જૈનદર્શન સર્વકાલીન પ્રયોગ - ૬ એટલે ‘સ્વની ખોજ, સ્વની મોજ’, ‘પર્યુષણ' શબ્દનો અર્થ છે આત્માની નજીક વસવું. હું જોતો હતો કે અન્ય દર્શનોમાં પર્યુષણ જેવા ખ્યાલો કયા કયા છે. તો 'ભજન' શબ્દનો અર્થ પણ નજીક બેસવું એવો થાય છે, ‘ઉપનિષદ'નો અર્થ પણ નજીક બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય છે. તો કુલ મળીને આપણે આ છઠ્ઠા પ્રયોગમાં સ્વની નજીક જવાની મથામણ કરીશું. મને આવો સરસ સ્વાધ્યાય કરવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ હું આપ સૌ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ!
જાણી લીયો જીવડા કેરી જાત રે;
એક નગરમાં રાજાએ નક્કી કર્યું કે આપણે વસંતપર્વ ઊજવીએ. દેશ વિદેશથી મહેમાનોને તેડાવવા માટે નિમંત્રણપત્રિકાઓ મોકલી. આખોય મહેલ શણગારવાનું આયોજન થયું. એવામાં રાજાને વિચાર આવ્યો કે વસંતપર્વ ઊજવીશું અને કોયલ બોલે તો મજા પડી જાય. પણ નહીં બોલે તો? એટલે એણે સેનાપતિને બોલાવ્યા અને પૂછ્યું કે સેનાપતિ વસંતપર્વમાં કોયલ નહીં બોલે તો? સેનાપતિએ કહ્યું, “મહારાજ આપ ચિંતા ન કરો. હું જોર-શોરથી નગારા વગરાવડાવીશ અને કોયલ ડરીને બોલશે'. પછી રાજાએ રાજવૈદ્યને બોલાવ્યા અને પૂછ્યું કે વૈધરાજ વસંતપર્વમાં કોયલ નહીં બોલે તો? વૈધરાજે કહ્યું, “મહારાજ, ચિંતા ન કરો. હું એ સમયે એવો આયુર્વેદિક ધૂપ કરીશ એ ધૂપથી કોયલ બોલશે.” વળી રાજાએ રાજકવિને બોલાવ્યા અને પૂછ્યું કે કવિરાજ વસંતપર્વમાં કોયલ નહીં બોલે તો? કવિરાજે કહ્યું, “મહારાજ, હું કોયલના અવાજમાં જ એક સુંદર કવિતા ગાઈશ એના જવાબમાં કોયલ ગાશે''. રાજાને કોઈની પણ યુક્તિ ગમી નહીં. એવામાં એક ગાંડો માણસ નીકળ્યો. રાજાને થયું લાવને આને પૂછું એટલે એને કહ્યું કે વસંતપર્વમાં આપણા રાજ્યમાં કોયલ નહીં બોલે તો તું શું કરીશ? એ ગાંડા માણસે કહ્યું કે, “મહારાજ, હું રાહ જોઈશ!”
આ ગાંડો માણસ આપણા ખૂબ કામનો છે કારણ કે એણે રાજાની અને આપણા સૌની પાયાની ચિંતાનો ઉકેલ આપ્યો છે. જો આપણને પણ એમ લાગતું હોય કે સ્વની ખોજ નહીં થાય તો? તો રાહ જોવાની. કારણ કે અસ્તિત્વની વિરાટ યોજનામાં યોગ્ય સમયે કોયલ પણ બોલે અને સ્વ-ખોજ પણ થતી હોય છે.
સાર્થ જોડણીકોષમાં સ્વનો અર્થ આપ્યો છે “પોતાનું”, પરંતુ આપણા સૌનો અનુભવ શું કહે છે? શું ખરેખર આ “સ્વ” આપણો હોય છે? દિવસમાં કે વર્ષમાં કેટલી વખત આપણો “સ્વ'' આપણો હોય છે? અને જેને પણ “સ્વ” પોતાનો લાગતો હોય એને સ્વની ખોજ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ મારા સહિત જેમને પણ એમ લાગતું હોય કે મોટા ભાગે આપણો સ્વ રોજ કોઈને કોઈ નોકરી કરવા જાય છે : જેમકે વિચારોની, ભાવોની, કુટુંબની, સમાજની, ધર્મની, કે પછી સંસ્કૃતિની તો આપણે એની ખોજ કરવી રહી. આપણે આજના આ પ્રયોગમાં આપણી સામે કેટલાક પ્રશ્નો છે તેની વાત કરીશું.
