'મનુષ્યજીવનમાં મેં બે ચરમ શિખરો ગણ્યાં છે. પડતાં આખડતાં એ દિશામાં ચડ્યો છું. એક છે નિર્વ્યાજ પ્રેમ, જે મેં ઘણા વિદ્યાર્થીઓ કે મિત્રોને આપ્યો છે. માનવયાત્રાનું બીજું શિખર મેં માન્યું છે, નિરભ્ર બુદ્ધિની ઉપાસના - નિરભ્ર બુદ્ધિ, જે સમતોલ રહી જેટલું ખરાબ હોય તેટલું જ કહે છે, તલભાર વધારે નહીં; અને તે છતાં સારું હોય તેને સારું કહી આદરમાન રાખે છે.’
આ શબ્દો છે મૂર્ધન્ય સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ના.
મનુભાઈ પંચોળી 'દર્શક' એટલે ગુજરાતી સાહિત્યનું ઉજ્જવળ નામ. નવલકથા, નાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર 'દર્શક'ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે. નવલકથાકાર, નાટ્યકાર, ઈતિહાસકાર, કેળવણીકાર અને ગાંધીવાદી સમાજ સેવક તરીકે દર્શકનું સર્જન દરેક પેઢી માટે અમૂલ્ય ભેટ છે. મનુભાઈ પંચોળી 'દર્શક'ની કુલ નવ નવલકથાઓ છે : કબ્રસ્તાન' એટલે કે 'બંદીઘર', 'કલ્યાણયાત્રા', 'બંધન અને મુક્તિ', 'પ્રેમ અને પૂજા', 'ઝેર તો પીધાં છે જાણી જાણી', 'દીપનિર્વાણ’, ‘સોક્રેટિસ' અને 'કુરુક્ષેત્ર' - આ ૮ સંપૂર્ણ નવલકથાઓ ઉપરાંત નવમી 'મુક્તિમંગલ' જે અધૂરી રહી.
ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર (૧૯૮૭) 'દર્શક'ને જેને માટે મળ્યો એ 'ઝેર તો પીધાં છે જાણી જાણી' ગુજરાતને વિશ્વના નકશામાં મૂકનારી નવલકથા છે. જેમણે એ વાંચી છે તે સૌ રોહિણી-સત્યકામને ન ભૂલી શકે તેમ તેમાંનાં યુદ્ધવર્ણનોને પણ ન ભૂલી શકે. સત્યકામ યુરોપમાં છે ત્યારે બે વિશ્વયુદ્ધ વચ્ચેનો સમય છે. વાર્તા પૂરી થાય છે ત્યાં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયેલું જણાય છે. સત્તાલોભ, સંકુચિત રાષ્ટ્રવાદ અને અહંકારને ધરવ જ ન હોય એમ પહેલા વિશ્વયુદ્ધની ભયાનકતા અનુભવ્યાં પછી માત્ર બે દાયકામાં જગત બીજા વિશ્વયુદ્ધમાં હોમાય છે. માનવચેતનાને ફરી આઘાત પહોંચે છે. આ વિટંબણાનો અંત ક્યાં એ મહાપ્રશ્નનો ઉકેલ શોધવાની મથામણ અને આપણે સજાગ રહીને યુદ્ધો ટાળવાનાં છે એ સંદેશ પણ આ મહાનવલમાં વણાયા છે. પ્રસ્તાવનામાં દર્શક લખે છે, ‘હથિયારોને ગાળીને ઓજાર ન બનાવીએ ત્યાં સુધી આ કરવા માટે પણ યુદ્ધની વિભીષિકા જાણવી, જોવી પડશે. છેક તળિયા સુધી જઈને મૂળને ઉચ્છેદવા પડશે ને ઉચ્છેદતાં ખપી જવું પડશે.'
