આજે દેશમાં સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો તે છે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઑફ ઇલેક્ટોરલ રોલ'. સરળ ભાષામાં કહીએ તો મતદારયાદીની વિશેષ સઘન સુધારણા. અંગ્રેજી શીર્ષકના ત્રણ અક્ષરોથી બનેલો ‘SIR' શબ્દ આજે તેના જૂના અર્થ કરતાં આપણને એક વિવાદાસ્પદ વ્યાયામની યાદ અપાવે છે. ભારતમાં ૧૯૫૦માં શરૂ થયેલા બંધારણના અમલમાં લોકશાહીને સ્થિર કરી તેનાં મૂળ ઊંડે સુધી ઉતારવામાં ભારતના ચૂંટણી પંચની ભૂમિકા મહત્ત્વની રહી છે. લોકશાહીનું હાર્દ મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા છે. રાજકારણીઓ માટે સત્તાનું આકર્ષણ એટલું અદમ્ય છે કે ચૂંટણીમાં જીત માટે કોઈ પણ ગેરરીતિ આચરવાની તેમની તૈયારી હોય છે. મને ચાળીસ વર્ષની વહીવટી કારકિર્દીમાં ચૂંટણીના સંચાલન સાથે નિકટથી સંકળાયેલા રહેવાનો અને વિવિધ રાજયોમાં ચૂંટણી અંગે ફરજ બજાવવાનો અવસર મળ્યો હતો. આ અનુભવના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે ચૂંટણી એ કાદવ-કીચડથી ભરેલો એક એવો માર્ગ છે કે જેના પર ચાલવાથી આપણે ગંદકીથી ખરડાઈ જઈએ છીએ. ચૂંટણી એટલે નાણાં, બાહુબળ, છળકપટ અને પ્રલોભનનો એક મોટો ખેલ. કમનસીબે આ વાસ્તવિકતા છે.
ભારતના બંધારણની કલમ ૩૨૪ ચૂંટણીપંચની રચના, તેની ફરજો અને અધિકારો વર્ણવે છે. આ કલમ હેઠળ બંધારણની મર્યાદામાં રહીને સંસદને જરૂરી કાયદો કરવા અધિકૃત કરવામાં આવી છે. ચૂંટણીની પ્રક્રિયા અંગે સંસદે વર્ષ ૧૯૫૦માં લોકપ્રતિનિધિત્વનો કાયદો પસાર કર્યો છે. આ કાયદા દ્વારા ચૂંટણીપંચની કાર્યવાહી અને ચૂંટણીઓના સંચાલન અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ ૩૨૫ હેઠળ ‘દરેક મત વિસ્તાર માટે એક મતદારયાદી હશે. આ મતદારયાદી સંસદ અને રાજય વિધાનસભાની ચૂંટણી માટેની મતદારયાદીમાં સમાવિષ્ટ થવા માટે કોઈ પણ વ્યક્તિને માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે આમાંના કશા કારણસર ના કહી શકાય નહીં. ભારતમાં અગાઉ મતદાનની પાત્રતા ૨૧ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થતી હતી. આજે આ મર્યાદા ૧૮ વર્ષની છે. ભારતની ૧૪૬ કરોડની વસ્તીમાં ૯૭ કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે. કલમ ૩૨૫ની જોગવાઈ અનુસાર ચૂંટણીપંચ રાજ્ય સરકારોને જે નિર્દેશો આપે, તે પ્રમાણે જિલ્લા કલેક્ટર (જે હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી છે) મારફત વિધાનસભા અને સંસદીય મતદાર મંડળોની યાદીઓ બનાવે છે, તેમાં સુધારા વધારા કરે છે. આ મતદારયાદીમાં જેમનું નામ હોય, તે વ્યક્તિ જ સંબંધિત મતદાનકેન્દ્ર પર મતદાન કરી શકે છે.
દરેક ચૂંટણી બાદ અનેક મતદારોની ફરિયાદો આવે છે કે તેમનું નામ મતદારયાદીમાં હતું. પણ અચાનક તે કમી થઈ ગયું છે. સામે પક્ષે અનેક રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે સરકારી તંત્ર તેમના ટેકેદારોનાં નામો કમી કરે છે અને બીજા દેશોમાંથી ગેરકાયદે ઘૂસી આવેલા માણસોનાં (જે ભારતના નાગરિક બનવાની લાયકાત ધરાવતા નથી) નામો મતદારયાદીમાં ઉમેરવામાં આવે છે. મતદારયાદીની સુધારણાની કામગીરી સતત ચાલતી રહે છે, પરંતુ નાગરિકો જ્યારે સ્થળાંતર કરે ત્યારે જૂની જગ્યાએથી નામ કમી કરાવી વર્તમાન રહેઠાણ પ્રમાણે નામ ઉમેરવા માટેની કાર્યવાહી કરતા નથી. જે મતદારો ૧૮ વર્ષ પૂર્ણ કરે છે તે પણ સમયસર નામની નોંધણી કરાવતા નથી. જે મતદારો મૃત્યુ પામે છે તેનાં નામો કમી કરાવવાની તસ્દી તેમના પરિવારજનો લેતા નથી. અનેક મતદાન-મથકો પર મૂળ-મતદાતાને બદલે અન્ય કોઈ મત આપી જાય છે. જોકે હવે દરેક મતદાર-યાદીમાં મતદારનો ફોટો છાપવામાં આવે છે અને આધાર, વોટર તરીકેનું ઓળખપત્ર વગેરે હોવાથી ભળતા નામે મતદાન થવાની સંભાવના શૂન્ય થવી જોઈએ. કદાચ મતદાન-મથકના સ્ટાફ કે ઉમેદવારોના પ્રતિનિધિઓની ગરબડના કારણે જ ગેરરીતિ થઈ શકે. અનેક મતદાનમથકોમાં મતદારો ડરથી, પ્રલોભનથી કે જ્ઞાતિના ઉમેદવારને મદદ કરવા 'સારા' કરતાં 'મારા ઉમેદવારની પસંદગી કરવામાં રસ ધરાવે છે.
