સંપાદકીય - શાશ્વત મૂલ્યોના આગ્રહી ગાંધી

વિશ્વમાં વિવિધ શાસન પદ્ધતિઓ છે તેમાં લોકશાહી વ્યાપકપણે સ્વીકૃતિ પામતી રહી છે. જે દેશોમાં લોકશાહી નથી ત્યાં તે મેળવવા માટે આંદોલનો થાય છે. જ્યાં લોકશાહી છે, તેવા દેશોમાં પણ નાગરિકો પોતાના અધિકારની જાળવણી અર્થે આંદોલનો કરે છે. પ્રજાને સુખ, સગવડ, શાંતિ અને સલામતી જોઈએ છે. એના અભાવમાં એને આઝાદી અધૂરી લાગે છે.

જ્યાં કોઈ જગ્યાએ આંદોલન થાય છે ત્યાં ગાંધીનું નામ કોઈ ને કોઈ રીતે આવ્યા વિના રહેતું નથી. ‘ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન' એવો પ્રયોગ સાંભળવા મળે છે. ગાંધી ચીંધ્યો માર્ગ એટલે સત્ય-અહિંસાનો માર્ગ, લોકો આંદોલન કરશે પણ તે હિંસક મારામારીમાં કે જાહેર નુકસાનમાં નહીં પરિણમે એ વાત ગાંધી ચીંધ્યા માર્ગમાં અત્યંત સ્પષ્ટપણે જોડાયેલી છે.

આવેદન આપવું, રેલી કાઢવી, ધરણાં કરવા, હડતાળ પાડવી અને છેલ્લે ઉપવાસ પ્રયોગ કરવો એ તબક્કા આ અહિંસક માર્ગના છે. કોઈપણ સમયમાં પ્રજા પૂરો સંતોષ ન અનુભવે અને અસંતોષ ભભૂકતો રહે એમ બનતું જ આવ્યું છે. એ અસંતોષ યોગ્ય રીતે અને એની મર્યાદામાં વ્યક્ત થાય તે જરૂરી પણ છે. સંવેદનશીલતા સામા પક્ષે ન વરતાય ત્યારે સ્થિતિ પેચીદી બનતી હોય છે. જ્યાં કોઈ જગ્યાએ જવાબદાર શાસનતંત્ર છે ત્યાં સ્થિતિ કાબૂ બહાર જતી નથી. પ્રજાપક્ષને સાંભળવામાં આવે, એની રજૂઆત ધ્યાને લેવામાં આવે, એનો શક્ય હોય તે ઉકેલ લાવવામાં આવે, એ જરૂરી હોય છે. ચર્ચા, વાટાઘાટ અને સંવાદ દ્વારા જો ઉકેલ હાથ ધરાય તો લોકશાહી પ્રક્રિયાનું વર્તુળ પૂરું થાય.

સરકારો ઘણી બધી વખત પોતાની સત્તા પર મુસ્તાક હોય છે. સામે આવેલા પ્રશ્નને નજરઅંદાજ કરવાની એને ટેવ હોય છે. આવું થાય છે ત્યારે સ્થિતિ વણસે છે અને અપેક્ષાથી વિપરિત સ્થિતિનો જન્મ થાય છે, જેમ ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે તેમ સંવાદ પ્રક્રિયા પણ લોકશાહીમાં અત્યંત મહત્ત્વની બાબત છે. પ્રજા ધીરજ ગુમાવે તે પહેલાં એની સમસ્યાના ઉકેલ હાથ ધરાવા જોઈએ. 

જે વાત ઘણી બધી વખત ભૂલાઈ જાય છે તે એ છે કે લોકશાહીમાં સત્તાનું પરિવર્તન થતું જ રહેવું જોઈએ. લોકશાહી સર્વને સમાન તક પૂરી પાડતી પદ્ધતિ છે. કોઈ પક્ષ કાયમી રીતે અથવા લાંબો સમય સત્તા પર રહે ત્યાં સવાલો પેદા થવા શરૂ થાય છે. પરિવર્તન સ્વાભાવિક છે એ જ્યારે અસ્વાભાવિક બને છે ત્યારે અસંતોષનું વાતાવરણ પેદા થાય છે. 

