વિશ્વગ્રામી હીલિંગ ટચ

Source: નવગુજરાત સમય

આપણો દેશ આઝાદ તો થયો, પરંતુ કેટલાક અલ્પમતિ આગેવાનોના દુષ્પ્રતાપે એના ટુકડા થયા. આખા ભૂમિખંડમાં લાખ્ખો મર્યા, કરોડોનાં ઘર છૂટ્યાં, અબજોનાં નુકસાન થયાં, ખૂબ રક્ત વહ્યાં અને આંસુ સર્યાં ત્યારે એ સૌનાં આંસુ લૂછવા રક્ત ટપકતે પગે એક વિભૂતિએ દોટ લગાવી હતી. અરે, પોતાની જાતનું બલિદાન આપ્યું હતું.

ભૂમિખંડના ઘણા ખરા પ્રદેશમાં તો એ રક્ત સૂકાઈ ગયાં છે અને આંસુ લુછાઈ ગયાં છે, પણ રક્તપાત હજુ પોણી સદી પછી પણ ચાલુ છે. કાશ્મીરમાં આંસુ હજુ અનરાધાર વરસે છે કાશ્મીરીઓના.

આજ સુધીમાં કોણે એ આંસુ લૂછવા પ્રયાસો કર્યા? આંસુ વહાવવાં જ ન પડે એવી સ્થિતિ સર્જવાની કોણે કોશિશ કરી? ઘાયલ કાશ્મીરને હીલિંગ ટચ આપવા કોણ ગયું?

ગાંધીજીની જેમ ઝંઝાવાતની વચ્ચે જઈને કાશ્મીરને 'નેહ' આપવાનો વંદનીય પ્રયાસ કરનાર ગુજરાતીઓની આ વાત છે. બાકીનો ભૂમિખંડ એનું કામ જાણે, પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જ કાશ્મીરને પ્રેમ-બામ લગાવીને ધૈર્ય બક્ષવાના એક દાયકાની આ વાત તો લાંબી છે. આપણે એની રૂપરેખા જાણીએ.

સેવા સમર્પિત દંપતી તુલાબેન અને સંજયભાઈ ઘણા દાયકાઓથી વિદ્યાર્થીઓ, યુવકો, પીડિત પરિજનોને મદદરૂપ થાય એવાં અનેક કાર્યો, કાર્યશાળાઓ, પરિસંવાદો, વગેરે અનેકવિધ કામ કરતાં રહ્યાં છે. એમણે વિશ્વગ્રામ નામે સંસ્થા શરૂ કરી 1993થી, અને 2004થી અનાથ બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું. એમના દ્વારા ભારતને સારા નાગરિક આપવાનો જાણે એક યજ્ઞ શરૂ કર્યો. વિશ્વગ્રામના ઉપક્રમે નાનેરા નાગરિકોને સ્પર્શતા અન્ય પણ અનેક કામ શરૂ કર્યાં એ આખી કથા ધન્યવાદને પાત્ર છે.

2016માં સંજયભાઈ અને તુલાબેન ગાંધીજીની સાર્ધ શતાબ્દી વિશે વિચાર કરવા માંડ્યાં. એ પર્વની ઉજવણીના સંદર્ભમાં જ જયપ્રકાશ નારાયણના નિકટના સાથી, તત્વચિંતક અને પૂર્વ સાંસદ ડૉ. રામજીસિંહને નિમંત્રવામાં આવ્યા. એમની સાથે બે ઘડી ચાલતાં ડોક્ટર સિંહ બોલી ઊઠ્યા કે “બાપુ આજ હોતે તો જરૂર કાશ્મીર ગયે હોતે" એટલે કે આજે આંસુ લૂછનારની મહત્તમ જરૂર કાશ્મીરને છે. દંપતીને આ વાત સ્પર્શી ગઈ. કાશ્મીર ! મહાકવિ ફિરદોશીએ જેને માટે કહેલું કે “પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ હોય તો અહીં છે- અહીં જ છે." એ કાશ્મીર માટે અને ખાસ કરીને એનાં બાળકો માટે કશુંક કરી છૂટવાની તમન્ના જાગી. દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન ખાતે જાહેર જીવનના કેટલાક આગેવાનો સાથે મુલાકાત કરી. વિષય કાશ્મીર હતો. કાશ્મીરને હીલિંગ ટચની જરૂર છે. ડૉ. કરણસિંહે એમને કહ્યું કે "કાશ્મીરનું દરેક ગામ કબ્રસ્તાન બની ગયું છે. ત્યાં નવજીવનના સંચારની જરૂર છે."

