રેગિંગ નહીં, મેન્ટરીંગ

Source: સંદેશ

શાળાજીવન પૂરું કરી કૉલેજમાં પ્રવેશ એ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત હોય છે. નવી આશા, નવાં સ્વપ્નો અને નવા મિત્રો સાથે કૉલેજોમાં વિદ્યાર્થી પગ મૂકે છે. પરંતુ, આ નવા જીવનની શરૂઆતમાં જ અપમાન, ભય અને માનસિક ત્રાસ શરૂ થાય તો શિક્ષણનું મંદિર કહેવાતું કૉલેજ કેમ્પસ વિદ્યાર્થીઓ માટે નવી આફતનું સ્થળ બની જાય છે. કૉલેજોમાં મશ્કરી, અપમાન, ધમકી અને માનસિક ત્રાસથી કોઈ આશાસ્પદ યુવાન કે યુવતી આત્મહત્યા કરી બેસે એ હદે સિનિયર વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓને પરેશાન કરે તે રેગિંગ એક ગુનો છે. કૉલેજોમાં રેગિંગનું મોટું દૂષણ શિક્ષણ જગતનું મોટું કલંક છે. રેગિંગથી કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરી નાખે છે. ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા નથી કરતા પણ ભયંકર માનસિક યાતના ભોગવે છે. અભ્યાસ છોડી દેનારની સંખ્યા નાની નથી...ડિપ્રેશનનો ભોગ બને છે અને શિક્ષણનું સ્વપ્ન પણ રોળાઈ જાય છે. કૉલેજોમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓની મશ્કરી કરવી કે અપમાનિત કરવા એ માનસિક વિકૃતિ છે. મેડિકલ કૉલેજમાં રેગિંગનું પ્રમાણ અતિ વધારે છે. ત્યારે સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિ એ માત્ર કૉલેજ માટે જ નહીં પરંતુ, સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા છે. 

ભારતમાં હવે ૧૨ ઑગસ્ટે સત્તાવાર રીતે "નેશનલ એન્ટી રેગિંગ ડે" ઉજવવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા ૨૦૨૩થી ૧૨થી ૧૮ ઑગસ્ટ "Anti Ragging week" તરીકે મનાવવાનો નિર્ણય થયો છે. જોકે માત્ર એક અઠવાડિયું ઉજવવાનો હેતુ નથી. કૉલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગની હરકતો સંપૂર્ણપણે નાબૂદ કરવી, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી અને નવા વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ આપવાનો હેતુ છે. રેગિંગ સામેની વ્યવસ્થામાં મહત્ત્વનો વળાંક સુપ્રીમ કોર્ટના ૨૦૦૭ અને ૨૦૦૯ના નિર્ણયો પછી આવ્યો છે, તેના આધારે યુ.જી.સીએ રેગિંગ અટકાવવા માટે કડક કાનૂન અને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. યુજીસીએ આપેલી વ્યાખ્યા પ્રમાણે કોઈ વિદ્યાર્થીની મજાક ઉડાવવી અથવા અપમાન કરવું, અસભ્ય ટિપ્પણી કરવી, માનસિક ત્રાસ આપવો, ભય તથા શરમની લાગણી ઊભી કરવી, કોઈ વિદ્યાર્થીને તેની ઈચ્છા વિરુદ્ધનું કામ કરાવવું, શારીરિક નુકસાન કે પીડા આપવી, જુનિયર વિદ્યાર્થીને કોઈપણ રીતે દબાવવો અને વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડવું જેવા કૃત્યોને રેગિંગ કહેવામાં આવે છે. એટલે મજાક કરવી એ પરંપરા છે, અમારી સાથે પણ થયું હતું તેવી કોઈ દલીલ રેગિંગને યોગ્ય ઠેરાવી શકે નહીં. 

દેશભરની કૉલેજોમાં રેગિંગની ઘટનાઓ બને છે. ગુજરાતમાં પણ ચિંતાજનક બનાવો બની રહ્યા છે. જૂન ૨૦૨૬માં અમદાવાદની એક મેડિકલ કૉલેજમાં ત્રણ વિદ્યાર્થીઓને જૂનિયરો સામે રેગિંગના આક્ષેપો થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી એક વિદ્યાર્થીને એક વર્ષ અને અન્ય બેને છ-છ મહિનાની સજા કરવામાં આવી છે. તે જ રીતે થોડા સમય પહેલા ભાવનગરની મેડિકલ કૉલેજમાં છ વિદ્યાર્થીઓને રેગિંગના કારણે છ મહિનાથી બે વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સૌથી હૃદયદ્રાવક ઘટના સુરતની સરકારી મેડિકલ કૉલેજમાં બની છે. MBBS પૂર્ણ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતાં તપાસમાં તેમના પર સિનિયર તબીબ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ થયાનું બહાર આવ્યું છે. ત્રાસ આપનાર ચાર રેસીડેન્ટ ડોક્ટરો સામે છ મહિનાના સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. જોકે રેગિંગના કારણે તબીબે આત્મહત્યા કરી છે તે અનુસંધાને આખરે રેગિંગ કરનારા સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.  