એમની મોટાભાગની નવલકથાઓમાં યુદ્ધ છે. શાંતિ માટે મથનાર લેખકના પુસ્તકોમાં યુદ્ધ શા માટે એવો પ્રશ્ન એમના ચાહકોને થાય તે સહજ છે. સાહિત્ય-સર્જનને મૂલવનારાઓ કહે છે કે 'દર્શક'ની નવલકથાઓમાં યુદ્ધનું નિરુપણ માત્ર ભૌતિક સંઘર્ષ તરીકે નહીં, પરંતુ નૈતિક અને આંતરિક સંઘર્ષ તરીકે જોવા મળે છે. તેમના પુસ્તકોમાં યુદ્ધ એક પૃષ્ઠભૂમિ તરીકે કામ કરે છે. માનવીય મૂલ્યો, ચારિત્ર્ય અને ધર્મની કસોટી કરનાર વિભીષિકા રૂપે દેખા દે છે. તેમના લેખનમાં યુદ્ધનો ઉદ્દેશ્ય હિંસાનું મહિમામંડન કરવાનો નથી, પરંતુ સંકટ સમયે માણસના શ્રેષ્ઠ ગુણો અને સાચા ધર્મની પસંદગી કેવી રીતે કરવી તે દર્શાવવાનો હોય છે. ટૂંકમાં, 'દર્શક'ના સાહિત્યમાં યુદ્ધ એ માનવજીવનના સંઘર્ષો અને નૈતિક દ્વંદ્વને સમજવાનો એક માર્ગ છે.
'દર્શક'ની નવલકથાઓમાં યુદ્ધનું આલેખન અને એના ઉદ્દેશ વિષેનો એક અધિકારપૂર્વકનો, સમજપૂર્વકનો અને સર્જકતત્ત્વ-માનવીયતત્ત્વને ન્યાય આપતો ઉત્તર આદરણીય મનસુખભાઈ સલ્લાએ એક સુંદર પત્ર રૂપે, કહો કે એક પ્રશ્નના જવાબરૂપે લખ્યો છે તે વાંચી જવા જેવો છે. ૨૦૨૪ના સચિદાનંદ સન્માન માટે એમની વરણી થઈ અને એમણે આ પત્ર લખ્યો એ બે ઘટનાઓ યોગાનુયોગે સાથે સાથે બની છે. પત્ર લખવાનું નિમિત્ત રામચંદ્રભાઈ પંચોળીએ મનસુખભાઈને પૂછેલો એક સવાલ હતો, જે કદાચ 'દર્શકના તમામ ચાહકોનો હોઈ શકે, ‘દર્શકનાં મોટા ભાગનાં પુસ્તકોમાં યુદ્ધ છે. શું એ જીવનનો અનિવાર્ય આઘાતજનક ભાગ છે તેથી તેનાથી ટેવાવું રહ્યું? તેની વચ્ચે માનવતા ઉગાડવાની, જીવાડવાની છે તેમ તો લાગે છે પણ તે સિવાય બીજા કોઈ સંદેશાઓ છે? આ પ્રશ્નમાં પ્રશ્નકર્તાનું વ્યક્તિત્વ પણ પ્રમાણવા જેવું છે. પોતે સર્જકના પુત્ર, વાચક-વિચારક અને 'દર્શક' સાહિત્યના અભ્યાસી છતાં ‘મારા પિતાએ લખ્યું હોય તેની મને વધારે ખબર હોય' એવું ગુમાન તો રામચંદ્રભાઈમાં ન જ દેખાય, પણ 'દર્શક’ને જાણનાર-સમજનાર તરીકે મનસુખભાઈમાં એમણે મૂકેલી શ્રદ્ધા આપણને જરૂર સ્પર્શે. સામે મનસુખભાઈ. ‘દર્શક’ના દીકરા પણ મને પૂછે એવો ગર્વ લેશમાત્ર નહીં, પણ ‘હું જે સમજ્યો છું તે લખી જણાવું છું.' એવી નમ્રતા. આવી ગરિમા, આ યુગમાં? જરૂર લોકભારતીના સંસ્કાર બોલે છે બંને પક્ષે.
