દીવો હજી બળે છે

Source: ભૂમિપુત્ર

ચાર વર્ષ થયાં પૂ. ગોવિંદભાઈ રાવલ આપણી વચ્ચે નથી, અને છતાં આજે એ જ ગામમાં, એ જ શાળાના આંગણમાં લોકો ભેગા થશે. એ શાળા, જેની ઈંટ એમણે પોતાના હાથે અને પોતાનાં સપનાંથી ચણી હતી. ખૂબ દૂરથી હું આ શબ્દો મોકલું છું. અને મને ખબર છે કે શબ્દો હાજરીની જગ્યા લઈ શકતા નથી. પણ કેટલાક માણસો એવા હોય છે જેમની હાજરી ભૂગોળને ગણકારતી નથી. ભાઈ એવા હતા. જ્યાં જ્યાં સંસ્થાનું કોઈ બાળક પહેલી વાર પાટી પર અક્ષર પાડે છે. ત્યાં ત્યાં એ ઊભા છે.

જેઓ આજે ત્યાં બેઠા છે, તેમને મારી એક જ વિનંતી છે : થોડી ક્ષણ માટે આંખ મીંચો, અને આજના આ ગામને ભૂલી જાઓ. પાકા રસ્તા ભૂલો, વીજળીના થાંભલા ભૂલો, છાપરે લાગેલી ડિશ ભૂલો, ખિસ્સામાં પડેલો ફોન ભૂલો અને સિત્તેર વર્ષ પાછળ જાઓ. સ્વતંત્રતાની હમણાં જ સવાર પડી હતી એ વખતે.

દિલ્હીના કિલ્લા પર ધ્વજ ફરકી ચૂક્યો હતો, પણ ગુજરાતના આ ખૂણે તેનો પડઘો પહોંચતાં વાર લાગી હતી. આ ગામમાં ધૂળિયો રસ્તો હતો, જે ચોમાસામાં કાદવ થઈ જતો અને ગામને ચાર મહિના માટે દુનિયાથી કાપી નાખતો. રાત પડે ને દીવાની ધ્રૂજતી જ્યોત સિવાય કશું નહોતું. શાળા તો શું, દવાખાનું નહોતું. દુકાળ આવે ત્યારે માણસો ઢોર લઈને હિજરત કરતા. ચારે બાજુ ગરીબી હતી, અજ્ઞાન હતું, અને અજ્ઞાનની છાયામાં ઊછરેલી અંધશ્રદ્ધા હતી. મોટા ભાગનાં ઘરોમાં એક પણ માણસ એવો નહોતો જે પોતાનું નામ લખી શકે. કાગળ આવે તો ગામમાં કોઈ એકાદ ભણેલા માણસને શોધવો પડતો. અને એ વાંચી આપે તે સાચું માનવું પડતું. અંગૂઠો એ જ સહી હતી, અને અંગૂઠાની સાથે લાચારી પણ આવતી. દીકરીઓ માટે તો શાળા શબ્દ જ પરાયો હતો! આઠ વર્ષની છોકરી પાણી ભરતી, ભાઈને તેડતી, અને પંદરમે વર્ષે સાસરે જતી. કોઈને એમાં અન્યાય દેખાતો નહોતો, કારણ કે બીજું કશું જોયું જ નહોતું.

એવા સમયે શાળા શરૂ કરવાની વાત આજે જેટલી સહેલી લાગે છે, એટલી ત્યારે નહોતી. ત્યાં પૈસા કરતાં વધારે વિશ્વાસની જરૂર હતી, ઈમારત કરતાં વધારે સંકલ્પની જરૂર હતી, અને સરકારી સહાય કરતાં વધારે લોકસહકારની જરૂર હતી. અને એ ત્રણેય ભેગાં કરવાં પડે એક ઘરથી બીજા ઘર સુધી ચાલીને, એક પછી એક માણસને સમજાવીને.