સુરતની ઘટનાના પગલે હવે મેડિકલ કૉલેજે રેગિંગ મુદ્દે કડક નિર્ણયોના નિર્દેશ આપ્યા છે. સુરતમાં કૉલેજના ૩૦ રેસિડેન્ટ તબીબોએ લખીને આપ્યું હતું કે ૪૦ લાખના બોન્ડ ન ભર્યા હોત તો માઈક્રો બાયોલોજી વિભાગ છોડી દીધો હોત. આ તબીબોએ ફરિયાદ કરી હતી છતાં આ ગંભીર મુદ્દે કોઈ નિવેડો નહીં આવતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી તેવું ત્યાંના રેસિડેન્ટ તબીબોનું કહેવું છે. ખાસ કોઈ દાખલો બેસાડે તેવા પગલાં લેવાયા નથી તે ચિંતાજનક બાબત છે. કોઈ ઘટના બને તેમાં કોઈ નક્કર પગલા કે જવાબદારોને સજા કરવાના બદલે હવે નવા કડક પગલાં લેવાના પરિપત્રો બહાર પાડે છે. પરિણામે તંત્ર અને વ્યવસ્થામાં કોઈ સુધારો થતો નથી. નવા નિયમ પ્રમાણે રેગિંગ રોકવાની જવાબદારી હવે માત્ર એન્ટી રેગિંગ કમિટી પૂરતી સીમિત નહી રહે. કૉલેજોમાં રેગિંગ દૂષણ અટકવું જ જોઈએ તે માટે યોગ્ય કડક પગલાં લેવા જરૂરી છે. આવું નહીં થાય તો રેગિંગ ઘટના અટકવાની નથી. હાલ હજુ અભ્યાસ કરતા અસંખ્ય વિદ્યાર્થીઓ સિનિયર તબીબોની માનસિક યાતના સહન કરી રહ્યા છે તેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. સિનિયર તબીબો જુનિયરોને ૨૪ કલાક કે ૩૬ કલાક કામ કરાવતા હોય તો વિભાગીય વડાને ખ્યાલ ન આવી શકે? કૉલેજનું સમગ્ર તંત્ર આ બાબતે શું કરે છે? આવા પ્રશ્નોએ હવે સંવેદના ગુમાવી દીધી છે. તે દુઃખદ બાબત છે.

તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતની મેડિકલ કૉલેજોમાં ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાન રેગિંગ અંગે ૨૩ ફરિયાદો નોંધાઈ હોવાનો દાવો પણ સામે આવ્યો છે. વાસ્તવિક સમસ્યા આ આંકડાથી ઘણી વધુ હશે કારણ કે, દરેક વિદ્યાર્થી ફરિયાદ કરવાની હિંમત જ કરતા નથી. નાપાસ કરવાનો ડર, ૪૦ લાખના બોન્ડ ભર્યા છે તે દબાણ અને તબીબ જેવી ડીગ્રી મેળવવા માટે અત્યાર સુધી કરેલી મહેનત પાણીમાં ન જાય તે બધા દબાણો વચ્ચે રેગિંગનું દૂષણ સહન કરે છે. જોકે મેડિકલ સિવાય અન્ય કૉલેજોમાં પણ પરિસ્થિતિ સારી નથી. રેગિંગના સમર્થનમાં સૌથી સામાન્ય દલીલ હોય છે કે, અમારી સાથે પણ આવું થયું હતું. આ વાત જરાય યોગ્ય નથી સિનિયર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવમાંથી કડવાશ દૂર કરી જુનિયર માટે સહાનુભૂતિ અને વધુ સારું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. સિનિયર બનવાનો અર્થ સત્તા મેળવવી નહીં જવાબદારી મેળવવી તેવો છે.

ભારતમાં રેગિંગ સામે કાયદો અને નિયમો છે. પરંતુ, અમલ થતો નથી. UGCની સત્તાવાર વેબસાઇટ પર હાલ ૨૪ કલાક કાર્યરત એન્ટી રેગિંગ હેલ્પલાઇન ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ દર્શાવવામાં આવી છે. દરેક કૉલેજમાં એન્ટી રેગિંગ કમિટી હોય છે. વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે મુશ્કેલી પડે ત્યારે કરિયાદ કોને કરવી. ફરિયાદ પછી પણ તેનું નામ ગુપ્ત રહેશે તેની ખાતરી મળવી જોઈએ. કમિટીએ પણ ફરિયાદની રાહ જોયા વગર વિદ્યાર્થીઓના વાણી, વર્તન, વ્યવહાર ઉપર નજર રાખવી જોઈએ અને પગલાં લેવા જોઈએ. રેગિંગ થાય તો ફરિયાદ કરો તેવા અભિગમને બદલે રેગિંગ જ ન થાય તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. 

કૉલેજોમાં પ્રવેશ લેનારો યુવાન આપણા દેશનું ભવિષ્ય છે. તે એન્જિનિયર બને, ડૉક્ટર બને, વકીલ બને, ઉદ્યોગપતિ બને, શિક્ષક બને કે સંશોધક બને પરંતુ તેના સપનાને કોઈ સિનિયર વિદ્યાર્થીઓની વિકૃત મજાકના નામે કચડી નાખવાનો અધિકાર કોઈને નથી. રેગિંગથી કોઈ વિદ્યાર્થી મજબૂત બનતો નથી પરંતુ એ અંદરથી તૂટી જાય છે. અને ઘણી વખત મનોચિકિત્સકની દવા લેવી પડે તે હદે આઘાતમાં સરી પડે છે. એટલે હવે કૉલેજ કેમ્પસ કે હોસ્ટેલમાં રેગિંગને સિનિયર-જુનિયર વચ્ચેની મસ્તી તરીકે લેવાની માનસિકતા બદલવાની જરૂર છે. 

કાનમાં કહું ? 

કૉલેજોમાં સિનિયરોએ રેગિંગ નહીં, 

મેન્ટરીંગ કરવું જોઈએ. 

- કાનજી ભાલાળા

(સંદેશ)

એકત્ર ફાઉન્ડેશન