૧. જે ખોવાય એની જ ખોજ કરવી પડે, તો શું “સ્વ” ખોવાયો છે?
૨. જો સ્વ ખોવાઈ ગયો છે તો આપણે બેદરકાર ન કહેવાઈએ કે આપણી સૌથી નજીકની વસ્તુ આપણે ખોઈ નાખી?
૩. આપણે જ્યારે એમ કહીએ છીએ કે “સ્વની ખોજ” કરવાની છે ત્યારે કોણે કરવાની છે? શું શોધ કરનાર સ્વથી અલગ છે?
૪. સ્વની ખોજ કરવી કેટલી અનિવાર્ય છે?
૫. સ્વ ખોજનો ઉદ્દેશ શો છે?
આ વાત કરવામાં સૌથી મોટું જોખમ મારા માટે એ છે કે કદાચ એવો ભ્રમ પેદા થાય કે મને મારો “સ્વ” મળી ગયો છે. શું એવું છે? ના. હું તો આપ સૌથી ઘણો પાછળ ચાલુ છું, પણ એક હાશકારો એ છે કે હું ચાલુ છું.
એક મહાન શિલ્પકારની મૂર્તિકળા જોઈને કોઈએ પૂછ્યું તમે આટલી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી શકો છો, તો મૂર્તિકારે કહ્યું કે “પ્રત્યેક પથ્થરની અંદર એક મૂર્તિ હોય જ છે; હું તો માત્ર વધારાનો પથ્થર દૂર કરું છું અને મૂર્તિ સ્વયં પ્રગટ થાય છે.”
તો ચાલો આપણે “સ્વ” નામની મૂર્તિના પ્રગટીકરણ માટે વધારાના પથ્થરને દૂર કરીએ. એટલે કે સ્વ-ખોજમાં બાધારૂપ તત્ત્વોને ઓળખીએ. ચાર “ભ”નું સૂત્ર બનાવીને આપણી વાતને આગળ ચલાવીએ :
૧. ભય : કોઈપણ પ્રકારની “ખોજમાં” ખોજીનું નિર્ભીક હોવું એ પૂર્વશરત છે. જે ચિત્ત ભયભીત છે એ માત્રને માત્ર જ્ઞાત વસ્તુઓને જ પામી શકશે. પરંતુ અસલી મજા તો અજ્ઞાત વસ્તુઓમાં છે જેમકે પ્રેમ, ભક્તિ, જ્ઞાન, વગેરે. ખાસ કરીને જ્યારે આપણી જાત સાથે રૂબરૂ થવાનું હોય છે ત્યારે કુટુંબ, સમાજ અને અનેક પરિબળો આપણને ડરાવતાં હોય છે. મારું અંગત એવું માનવું છે કે જ્યાં સુધી આપણી પાસે જે તે બાબતનું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી એ વસ્તુ આપણને ભયભીત કરે છે. એટલે જ તો મોટાભાગના લોકો સતત બહિર્મુખી જીવતા હોય છે કારણ કે પોતાની જાત સાથે એકલા રહેવાનો એમનો અભ્યાસ નથી. જાત સાથે નહીં તો ક્યાં? એનો જવાબ નથી. અધ્યાત્મ કે સ્વ ખોજનો જે માર્ગ આપણને નીડર ન બનાવે તો એ માર્ગ બરોબર નથી જ એમ માનવું.