એ સમયે, એ જગ્યાએ, આ ગામના જ એક જુવાન માણસે નક્કી કર્યું કે અહીં નિશાળ થવી જોઈએ. ખાદીનો ઝભ્ભો, ખભે થેલો, અને મનમાં ગાંધીબાપુનો એક સાદો વિચાર કે સ્વરાજ કાયદાથી નહીં, કેળવણીથી ટકશે; અને ગ્રામસ્વરાજનું મૂળ ગામની નિશાળમાં છે. એમને માટે ગાંધીવિચાર એટલે માત્ર ખાદી પહેરવી કે ગાંધીજીનું નામ લેવું નહોતું. સત્ય, સાદગી, સેવા, સ્વાવલંબન, સમાનતા અને માનવપ્રેમ આ છ શબ્દો એમના જીવનમાં રોજ સવારે ઊઠીને પળાતા હતા. અને એ માનતા હતા કે શિક્ષણ એ નોકરી મેળવવાનું સાધન નથી; શિક્ષણ માણસને વિચારતો, સમજતો અને જવાબદાર નાગરિક બનાવે છે. પાસે મૂડી નહોતી, મકાન નહોતું, પગાર આપનાર કોઈ નહોતું. હતી માત્ર જીદ, જે સાચા ગાંધીજનની એકમાત્ર મિલકત હોય છે.

શરૂઆત વડના ઝાડ નીચે થઈ હોય કે ગામની ધર્મશાળામાં, પણ સૌથી અઘરું કામ વર્ગ ચલાવવાનું નહોતું - બાળકોને વર્ગ સુધી લાવવાનું હતું. એ કામ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું હતું. ગોવિંદભાઈ અને સુમતિબહેન ઘરે ઘરે ફર્યાં. જે માબાપ પોતે નિરક્ષર હતાં, જેમને માટે દીકરો એટલે ખેતરમાં એક વધારાનો હાથ, તેમને સમજાવવાનું હતું કે આ છોકરાને આજે ખેતરે નહીં, નિશાળે મોકલો. કેટલાયે ના પાડી હશે. કેટલાયે મોઢે કહ્યું હશે કે ભણીને શું કરશે, આપણું ભાગ્ય તો આ જ છે. ગોવિંદભાઈએ એક જ જવાબ વારંવાર આપ્યો હશે, આજે ખેતરે જશે તો એક ટંકનો રોટલો મળશે, નિશાળે જશે તો સાત પેઢીની ભૂખ ભાંગશે, અને પછી, જે માણસ દલીલથી ન માને તેની સામે એ ચુપચાપ પોતાનું જીવન મૂકી દેતા. પોતે ઓછું લીધું. ઓછું પહેર્યું, ને છોકરાઓ માટે પાટી-પેન ભેગી કરી.

એમની કેળવણી માત્ર ચોપડીની નહોતી. ગાંધીજીની નઈ તાલીમનો અર્થ એ સમજ્યા હતા અને જીવ્યા હતા - હાથ, હૃદય અને મસ્તક, ત્રણેયને સાથે કેળવવાં. એટલે વર્ગમાં ગણિત ભણાવ્યું. અને વર્ગની બહાર બાગકામ. પ્રાર્થના શીખવી, અને સાથે સફાઈનું ગૌરવ પણ. કોઈ છોકરો કઈ જ્ઞાતિનો છે એ પૂછવાનું એમની શાળામાં નહોતું. સૌ એક જ પંગતમાં બેસતા, અને એ વખતના ગામડામાં એ કેટલી મોટી ક્રાંતિ હતી તે આજની પેઢી કદાચ કલ્પી પણ નહીં શકે. અને દીકરીઓ. મને લાગે છે કે એમનું સૌથી મોટું કામ એ હતું. જે ઘરમાં દીકરીને ભણાવવી એટલે નાહકનો ખર્ચ ગણાતો, ત્યાં જઈને એમણે માબાપને કહ્યું હશે કે એક દીકરી ભણશે તો બે કુટુંબ ભણશે. જે પહેલી છોકરી ડરતાં ડરતાં એ વર્ગમાં આવીને બેઠી હશે, તેને ખબર નહીં હોય કે તે ઇતિહાસ લખી રહી છે.

એટલે એમણે માત્ર એક શાળાની સ્થાપના નહોતી કરી, એમણે એક આખા આ પ્રદેશના ભવિષ્યની સ્થાપના કરી હતી.

હવે આંખ ખોલો, અને એ જ ગામને આજે જુઓ.

