‘વાચનમિલાપ’ના આઝાદી દિને મુકાયેલા પ્રથમ અંકના પ્રતિભાવો અત્યંત આનંદદાયક અને ઉત્સાહવર્ધક રહ્યા છે. પ્રકાશકને આવેલો વિચાર લોકોમાં પણ બરાબર ઝીલાયો છે અને કહી શકાય કે એનો ઉચિત પડઘો પણ પડ્યો છે.
પ્રતિભાવો એ પણ દર્શાવે છે કે પ્રજા સમજુ છે અને તેમાં હજુ વાંચનનું મૂલ્ય પમાય છે, એની ભૂખ વરતાય છે. વારંવાર કહેવાતું રહ્યું છે કે માણસ જેટલી પહેરવા-ઓઢવાની ખાવા-પીવાની, ટાપટીપની કાળજી રાખે છે તેટલી પોતાના વિચારો કેવા હોવા જોઈએ એની રાખતો નથી. બાહ્ય દેખાવની વધુ પડતી ચિંતા અને આંતરિક મૂલ્યની બાબતે અભાનતા એ કાયમનો પ્રશ્ન છે.
જીવનની ગુણવત્તા ત્યારે જ ઊંચી આવે જ્યારે વ્યક્તિમાં અને સમાજમાં વૈશ્વિક મૂલ્યો પ્રત્યે સભાનતા વધે. મારી આઝાદીની સાથે બીજાની આઝાદીનો વિચાર સતત આવતો રહે. આમ બને તો જગત વધુ જીવવા જેવું લાગે. રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે (હવે જ્ઞાનપીઠ પુરસ્કૃત એવા) રઘુવીર ચૌધરીએ કહ્યું હતું કે જીવન જો વન સ્વરૂપ હોય તો આપણે તેને ઉપવનમાં પલટવાનું છે.
ફ્રેંચ ફિલસૂફ સાર્ત્રનો વિચાર હજુ ઘણાને સમજાતો નથી જ્યારે સાર્ત્ર એવું કહે છે કે વિચાર પણ એક કાર્ય છે. વિચાર એ ચિંતનમાંથી અભિવ્યક્ત થાય છે. તે લખાણ દ્વારા બીજા સુધી પહોંચે છે. એવા લખાણનું વાચન એ વાચન મિલાપ તો છે જ પણ એ વિચાર મિલાપ પણ છે. અંતતોગત્વા ઉદ્દેશ તો માણસને વિચાર સાથેનું મિલન કરાવવાનો છે. આવા વિચારયજ્ઞમાં ઋત્વિજનું ઘણું મહત્ત્વ છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય યજ્ઞ થાય તેનું મહત્ત્વ સ્વીકારાયું છે. એ અર્થમાં પણ આ વિચારયજ્ઞ સમયસરનો છે.
ઘણા મિત્રોએ આવી પસંદગીનું કાર્ય ઘણું અઘરું હોવાનું સ્વીકાર્યું છે. કોઈપણ કાર્ય એક દૃષ્ટિએ અઘરું હોય છે તો બીજી દૃષ્ટિએ સહેલુંસટ હોય છે. એકને જે અઘરું લાગે છે તે બીજાને સહેલું લાગે છે. જો સર્વની દિશા એક જ હોય, શોધ એક જ હોય, તો કામ સરળ પણ બને છે. હું જે શોધું છું તે જ બીજો પણ શોધે છે ત્યારે એકને થતી પ્રાપ્તિ બીજાની પણ બની જાય છે. બન્નેની શોધનો એક સાથે અંત આવતો જાય છે. વાચકોને જો અંક ગમ્યો છે તો એની પાછળ સહિયારી શોધની સફળતા છે એવી શોધનો આનંદ એકલા સંપાદકનો ન હોઈ શકે.
વાચન એ સ્વૈચ્છિક અને અત્યંત અંગત એવી પસંદગીની પ્રવૃત્તિ છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે જેટલી કાળજીથી શબ્દ લખાયો છે એટલી કાળજીથી તે શબ્દ વંચાવો જોઈએ. Things written with care deserve to be so read. એટલે વર્ષભરની તંદુરસ્તી માટે આપણે જેમ વસાણું ખાઈએ છીએ એવી નિષ્ઠાથી વંચાવું જોઈએ અને વિચારાવું પણ જોઈએ.
ક્યારેક આપણને લાગે છે કે આપણે રોજબરોજ નિતનવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. ખરેખર એવું હોતું નથી. સમસ્યાઓ નવા સ્વરૂપે નવા સમયમાં આવતી હોય છે. આ અંકનો ઉમાશંકર જોશીનો લેખ દાયકાઓ જૂનો હોવા છતાં આજના સમયમાં આપણને માર્ગદર્શન આપતો હોય એવો તરોતાજા લાગે છે. 'ભૂમિપુત્ર’માં પહેલા પાને વિનોબાના જે વિચારો મુકાય છે તે જાણે આજના મનુષ્ય માટે ગઈકાલે જ લખાયા હોય એવા લાગતા હોય છે. એવા બીજા કેટલાય લેખકો છે જેમનાં લખાણો આવી ગુણવત્તા ધરાવતા હોય છે. આપણી ગરજે એવાં લખાણો સુધી પહોંચવું રહ્યું. આજના સાંપ્રત પ્રશ્નો કેવા છે એના કેવા ઉપાયો થઈ રહ્યા છે, એને કેવી રીતે જોવા જોઈએ એની ખબર આ અંકના લેખોથી મળશે એવો મારો વિશ્વાસ છે.
વિચાર તો એવો પણ છે કે દસ પંદર લીટીમાં કોઈ વાચક કોઈક વૈચારિક મુદ્દાને આલેખી શકે તો એવો વિચાર-સંવાદ પણ ઊભો થાય એને માટે અવકાશ ઊભો કરવો. આજે પ્રજાના પ્રતિનિધિગૃહોમાં ધોરણસરની ચર્ચા થઈ રહી નથી ત્યારે એક હરતીફરતી વિચાર સંસદ ઊભી થતી હોય તો કોને ન ગમે?
— ડંકેશ ઓઝા