૨. ભાષા : સ્વ-ખોજમાં “ભાષા” સાથે કામ લેવાની આપણી અયોગ્યતા બાધારૂપ તત્ત્વ છે. તમને ખરેખર એમ લાગે છે કે તમે જે અનુભવો છો એને એવું ને એવું વ્યક્ત કરો છે. મને એમ લાગે છે કે મૌન પ્રાકૃતિક છે અને ભાષા કૃત્રિમ છે. અને એટલે જ બોલનાર અને સાંભળનાર બંને કાયમ અસંતુષ્ટ અને અસ્પષ્ટ રહે છે. યુગોનું ડહાપણ આપણા તીર્થંકરોએ, બુદ્ધપુરુષોએ અને અનેક અવતારોએ બોલીને અને લખીને આપ્યું છે; છતાં આપણે કેમ એને શતપ્રતિશત અનુસરી શકતા નથી? કારણ કે જે સાધન થકી એ આપણા સુધી આવે છે એ “ભાષા”ને યોગ્ય રીતે પ્રયોજી શકતા નથી. આવું કેમ થાય છે? કારણ કે ભાષાની એક મર્યાદા એ છે કે એ નામને અર્થ સમજે છે. જ્યારે પણ કોઈપણ બાબતનું નામ પડે છે ત્યારે એ બાબતનો અનુભવ કે અર્થ સાંકડો બની જાય છે. ઉદાહરણ તરીકે, હું એક વખત એમ કહી દઉં કે આ ચીકુનું ઝાડ છે પછી અન્ય કશું પણ હોવાની સંભાવના પર મગજ ચોકડી મારે છે. એટલે જ રશિયાના મહાન લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા બોરીસ પાસ્તરનાક એવું કહેતા To name is to destroy and to suggest is to create. અર્થાત્ નામ પાડીએ એટલે જે તે બાબતનું સત્ત્વ ખતમ થઈ જાય, પણ જો માત્ર એનો ઈશારો કરવામાં આવે તો એ જ બાબત બહુઆયામી બનીને આપણે ભેટશે. એટલે સ્વ-ખોજ માટે નીકળેલ પ્રત્યેક યાત્રીએ ભાષા સાથે બરાબર કામ લેવું પડશે નહીંતર સ્વ-ખોજ એ વાસ્તવમાં સ્વ-બોજ બની જશે.
આ અર્થમાં ચાલો મને એક ભૂલ સુધારવા દો. મેં શરૂઆતમાં સાર્થ જોડણીકોષની સંદર્ભ આપીને કહ્યું કે સ્વનો અર્થ કહ્યો “પોતાનું”. એટલે કે મેં “સ્વ”નું એક નામ પાડ્યું. ખરેખર તો સ્વ એટલે તો ઘણું બધું. સ્વની ખોજ એ તો ખરેખર આંતરસંબંધોની ખોજ છે. હું અને તમે, હું અને સમાજ, હું અને પ્રકૃતિ, હું અને આ સમષ્ટિ કેવી રીતે જોડાયેલા છીએ એને આપણે સ્વની ખોજ કહીશું. હવે “સ્વ” એટલે સઘળું એમ માનીએ અને એ મારું પોતીકું છે એમ સમજીએ. એટલે હું કોઈ ઝાડ કાપું છું કે અન્ય હિંસા કરું છું ત્યારે હું ખરેખર મારા સ્વને જ હણું છું. હવે આપણે એક વાત ઉપર સ્થિર થયા છીએ કે “સ્વ” એટલે આપણી ચામડી અને ચેતનાનો વિસ્તાર એટલો વધે કે એક પણ જડ કે ચેતન વસ્તુ કે જીવ એમાંથી બાકાત ન રહે. આપણે સ્વનો જે મર્યાદિત અર્થ હતો એને પહોળો કર્યો. તમારામાંથી ઘણા લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે હું અત્યારે અનેકાંતવાદની વાત કરી રહ્યો છું.
૩. ભેદ : ગંગાસતી પાનબાઈ સમજાવતાં કહે છે કે “અભ્યાસ જાગ્યા પછી ન રહેવું ભેદવાદીની સાથે રે.” જે હળવો ન થઈ શકે તે મુસાફરી ન કરી શકે; પછી એ વાદળ હોય કે માણસ. તમામ ગ્રહો છૂટે તો સ્વ મળેઃ આગ્રહ, વિગ્રહ, પૂર્વગ્રહ. આપણી અંદર ભેદ પેદા કરે છે, એને છોડવા પડે એટલે જ ગંગાસતી કહે છે, “આંટી મેલો તો સમજાય જી...” આ ભેદનો ભાર આપણને યાત્રામાં ખૂબ જ નડે છે.