તો મનસુખભાઈને સાદર અભિનંદન અને વંદન પાઠવતાં એમનો એ પત્ર અહીં ઉતારું છું :
પ્રિય રામચંદ્રભાઈ,
તમે મને 'દર્શક'ની નવલકથાઓ અને નાટકોમાં યુદ્ધના આલેખન પાછળના 'દર્શક'ના ઉદ્દેશ અંગે પૂછાવ્યું હતું... હું જે સમજ્યો છું તે લખી જણાવું છું.
યુદ્ધની કથા હોય કે કથામાં યુદ્ધ હોય તો કથારસ રમ્ય, ગમતીલો અને આકર્ષક બને છે એ પ્રાચીનકાળથી સ્વીકારાયેલું છે. પણ એટલો મર્યાદિત હેતુ 'દર્શક'નો નહોતો જ.
તેમણે કહ્યું છે કે ચાર આર્યસત્યો (કરુણા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા)ની જેમ જ યુદ્ધ પાંચમું સત્ય છે. યુદ્ધની પ્રેરણા સ્વાર્થ કે અહંકાર હોય છે અને પરિણામ આંસુ અને સ્વજન-વિયોગ હોય છે. આજનાં યુદ્ધોમાં પણ એ પારખી શકાશે.
‘દર્શક' યુદ્ધને પાંચમા આર્યસત્ય તરીકે ઓળખાવે છે અને પોતાની કૃતિઓમાં એનું અનેક રીતે આલેખન કરે છે. તેની પાછળની સમજ એ લાગે છે કે યુદ્ધ મનુષ્યની અધૂરપો અને વિકૃત એષણાઓને કારણે સર્જાય છે. પરંતુ માત્ર શુભાશયથી યુદ્ધ નાબૂદ નહીં થાય. એ માટે યુદ્ધને સમજવું જરૂરી છે. યુદ્ધને સમજવું એટલે એનાં મૂળિયાંને સમજવાં. અને સર્જક કલાકાર યુદ્ધનાં પરિણામોને રસિક રીતે આલેખે છે. શું ન હોવું જોઈએ કે શું ન કરવું જોઈએ એનું ભાન સર્જક એની કથાસૃષ્ટિ અને પાત્રસૃષ્ટિ દ્વારા પ્રત્યક્ષ કરાવે છે. માટે દર્શકે એમની લગભગ તમામ કૃતિઓમાં યુદ્ધનું આલેખન કર્યું છે.
પરંતુ તેમના યુદ્ધના આલેખનમાં કેવળ વૈર, વિષાદ અને વિનાશનું બયાન નથી. સાથે જ તેઓ મનુષ્યના ઉત્તમોત્તમ ગુણો કે તત્ત્વો કે જીવનમૂલ્યો પણ યુદ્ધમાં પ્રગટ થતાં હોય છે તે દર્શાવે છે. અલબત્ત 'દર્શક' માને છે (એમ સમજાય છે) કે સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે. તો ઉત્તમ સર્જક બંને પ્રગટાવે. માટે 'દર્શક'ની કૃતિઓમાં યુદ્ધનું આલેખન હોય છે.
‘દર્શક’નું શિક્ષકત્વ પ્રત્યક્ષપણે કે મોટેભાગે પરોક્ષપણે પણ તેમની કૃતિઓમાં સક્રિય રહ્યું જ છે. એટલે યુદ્ધના તમામ વિકલ્પો તેમણે શોધ્યા છે, વર્ણવ્યા છે.