ઘણું મોટું કામ, ઘણી સંસ્થાઓ, ઘણી પ્રતિભાઓ મળીને કરી શકે એવું કામ કોઈ એક સંસ્થા શું કરી શકે? એ પણ પાછી કાશ્મીરથી દૂર ગુજરાતની સંસ્થા? પણ વિશ્વગ્રામને એક દિશાનો દાયકાનો અનુભવ હતો. અનાથ બાળકો સાથે કામ કરવાનો અનુભવ. કાશ્મીરનાં સૌ બાળકો અનાથ બની ગયાં નહોતાં, પરંતુ એ પણ સાચું હતું કે એમાં ઘણાં અનાથ હતાં. અહીંયાં પણ એ પ્રદેશનાં બાળકોને પીડાઓ હતી. પોતાનાં નહીં તો નજીકના સ્વજનોનાં અકાળે મરણ થયાં હતાં. વારંવારનાં છમકલાં, સંચારબંધીઓ અને ધરપકડોને પરિણામે વાતાવરણ ક્ષુબ્ધ હતું તેમજ રોજગારી વગેરેની પણ કમી ઊભી થતી હતી. વિશ્વગ્રામના સાથીઓએ વિચાર્યું કે ત્યાં થોડાક વિસ્તારમાં, થોડાક ક્ષેત્રોમાં, થોડીકેય ઉપકારક કામગીરી થાય તો તે ઘા રુઝવવામાં મદદરૂપ થશે.

આવા નિશ્ચય અને આવા ઉદ્દેશ સાથે 2016થી 2026 સુધીનાં દસ વર્ષ વિશ્વગ્રામના સ્વયંસેવકોએ જે કામ કર્યું એનો હિસાબ આપતી પુસ્તિકા હમણાં પ્રગટ થઈ. એ મુજબ લગભગ દર વર્ષે સરેરાશ 55 જેટલા સાથીઓની વિશ્વગ્રામ ટીમ 20થી 25 દિવસો સુધી સ્વખર્ચે કાશ્મીરના અંતરિયાળ અને છેવાડાનાં ગામડાંની શાળાઓમાં જઈને રચનાત્મક અને રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા સહુ સાથે સંવાદ રચે છે. એથી મહોબ્બતનું વાતાવરણ રચાય છે. આ સ્વયંસેવી સાથીઓમાં શિક્ષકો, પ્રાધ્યાપકો, ડૉક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નિવૃત્ત અધિકારીઓ વગેરે હોય છે. ગાયક કલાકારો પણ ક્યારેક જોડાય છે. આ શિક્ષણયાત્રામાં 10 વર્ષમાં 327 ગામો અને શાળાઓની મુલાકાત લઈને શિક્ષણ થકી સંવાદ સધાયો છે.

કાશ્મીરની નવી પેઢી સાથે સંવાદ રચવા ત્યાંની કૉલેજ અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં બે-બે દિવસના ફિલ્મ નિર્માણના વર્કશોપ યોજાય છે. ગુજરાતના ફિલ્મ નિર્માણના અનુભવીઓ ત્યાં તાલીમ આપે છે. આવા 17 વર્કશોપ યોજાઈ ચૂક્યા છે. આ જ રીતે 50થી વધારે રીડિંગ વર્કશોપ અને વાંચન શાળાઓ યોજાઈ છે. વળી શાળાઓના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને રસપ્રદ રીતે ગણિત અને વિજ્ઞાન શીખવવાના પ્રયોગો કરવામાં આવે છે. એવા 25 જેટલા વર્કશોપ યોજાયા છે.