મેલો, દલપત, ડા'પણ મેલો!
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!
ભણ્યાગણ્યા બહુ દરિયા ડો'ળ્યા
ગિનાન ગાંજો પીધો,
છૂટ્યો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતરા ક્યાં અઘરી છે, જીવણ? થકવી નાખે થેલો.
ઘણા સત્ત્વશીલ લોકોને પણ રજસ અને તમસ વૃત્તિ ધરાવતા લોકો પ્રત્યે તિરસ્કાર હોય છે અને એમને સત્ત્વગુણનો અહંકાર છે. આ પણ એક પ્રકારનો ભેદ જ છે.
૪. ભ્રાંતિ : આપણને જો એમ હોય કે કોઈ ગુરુજી મને તારી દેશે તો એ એક ભ્રાંતિ જ છે. આપણે ત્યાં એક કહેવત છે કે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય' તમને હિમાલયમાં મહાત્માજી મળ્યા? આવા પ્રશ્નોના જવાબમાં કાકાસાહેબ કહેતા કે, “હું સાધુઓની શોધમાં ગયો જ ન હતો. મારી સાધના મારે જ કરવી હતી. પારકું અન્ન ખાઈને કોઈને આશ્રિત રહેવું એ જેમ શરમ ભરેલું છે, તેમજ કોઈ પણ સાધુની તપશ્ચર્યામાંથી ભીખેલો ટુકડો આપણને મળી જાય અને તેના ઉપર આપણે સુખી થઈએ એવી ઇચ્છા પણ આધ્યાત્મિક કંગાલિયત સૂચવે છે. વગર મહેનતે મોક્ષ મળે તો એ મોક્ષની કિંમત શી? અને તે વળગાડને મોક્ષ પણ કેમ કહેવાય?” સ્વની ખોજમાં પણ ઉધારી ન ચાલે. એટલે જ તો ઉમાશંકર જોશીએ લખ્યું કે, “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી” આમાં ભાવ એવો છે કે ઘણીવાર ભોમિયા જ ભટકાવી દે! એટલે સાચા ગુરુની શોધ એ બહુ મોટી સાધના છે.
આ સ્વ-ખોજની પ્રક્રિયા યોગ્ય થાય છે કે કેમ એ ખબર કેમ પડે? તો મારી માર્યાદિત સમજણ પ્રમાણે આ સ્વ-ખોજમાં જો મોજ આવવા લાગે તો સમજવું કે આપણી દિશા બરોબર છે. એક વખત દિશા બરોબર હોય પછી ગતિની બહુ ચિંતા કરવી નહીં; કારણ કે વહેલાં મોડાં આપણે પહોંચી જઈશું.
સ્વ-ખોજનાં ત્રણ સોપાન
૧. આત્માનુભવ : માણસને પોતાને એમ લાગવું જોઈએ કે મારી પાસે જે કંઈ છે એ હોવા છતાં મને મોજ કેમ નથી આવતી. મારે મારી ખરી જાત સાથે સંવાદ કરવો પડશે. આ સ્વીકારભાવ જાગશે પછી જ એ સ્વ-ખોજમાં નીકળશે. આ સમજાયને એનો જ આનંદ આપણને રોમાંચિત કરી દે છે. ફ્રાન્સીસ બેકન કહેતા કે The best is the joy of understanding!