આપણા દેશમાં ૯૭ કરોડ મતદારોની યાદીમાં સઘન સુધારણા કરવાની કામગીરી ઈ.સ. ૨૦૦૨ પછી હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ૨૩ વર્ષમાં નવાં નામો ઉમેરવાની, મૃત્યુ પામેલા નાગરિકોનાં નામ કમી કરવાની કામગીરી તો ચાલતી રહેતી હોય છે. દરેક ચૂંટણી પહેલાં ચૂંટણીપંચ નાગરિકોને મતદારયાદી (હવે ઓનલાઈન ઉપલબ્ધ છે) ચકાસીને પોતાનું નામ, લિંગ, ઉંમર, સરનામું બરાબર છે તેની ખાતરી કરવા માટે જાહેરાતો દ્વારા આમંત્રે છે. નામ ઉમેરવા અને કમી કરવાનો પ્રશ્ન ત્યારે જટિલ બને છે કે શિક્ષણ, રોજગાર, બદલી, નવા ધંધા-ઉદ્યોગ માટે સ્થળાંતર કરતા નાગરિકોને મતદારયાદીમાં ઉમેરવા અને કમી કરવા. આમાં આંતરરાજ્ય કે ફેરબદલીનો પ્રશ્ન પણ સંકળાયેલો છે.
ઈ.સ. ૨૦૦૨ પછી જ્યારે સઘન સમીક્ષા હાથ ધરાઈ છે તેમાં મુખ્ય અને વિવાદાસ્પદ મુદ્દો એ છે કે અનેક રાજ્યોમાં મતદારયાદીમાં એવાં નામો ઉમેરાયાં છે જે દેશનું નાગરિકત્વ તો નથી ધરાવતા, પરંતુ ભારતમાં તદ્દન ગેરકાયદેસર ઘૂસી આવેલા છે. આમાં બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા મોટી છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી પણ ભારતમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોએ ગેરરીતિઓ દ્વારા આધારકાર્ડ અને મતદાર ઓળખપત્ર પણ બનાવડાવી લીધાં છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, મુંબઈ, દિલ્હી વગેરે જગ્યાએ આવા ઘૂસપેઠિયાઓનો વસવાટ ચિંતાજનક છે.
મતદારયાદીની સઘન સુધારણાથી નીચે મુજબ લાભો થવાના છે - (૧) આપણે ત્યાં મોટા પ્રમાણમાં ભૂતિયા મતદાતાઓ નોંધાયેલા છે. એક સ્થળે સેંકડો નહીં, પણ હજારો લોકો રહે છે તે રીતે ખોટાં સરનામાં પર નોંધણી કરાવી છે. (૨) આ સુધારણાને કારણે જુદા જુદા મતવિસ્તારોમાં જે વસ્તીમાં ફેરફાર થાય તેની માહિતી મળે છે. અગાઉ ૩૦ વર્ષ માટે મતવિસ્તારોની હદમાં ફેરફાર ન કરવાની નીતિ અપનાવી ત્યારે અમદાવાદમાં સરખેજ વિધાનસભા મતવિસ્તારની મતદારોની સંખ્યા લોકસભાના નિર્વાચન ક્ષેત્ર કરતાં વધી ગઈ હતી. આવી જ સ્થિતિ લગભગ તમામ મહાનગરો જે ખૂબ ઝડપથી વિકસતા હતા તેમાં થઈ હતી. (૩) આ પ્રકારની પ્રક્રિયાથી વંચિતો, દિવ્યાંગો, નિરક્ષર અને યુવાનોને મતદારયાદીમાં નોંધવાનો અવસર પ્રાપ્ત થાય છે. (૪) આવી સુધારણાથી મતદારયાદીઓ અદ્યતન અને વિશ્વસનીય બને છે. (૫) દરેક પોલિંગ સ્ટેશનમાં મતદારની વધઘટ ધ્યાનમાં લઈને તેની સંખ્યામાં વધઘટ કરીને ચૂંટણીપ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી તજવીજ કરી શકાય છે.