તેમાં બાળકેળવણીને તેમણે ખાસ્સું મહત્ત્વ આપ્યું છે. ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી' લેખ એનું દૃષ્ટાંત છે. આંબલા-લોકભારતીની કેળવણી પાછળ અહિંસક સમાજની સ્થાપના માટેની કેળવણીનો ખ્યાલ છે. એને મૂર્ત કરવા એમણે લગભગ ૬૦ વર્ષ ખર્ચ્યા છે. પણ એ વૈચારિક અને પ્રત્યક્ષ વ્યવહાર ગણાય.
કૃતિ રૂપે આલેખનની શિસ્ત અને તેનું સ્વરૂપ અલગ હોય છે. દર્શકે ક્યાંક કહ્યું છે કે, 'સાહિત્યસર્જન સૌંદર્યના માર્ગે સત્ય સુધી પહોંચાડે છે. હેતુ હોય છે જીવનનું સત્ય રસિક રીતે પ્રગટાવવું.' 'બંદીઘર' અને 'પ્રેમ અને પૂજા' પ્રારંભિક નવલકથાઓ છે. તેમ પણ દર્શક અવૈર, જાતે સહન કરવું વગેરે મૂલ્યો ઉપસાવ્યાં છે. ‘બંધન અને મુક્તિમાં ડેનિયલ જેવો અંગ્રેજ જનરલ દેવકી-સુભગાને બચાવે કે શેખર ડેનિયલને કેદમાંથી મુક્ત કરાવે, પરિણામે મૃત્યુદંડ પામે છે. યુદ્ધથી મોટી માનવતા છે એ 'મુક્તિ'ની વિભાવના છે.
‘દીપનિર્વાણ'માં અહંકારી મગધ સામ્રાજ્ય સામે ખોબા જેવડાં ગણરાજ્યો જે રીતે સામનો કરે છે, ગુલામી સ્વીકારતાં નથી એ કૃતિવ્યાપી મૂલ્ય છે. એટલે દિપ-નિર્વાણ પામે છે, નવજન્મ પામે છે. ‘ઝેર તો પીધાં' તો બીજા વિશ્વયુદ્ધના દાવાનળ વચ્ચે પાત્રોને મૂકે છે. સત્યકામ, અચ્યુત, મર્સી, ક્રિશ્ચાઈન, બોઝ દંપતી, શાંતમતિ, રેથન્યુનાં માતા, ગોપાળબાપા દ્વારા ધૈર્ય, ક્ષમા, આત્મભોગ, નબળાની પડખે ઊભા રહેવું, પ્રકૃતિ સાથે સંવાદી જીવન અને સ્થૂળ જીવનથી ઉપર ઊઠવાનાં મૂલ્યો ઉપસે છે.
નવલકથાકાર ન્યાયાધીશ નથી, કલાકાર છે. એ એવી સૃષ્ટિ સર્જે કે વાચક એમાંથી સાચા જીવનનો નકશો પામે, સત્યાયભિમુખ થાય કે સત્યના રસ્તે ડગ માંડે. હૃદયાનુભૂતિ દ્વારા સર્જક અસર કરતો હોય છે. ‘દર્શક'માં નવલકથા કે નાટકના સ્વરૂપનાં કેટલાક પ્રશ્ન કરી શકાય. પણ એ અલગ તપાસ છે. પોતાની કથા-સૃષ્ટિદ્વારા યુદ્ધને શા માટે 'દર્શક' આલેખે છે એ તપાસીએ તો કહી શકાય કે ગુજરાતી નવલકથામાં 'દર્શક' જેટલી સફળ રીતે યુદ્ધને બીજા સર્જકો પ્રગટાવી નથી શક્યા.