૨. આત્મવિકાસ : કોઈપણ પ્રકારના પ્રવાસમાં નીકળેલ યાત્રી બદલાયા વગર રહે જ નહીં અને આ બદલાવ હંમેશાં ઊર્ધ્વગામી રહેવાનો. સ્વ-વિકાસની આપણી ખોજ યાત્રા બની છે કે કેમ એ જાણવાની એ કસોટી એવી છે કે જે તમારી અંદર ચેતનવંતો સળવળાટ ઊભો ન કરે, તમને અંતર્મુખી ન બનાવે, તમને તોડી-મરોડીને પરિશુદ્ધ ન કરે તો એ યાત્રા નથી. આ આત્મવિકાસ પણ યાત્રીને પ્રફુલ્લિત કરે છે. જેમ કોશેટોનો વિકાસ થાય અને પતંગિયું બનીને ઊડે છે ત્યારે કેટલું આનંદિત હોય છે; એનું કારણ એનો વિકાસ છે. સ્વની-ખોજ આપણને પણ પતંગિયાં જેવી હળવાશ અને સૌંદર્યનો અનુભવ કરાવે છે.
૩. આત્મઐક્ય : આ સોપાન જ્યારે ખીલે છે ત્યારે આપણે જગતમાં એકરૂપતા જોવા લાગીએ છીએ. ચોતરફ અસ્તિત્વનો ઉત્સવ અનુભવાય છે અને તમામ પ્રકારના ભેદ ઓગળે છે. સ્વની ખોજ જીવનની બહાર ન થઈ શકે. L P Jacks એમની સુંદર રચનામાં કહે છે કે,
જીવન કલાના સાધકને મન ભેદ ન મળે, હો કે;
ખોજ શું ને મોજ શું!
મહેનત શું ને મસ્તી શું,
મન શું ને માળવું શું,
અભ્યાસ શું ને આનંદ શું!
એને આ બધું છૂટું પાડતાં ન આવડે. ના.
એ તો જે કરે તેમાં જીવ રેડે!
સૂતો છે કે સમાધિમાં છે; રાફડો છે કે ઋષિ: એ નક્કી કરવાનું કામ અન્ય પર છોડીને –
એ તો અભિન્ન-એકરૂપ-અદ્વૈત નાચે!
ઉપરોક્ત રચનામાં કવિએ સમ્યક દર્શનની છણાવટ કેટલા સરળ શબ્દોમાં કરી આપી છે. અરે, ચાતુર્માસનો આખોય ખ્યાલ આ આત્મઐક્યમાંથી તો આવે છે.
કાકાસાહેબ કાલેલકરે 'હિમાલયનો પ્રવાસ' પુસ્તકમાં એક સુંદર અનુભવ લખ્યો છે. કાકાસાહેબ, સ્વામી આનંદ અને એમના મિત્ર બુવા એમ ત્રણ જણા બદ્રીનાથના રસ્તે એ અપરિગ્રહી સાધુને મળવા ગયા એમનું નામ હતું સોમબારગિરિબાવા. થોડી ચર્ચાઓ કરીને જવા માટે ઊભા થયા ત્યાં એક નોળિયો નીકળ્યો. સોમબારગિરિબાવા સહજ બોલી ઊઠ્યા, “આ ભાગવત દર્શન છે”. છેલ્લે પ્રેમથી એમણે ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, “બધે પરમાત્મા છે.” જીવ અને શિવ વચ્ચેનો ભેદ દેખાતો બંધ થાય, સમયક-દર્શન જાગે ત્યારે “જિન” બનાતું હોય છે.
આત્મઐક્ય માટે ખલીલ જિબ્રાન શું કહી ગયા જુઓ :
કહેવાય છે કે દરિયામાં પ્રવેશતાં પહેલાં
નદી ભયથી કાંપતી હોય છે.
પહાડોનાં શિખરો પરથી ઊતરીને,
જંગલો અને કબીલાઓ પાર કરીને,
લાંબા વળાંકવાળા જે રસ્તે યાત્રા કરીને આવી છે,
એને એ વળીવળીને જોયા કરે છે.
સામે અફાટ સમુદ્ર દેખાય છે,
એને લાગે છે કે આમાં પગ મૂકતાં જ
કાયમને માટે ઓગળીને અદૃશ્ય થઈ જવાનું છે.
પણ હવે બીજો કોઈ રસ્તો નથી.
નદી પાછી વળી શકે નહીં,
કોઈ પાછું વળી શકે નહીં.
અસ્તિત્વમાં પાછું વળવું અશક્ય છે.