પ્રત્યેક લોકેશાહી દેશમાં તેથી જ સરકાર અને સંસદ માટે કે અન્ય સત્તાસ્થાન માટે સમય મર્યાદા નકકી કરવામાં આવી હોય છે, એ જ્યારે અતિશય લંબાય છે ત્યારે લોકોમાં પદ્ધતિ વિશે અવિશ્વાસ પેદા થયા વિના રહેતો નથી. એમાંથી જ નિતનવા પ્રશ્નો પેદા થયા કરે છે.

સમાજનું હિત લોકાશાહી પ્રક્રિયા ચાલુ રહે તેમાં છે. માત્ર વિકાસનો નહિ, આઝાદીનો પણ અનુભવ પ્રજાને થતો રહે તે જરૂરી હોય છે. સમાજનો એક વર્ગ અતિશય આઝાદી ભોગવે અને બીજા વર્ગોને આઝાદીનો અનુભવ ન થાય ત્યારે સમસ્યાનો જન્મ થતો હોય છે. બધા પક્ષો પોતપોતાની મર્યાદા જાળવે અને પરિવર્તન થતું રહે તો લોકશાહી કાયમી રહે. લોકશાહીનું ભાવિ સત્તા મર્યાદામાં રહે તેના પર નિર્ભર હોય છે. અમર્યાદ સત્તા અને નિરંકુશ સત્તા એ લોકશાહીનો ભોગ લે છે. લોકશાહી સંસ્થાઓ કામ કરતી રહે, એના પર અનધિકાર હસ્તક્ષેપ ન થાય, તો પણ લોકશાહી સુરક્ષિત છે. બંધારણ અને બંધારણની સુરક્ષા અર્થે ઊભી કરવામાં આવેલી સંસ્થાઓ જ્યારે પોતે બેજવાબદાર બને છે અને પોતાની સ્વાયત્તતાને ગીરવે મૂકે છે ત્યારે પ્રશ્નોની લાંબી હારમાળા પેદા થાય છે.

ગાંધી વિચારનું સત્ત્વ અન્યાય સામેની લડાઈમાં છે. અહિંસાનો અર્થ કાયરતા નથી એમ ગાંધીએ વારંવાર કહ્યું છે, જ્યાં પણ અન્યાય જણાય, અન્યાયની લાગણી અનુભવાય, ત્યાં પ્રતિકાર સહજ અને સ્વાભાવિક છે. અન્યાયને સહી લેવો એ કાયરતા છે. એના પ્રતિકારમાં બહાદુરી છે. ગાંધીએ ક્યારેય અન્યાય સહન કરી લેવાનું કહ્યું નથી. તેમનું જીવન આફ્રિકામાં કે ભારતમાં અન્યાય સામે લડવામાં ગયું છે. મૂંગે મોંએ ગાંધીએ અન્યાય સ્વીકારી લીધો હોય એમ બન્યું નથી. અન્યાયનો અહિંસક પ્રતિકાર એ ગાંધીમૂલ્ય છે. યુવાનો કે બીજા આ વાત કદાચ બરાબર સમજ્યા છે એવા અનુભવો કાયમ થતા રહે છે. એ પ્રક્રિયા જ લોકશાહીને જીવંત રાખે છે.  

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વિચાર વિશ્વભરમાં જીવે છે એનું કારણ જ એ છે કે એમાં શાશ્વતમૂલ્ય રહેલું છે. તેથી જ ગાંધીએ કહેલું કે સત્ય અને અહિંસા જુગજૂનાં મૂલ્યો છે, જેને હું ફરી યાદ કરાવું છું. 

-ડંકેશ ઓઝા

એકત્ર ફાઉન્ડેશન