અગાઉ મતદારયાદીની સુધારણાની કામગીરી શિક્ષકો કરતાં હતાં. તે કામગીરી મેન્યુઅલ હતી અને મતદારોની ગણતરી કરવા માટે સ્ટાફને પૂરતો સમય મળતો હતો. હવે આજના ડિજિટલ યુગમાં મતદારોએ ૨૦૦૨ની માહિતી શોધીને ફોર્મ ભરવાનું, સહી કરીને પ્રમાણિત કરવાનું અને શિક્ષકોએ તે કમ્પ્યૂટર પર અપલૉડ કરવાનું. આ પ્રકારની વ્યવસ્થા અનેક શિક્ષકો માટે તણાવનું કારણ બની છે. અમુક કિસ્સામાં શિક્ષકોએ ફરજના બોજથી મૂંઝાઈને આત્મહત્યા કરી છે તો કેટલાકને હૃદયરોગનો હુમલો થતાં અવસાન પામ્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં શિક્ષકો આટલા મોટા અભિયાનનો ભાગ હોય ત્યારે સંભવ છે કે અમુક વ્યક્તિઓ આ કામગીરીનો બોજ સહન નથી કરી શક્યા. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજમાં વિવિધ કારણોસર દરરોજ આત્મહત્યાના બનાવો બને છે. આ ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનો અને યુવતીઓ સ્વસ્થ દેખાતાં હોય પણ સાવ અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે.
શિક્ષકોના અકાળ મૃત્યુના કારણે 'સર'ની કામગીરીના વિવાદમાં એક નવું પાસું ઉમેરાયું છે તે છે - ચૂંટણીપંચ અને વહીવટીતંત્રની ઉતાવળ અને બિનસંવેદનશીલતા. જ્યારે કરોડો લોકોનો સંપર્ક કરવાનો હોય, કામગીરી સંભાળતા શિક્ષકોને ડિજિટલ પદ્ધતિનો અનુભવ ન હોય ત્યારે તાલીમની વ્યવસ્થા અને જરૂરી સમય આપવાની જવાબદારી ચૂંટણીપંચના શિરે છે. બંધારણ કે લોકપ્રતિનિધિત્વ ધારામાં આવી સઘન સુધારણાનો કોઈ ઉલ્લેખ નથી. કાયદાકીય જોગવાઈનો હેતુ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરાવવાનો છે અને તે માટે જે આનુષંગિક કામગીરી કરવી જોઈએ તે ચૂંટણીપંચના અધિકારમાં આવે તેના આધારે શ્રી ટી. એન. શેષાને કોડ ઓફ કન્ડક્ટ(આચારસંહિતા)નો કડક અમલ કરાવ્યો હતો. સઘન સુધારણા ઝુંબેશનાં અનેક ભયસ્થાનો પણ છે. અનેક મતદારોનાં નામો ગણતરી કરનાર સ્ટાફની ભૂલના કારણે કમી થઈ શકે છે. આના ઉકેલ માટે નાગરિકોએ જાગૃતિ દાખવવા ડ્રાફ્ટ પ્રકાશન સમયે ખાતરી કરવી જોઈએ કે તેનું નામ બાકી તો નથી રહી ગયું?
વર્ષ ૨૦૨૫ની મતદારયાદીઓની સઘન સુધારણા દરેક મતદારની હાજરી અને લાયકાત તપાસે છે ત્યારે ભૂતિયા મતદારો નોંધી અમુક રાજકીય પક્ષોને અનુચિત ફાયદો કરાવતાં રાજ્યોનું વહીવટીતંત્ર શંકામાં આવ્યું છે. જે રાજકીય પક્ષો સઘન સુધારણાનો વિરોધ કરે છે તેની હાલત તો 'ચોર કી દાઢી મેં તિનકા' વાર્તામાં આટલું સાંભળતાં જ ચોર પોતાની દાઢી પર હાથ ફેરવે છે તેવું છે. સાચી મતદારયાદી અને લાયકનો તેમાં સમાવેશ થાય અને બિનઅધિકૃતોની બાદબાકી થાય એ તો ચૂંટણીપંચની બંધારણીય અને કાયદાકીય જવાબદારી છે. તેની પ્રક્રિયામાં ક્ષતિ હોય તો તે સુધારી શકાય, પણ મતદારયાદીઓ કોઈ ધર્મગ્રંથ હોય અને તેમાં થતા સુધારાનો જે ઉગ્રતાથી વિરોધ થાય તેવો જ વિરોધ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ‘SIR' માટે થાય છે. સ્વસ્થ લોકશાહી માટે સાચી મતદારયાદી અનિવાર્ય આવશ્યકતા છે. ભારતે છેલ્લા સાડાસાત દાયકામાં જે સજાગતા દર્શાવી છે, તેની અનેક રાષ્ટ્રોએ નોંધ લઈને તે પ્રમાણે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આપણે આ કાર્યમાં વિરોધ ન કરતાં સહયોગ કરીએ તે જરૂરી છે.