‘સોક્રેટિસ' નવલકથામાં યુદ્ધો જ યુદ્ધો છે અને લોકશાહી રચના જેવી સંસદ (ડિમોસ)ની રચના છે. પણ સોક્રેટિસ, પેરિક્લીસ અને એપોલોડોરસ જેવા અગ્રણીઓ પછી પણ એથેન્સની લોકશાહી ટકતી નથી. સોક્રેટિસે વિષપાન કરવું પડે છે. વાત ૨૩૦૦ વર્ષ પહેલાંની છે પણ પ્રશ્નો અને પરિણામો તેને વર્તમાન જગત સાથે સાંકળી દે છે. અમુક બાહ્ય રચના કરવી પૂરતી નથી; ઉપાય મનુષ્યનાં વૃત્તિ, વલણો, વિચારો અને ટેવો પર કામ કરવું તે છે. જે ગાંધીજીએ કર્યું. પણ ફરી ભારત એ ભૂલી રહ્યું છે.
'કુરુક્ષેત્ર' નવલકથામાં પણ યુદ્ધ છે-મહાભારતનું. પણ તેમાં કેટકેટલા વિકલ્પો અને ઉપાયો સૂચવાયા છે? એટલે કે પૃથ્વી પર સ્વર્ગ ઉતારવું હોય તો સતત સાવધતા અને આત્મભોગ અને અહિંસા અનિવાર્ય છે. વળી આ તમામ કૃતિઓમાં પ્રેમને દર્શકે જે રીતે દર્શાવ્યો છે એ ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે અનોખો છે. પ્રેમનું વ્યાપક સ્વરૂપ જ યુદ્ધનો અવેજ છે. એને માટે જાતિ-વર્ણ-લિંગ-ધર્મ-રાષ્ટ્રીયતાથી ઉપર ઊઠવું જરૂરી છે એ સૌથી વધુ વ્યાપક સંદર્ભમાં ‘ઝેર તો પીધાં'માં પ્રગટ થયું છે.
'પરિત્રાણ’ મહાભારત આસપાસ ગૂંથાયેલું છે. તેમાં મુખ્ય સંઘર્ષ બળ અને ધર્મ(સત્ય) વચ્ચે છે. શકુનિ અને શ્રીકૃષ્ણ દ્વારા એ સંઘર્ષ ઉપસ્યો છે. ‘દર્શક’નું અર્થઘટન પણ આપણને સ્પર્શી જાય તેવું છે. ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન' ત્રણે નાટકોમાં ક્રૂરતા, આપખુદ બળો અને અહંકારની સામે અણનમ મનુષ્ય, જવાબદારીનો સ્વીકાર અને વૈરથી ઉપર માણસાઈ એ મૂલ્યો ઉપસી આવે છે.
ગુજરાતી સાહિત્યમાં દર્શકને ગાંધીવાદી કે ભાવનાવાદી લેખક ગણીને અમુક અંશે તેમની ઉપેક્ષા પણ થઈ છે. પણ ‘દર્શક' અનેક દૃષ્ટિએ મોટા લેખક છે. તત્ત્વપ્રધાન કે વિચારાધારિત નવલકથામાં ગોવર્ધનરામ ત્રિપાઠી પછી જે નામ સૌથી પહેલું યાદ આવે તે ‘દર્શક’નું છે. એમનું ગદ્ય, પાત્રાલેખન, માનસિક કે વૈચારિક સંઘર્ષ દ્વારા કથાવિકાસ એ બધી દૃષ્ટિએ 'દર્શક' આગવા છે. સૌથી વધુ તો બૃહદ બનવું એ જ યુદ્ધનો ઉપાય છે એ દર્શકે લલિત કૃતિઓ, વિચારપ્રધાન નિબંધો અને પ્રત્યક્ષ કેળવણી દ્વારા મૂર્ત કર્યું છે.
મને ખબર નહોતી કે જવાબ આટલો લાંબો થશે, પણ પાંચ-સાત લીટીમાં સમજાવી શકાય એમ નહોતું, એટલે વિગતે લખ્યું છે. જે લોકો 'દર્શક'ને સમજવા ઈચ્છતા હશે તેમને આ વાંચવાનું જરૂર ગમશે.
તમારો
મનસુખ સલ્લા
- સોનલ પરીખ
(કોડિયું)