નદીએ મહાસાગરમાં પ્રવેશવાનું જોખમ ખેડવાનું જ છે,
કારણ કે તો જ ડર દૂર થશે -
કારણ કે તો જ એને ખબર પડશે કે
વાત દરિયામાં ઓગળવાની નથી
પણ સ્વયં દરિયો બનવાની છે.
આ નદી એ બીજું કશું જ નહીં પણ આપણી સ્વ-ખોજનું પ્રતીક છે. એટલે એવું બને કે “સ્વ-ખોજ" માટે નીકળેલા આપણે સૌ સ્વમાંથી જ કાયમને માટે નીકળી જઈએ. મને એમ લાગે છે જે ક્ષણે “સ્વ” અવસ્થામાંથી નીકળીને વિરાટમાં ઓગળી જઈએ - દરિયા બની જઈએ એ ક્ષણ જ દીક્ષાની ક્ષણ છે!
સ્વ-ખોજ પૂર્ણ ક્યારે થાય?
સ્વ-ખોજ થઈ જાય પછી પણ જો જીવનસાધક બીજાને સ્વ-પીડામાંથી મુક્ત ન કરાવે તો શું એ “સ્વ-ખોજ” પૂર્ણ કહેવાય? આ જ અર્થમાં વિમલા ઠાકર કહે છે કે “અહંકારથી ખરડાયેલી ચેતનાને મુક્ત કરવી એ છે અધ્યાત્મ. વળી, શોષણ અને અન્યાયની બેડીઓમાંથી સમાજને મુક્ત કરવાનો છે. જીવનસાધકોએ ચેતનાપરિવર્તન અને સમાજપરિવર્તન સાથે સાધવાનું છે.” આધ્યાત્મિક યાત્રામાં જ્યાં સુધી સામાજિક નિસ્બત ભળતી નથી ત્યાં સુધી સ્વની ખોજ સ્વ-મોજમાં પરિણમતી નથી! કારણ કે એકલા મુક્ત થવામાં જો આનંદ આવતો હોય તો સામૂહિક મુક્તિનો આનંદ કેવો અનહદ હશે એ આપણે કલ્પવું રહ્યું!
પાંચ પ્રશ્નોના જવાબ :
૧. જે ખોવાય એની જ ખોજ કરવી પડે, તો શું સ્વ ખોવાયો છે?
હા, સ્વ ખોવાયો છે એ આપણી જાગૃતિમાંથી સરી પડ્યો છે. જાગૃતિ આવે એટલે સ્વ પાછો આવે.
૨. જો સ્વ ખોવાઈ ગયો છે તે આપણે બેદરકાર ન કહેવાઈએ કે આપણી સૌથી નજીકની વસ્તુ આપણે ખોઈ નાખી?
આપણે બેદરકાર એ અર્થમાં છીએ કે આપણી અગ્રિમતામાં “સ્વ” પાછળ રહી ગયો છે.
૩. આપણે જ્યારે એમ કહીએ છીએ કે “સ્વની ખોજ” કરવાની છે ત્યારે કોણે કરવાની છે? શું શોધ કરનાર એ “સ્વ''થી અલગ છે?
સ્વની ખોજ કરનાર આત્મા છે અને સ્વ જીવાત્મા છે. બંને અલગ છે. આત્માભિમુખ થઈને સ્વની ખોજ કરવાની છે.
૪. “સ્વ”ની ખોજ કરવી કેટલી અનિવાર્ય છે?
સ્વની ખોજ કરવી ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે “સ્વ” સાધન છે અને આત્મઐક્ય સાધ્ય.
૫. સ્વ ખોજનો ઉદ્દેશ શો છે?
સ્વ ખોજનો ઉદ્દેશ છે અહંકારથી એટલે કે “સ્વ”થી જ ખરડાયેલી ચેતનાને મુક્ત કરીને પરમ આનંદની અનુભૂતિ કરવી. મોજ કરવી.
એક પ્રયોગ કરીએ : It is by elimination that one attains self-realization.
ડૉ. વિશાલ ભાદાણી
(પ્રબુદ્ધ જીવન)