એ જ ધૂળિયો રસ્તો હવે ડામરનો છે. એ જ ઘરોમાં દીવાને બદલે વીજળી છે. જે માબાપ અંગૂઠો કરતાં હતાં તેમનાં પૌત્ર-પૌત્રીઓ કમ્પ્યુટર પર કામ કરે છે. ગામમાં શિક્ષકો છે, ડૉક્ટરો છે, ઈજનેરો છે, અમલદારો છે, વેપાર-ઉદ્યોગ ચલાવનારા છે અને એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એક જ મૂળ છે : એક નિશાળ, જે ત્યારે શરૂ થઈ જ્યારે અહીં કશું નહોતું. સમૃદ્ધિ આકાશમાંથી નથી પડી. તે ભણતરમાંથી ઊગી છે. કોઈ યોજનાએ નહીં, કોઈ નેતાએ નહીં, એક શિક્ષક દંપતીએ આ ગામ અને સમગ્ર પ્રદેશનું ભાગ્ય બદલ્યું, અને તે એટલી ધીરજથી બદલ્યું કે બદલાવ થતો હતો ત્યારે કોઈને ખબર પણ ન પડી.

એક આંકડો છે જે મને દર વખતે સ્તબ્ધ કરી દે છે. આ સંસ્થામાંથી આજ સુધીમાં સાત હજારથી વધુ પ્રાથમિક શિક્ષિકાઓ તૈયાર થઈ છે. અને એ સિલસિલો હજી ચાલુ છે. જરા ગણતરી કરો. એક શિક્ષક પોતાની ત્રીસ વર્ષની કારકિર્દીમાં ઓછામાં ઓછાં હજારેક બાળકોના હાથમાં અક્ષર મૂકે છે. સાત હજારને હજારે ગુણો. સિત્તેર લાખ. સિત્તેર લાખ બાળકો - ગુજરાતના ખૂણેખૂણાનાં ગામડાંમાં બેઠેલાં, જેમાંનાં મોટા ભાગનાએ ભાઈ-બહેનનું નામ પણ સાંભળ્યું નહીં હોય, અને છતાં જેમની પાટી પર પડેલો પહેલો અક્ષર એ આ સંકલ્પમાંથી નીકળ્યો છે.

અને શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનો પાઠ ભણાવતો નથી. એ બાળકમાં આત્મવિશ્વાસ જગાડે છે, વિચારવાની શક્તિ કેળવે છે, સાચા-ખોટાનો ભેદ સમજાવે છે, અને એ રીતે આવતીકાલનો સમાજ ઘડે છે. એટલે સાત હજાર શિક્ષિકાઓ તૈયાર કરવી એ સાત હજાર નોકરીઓનું સર્જન નથી; એ ગુજરાતના હજારો વર્ગખંડોનું અને લાખો બાળકોના ભવિષ્યનું નિર્માણ છે. એક શિક્ષકે હજારો શિક્ષકો ઘડ્યા, અને એ હજારો શિક્ષકોએ લાખો જીવન ઉજાળ્યાં. આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે?

ભાઈ-બહેને પોતે આ ગણતરી ક્યારેય કરી નહોતી. એ સ્વભાવે એવા હતાં જ નહીં. જેમણે એમને જોયા છે તેઓ જાણે છે. સાદાં બે જોડ ખાદીનાં કપડાં અને એક પણ વધારાનો શબ્દ નહીં. જે માણસે હજારો શિક્ષકો ઘડ્યા તેણે પોતાના ઘરમાં કશું ભેગું ન કર્યું. અમારે ત્યાં શરૂઆતમાં પૈસા નહોતા, પણ પુસ્તકો હતાં; ઠાઠ નહોતો, પણ ટેક હતી. મને એ ક્યારેય ઉપદેશ આપતા સાંભળ્યાનું યાદ નથી. એ માત્ર જીવતા હતા, અને એ જીવન જ ઉપદેશ હતું. આજે એમની પુણ્યતિથિ પર જે માન એમને મળે છે તે એમણે માગ્યું નહોતું; ઊલટું, આટલા લોકો ભેગા થયા છે તે જાણીને એ સંકોચાઈ ગયા હોત, અને કહ્યું હોત કે આ બધો સમય કોઈ બાળકને ભણાવવામાં વાપર્યો હોત તો સારું.