બાળકોની તર્ક-ક્ષમતા અને સમસ્યા ઉકેલની ક્ષમતા વિકસે એ માટે "ટ્રેન યોર બ્રેન" વર્કશોપ પણ યોજાયા છે. બહુ મોટું કામ શિક્ષકો સાથે પણ કરવામાં આવ્યું છે. ભોપાલની એકલવ્ય સંસ્થા તથા અમદાવાદની સુવિખ્યાત આઈઆઈએમના પ્રાધ્યાપકોએ કાશ્મીરના શિક્ષકોને તાલીમ આપી છે. આવા પણ 45 જેટલા વર્કશોપ યોજાયા છે અને લગભગ 1400 શિક્ષકો સાથે સંવાદ રચાયો છે. આ જ રીતે આ તજજ્ઞોનો લાભ વિદ્યાર્થીઓને મળે એવા પણ કેટલાક વર્કશોપ યોજાયા છે અને મસ્તિષ્કની કેળવણી માટે 25 લાઇબ્રેરીઓ અપાઈ છે, હાથની કેળવણી માટે 47 શાળાઓમાં રમતગમતનાં સાધનો (સ્પોર્ટ્સ કિટ) આપી છે. એક બહુ અગત્યનું કામ કાશ્મીરની સરહદ પરના ગામોના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની યોજના છે. કાશ્મીરી બાળકો ભણવામાં તેજસ્વી હોય છે પરંતુ ઘણાની શિક્ષણયાત્રા સુવિધાઓને અભાવે અટકી પડે છે. વિશ્વગ્રામના સાથીઓએ વાર્ષિક 6,000નો સહકાર આપીને એ વિદ્યાર્થીઓને ટેકો આપવાનું શરૂ કર્યું છે. હાલમાં 135 બાળકોને આ સ્કોલરશીપ અપાય છે. કાશ્મીરમાં પદયાત્રાઓ યોજાય છે. સરહદ પરનાં ગામોમાં બોમ્બમારાને કારણે ક્યાંક નષ્ટ થતાં ઘરોને ઘરવખરી વસાવી આપવાનું પણ બને છે. આ બધી કાશ્મીર જઈને કરવામાં આવતી પ્રવૃત્તિઓની ઝલક થઈ. આવી રીતે સંગીત દ્વારા શાંતિ પ્રસરાવવાના કાર્યક્રમો પણ યોજાય છે. 'સ્નેહ સંગીતયાત્રા' થકી 49 જેટલા સંગીત કાર્યક્રમો યોજાયા છે. કાશ્મીરને ગુજરાતના પ્રેમની એનાયતનું એક અન્ય પાસું ત્યાંનાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને ગુજરાતમાં ગુણવત્તાશીલ શિક્ષણ આપવાનું છે. આ માટે ગુજરાતના કેટલાક વડીલોએ અને કેટલીક શિક્ષણ સંસ્થાઓએ સહકારનો હાથ લંબાવ્યો છે. વિશ્વગ્રામની પહેલથી 2026ની અધવચ્ચ સુધીમાં 19 જેટલાં યુવક યુવતીઓએ એમબીએ, એમસીએ, એલએલબી જેવી પદવીઓ મેળવી છે અને 9 અભ્યાસરત છે.

શિક્ષણ ક્ષેત્રે બીજી પહેલ કાશ્મીરના શિક્ષકોને ગુજરાત બોલાવીને આપણી અહીંની શિક્ષણસંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય આપવાની છે. 2016માં 48 શિક્ષકોને 15 દિવસની યાત્રાએ બોલાવીને શિક્ષણયાત્રા કરાવેલી. ત્યારથી દર વર્ષે આવું એક જૂથ શિક્ષણયાત્રાએ આવીને આપણી શિક્ષણ સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ તથા વિકાસતીર્થોની મુલાકાત લે છે. આ જ રીતે ત્યાંના વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓનાં પ્રવાસનું પણ આયોજન થાય છે. શિક્ષણ ક્ષેત્રનો એક કાર્યક્રમ "સ્કૂલ સે મિલે સ્કૂલ : હમ સબ બચ્ચે નેક હૈ, હમ સબ બચ્ચે એક હૈ"નો છે. એમાં કાશ્મીર અને ગુજરાતની એક- એક શાળાનું મિલન યોજવામાં આવ્યું છે. બાળકો અને વાલીઓ વિચાર વિનિમય દ્વારા પરસ્પર જોડાયા છે. આવી શાળાઓની 20 જોડી રચવામાં આવી છે.

દસ દસ વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિ વધુ સ્થિર થાય, વધુ વિસ્તરે અને કાશ્મીરમાં એનું કેન્દ્ર સ્થપાય એ દિશામાં પણ હવે પ્રસ્થાન શરૂ થયું છે. કાશ્મીરના હાલના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહાજીના પ્રયત્નોથી વિશ્વગ્રામને કાશ્મીરમાં જગ્યા મળે એમ છે. એ જગ્યા મળી જાય પછી ત્યાં આ મિત્રો "ગાંધી - ગફારખાન મૈત્રીઘર" સ્થાપવા ધારે છે. અલબત્ત એક સૂચન એવું પણ છે કે એને “નર્મદા - જેલમ સંગમ સ્થાન" નામ આપી શકાય.

ખેર, શેક્સપિયર કહી ગયા છે કે "નામમાં વળી શું છે?" ગુલાબને કોઈ પણ નામ આપો સુવાસ એ જ રહેશે. વિશ્વગ્રામ પણ કાશ્મીરમાં જે સુવાસ, જે સ્નેહ, જે વિદ્યા પ્રસરાવવા પ્રવૃત્ત છે તે સદા પ્રશંસનીય રહેશે.

— યશવંત મહેતા

(નવગુજરાત સમય)

એકત્ર ફાઉન્ડેશન