ઈંતેજારી પણ રહેશે. સામૂહિક સરકારથી આ ડિજિટલ સામાયિકનું પોત બંધાતું રહેશે.

- ડંકેશ ઓઝા

એકત્ર ફાઉન્ડેશન