મૃત્યુ પછી ચાર વર્ષે પણ એમની ખોટ ઓછી થઈ નથી. પણ ધીરે ધીરે એક વાત સમજાય છે : કેટલાક માણસો પૂરેપૂરા મરતા નથી. ભાઈ-બહેનનું સ્મારક પથ્થરનું નથી. એમનું સ્મારક રોજ સવારે વાગતા અનેરા-વૃંદાવનની શાળાઓના ઘંટ છે. એ પ્રાર્થનાના સૂરમાં છે, હાજરીપત્રકમાં પોકારાતાં નામોમાં છે, બ્લેકબોર્ડ પર રોજ લખાતા પહેલા અક્ષરમાં છે. જ્યાં સુધી આ ઘંટ વાગે છે, ત્યાં સુધી એ ગયા નથી.

અને એટલે જ આજનો પ્રસંગ કેવળ શોકનો નથી, જવાબદારીનો છે. આજે આપણે માત્ર એમને યાદ ન કરીએ; આપણી જાતને એક પ્રશ્ન પણ પૂછીએ. એમણે જે કામ શરૂ કર્યું હતું, તેને આગળ લઈ જવા માટે આપણે શું કરીશું? સમય બદલાયો છે. આજે ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ટરનેટ અને Alનો યુગ છે. પણ કેળવણીનો મૂળ હેતુ આજે પણ એ જ છે – માણસને વધુ સારો, વધુ સંવેદનશીલ, વધુ જાગ્રત અને વધુ જવાબદાર બનાવવો. નવી પેઢીને આધુનિક જ્ઞાનની સાથે સેવા અને માનવતાનાં મૂલ્યો આપવાની જવાબદારી હવે આપણી છે. હજી પણ કેટલાંય બાળકો છે જેમના સુધી અક્ષર પહોંચ્યો નથી; ભણતરનું સ્વરૂપ બદલાયું છે, પણ ભણતરની ભૂખ એવી ને એવી છે. હું મારી રીતે, આપણી ભાષા અને ગુજરાતી સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાના કામમાં, એ જ દીવો હાથમાં લઈને ચાલું છું બીજા દેશમાં, બીજાં સાધનોથી, પણ એ જ સંકલ્પથી. 

આ પ્રસંગે આ જ ગામના એમના સાથીઓને પણ યાદ કરીએ જેમણે આ સંકલ્પ અને સંસ્થાના વિકાસમાં ભગીરથ ફાળો આપ્યો છે. સંસ્થાના સંચાલકો, આચાર્યશ્રીઓ, સૌ શિક્ષકગણ, સમગ્ર વિશ્વમંગલમ્ પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આજે ઉપસ્થિત સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈ-બહેનની સ્મૃતિને જીવંત રાખવા માટે અને એમણે માંડેલા આ શિક્ષણયજ્ઞને અવિરત આગળ ધપાવવા માટે આપ સૌ અભિનંદનના અધિકારી છો. મારું આ કાગળ પરનું વંદન આપ સૌના ચરણોમાં પણ છે.

દીવો સોંપાય ત્યારે તેને પૂજવાનો નથી હોતો, આગળ લઈ જવાનો હોય છે. તો આજે એમની સ્મૃતિને વંદન કરતાં આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ : શિક્ષણનો આ દીપ ક્યારેય બુઝાવા દઈશું નહીં. જ્ઞાનની આ યાત્રા અટકવા દઈશું નહીં. અને છેવાડાના છેલ્લા બાળક સુધી અક્ષર પહોંચાડવાનું એમનું સ્વપ્ન અધૂરું રહેવા દઈશું નહીં.

ભાઈ, તમે જે ધૂળમાં પહેલું બી વાવ્યું હતું ત્યાં આજે વડ ઊભો છે. હું એની છાયામાં નથી બેઠો, પણ મને ખબર છે કે એ છાંયડો ક્યાં સુધી પહોંચ્યો છે. તમારો દીવો હજી બળે છે અને હવે એ એકલો નથી, સાત હજાર દીવા સાથે બળે છે.

પૂ. ભાઈ અને બહેનનાં ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ. એમનો વિચાર-વારસો સદા અમર રહો.

- અતુલ રાવલ

(ભૂમિપુત્ર) 

એકત્ર ફાઉન્ડેશન