ઈન્ટરનેટ પર ‘ડુ ઈન્ડિયન્સ લેક સિવિક-સેન્સ’ શોધીને જુઓ અને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એવા કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે, જેમાં લોકો આપણા નાગરિક બોધ પર અફસોસ વ્યક્ત કરતા નજરે પડે છે. વાત રસ્તાઓ, પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનો પર કચરો ફેંકવા સુધી જ સીમિત નથી, દુનિયાના અગ્રણી પ્રવાસન સ્થળો- જેમ કે બુર્જ ખલીફા, એફિલ ટાવર કે વિયેતનામની ટ્રેન-સ્ટ્રીટ પર ભારતીયો દ્વારા નાચવા, ટ્રેનોમાં ગંદકી કરવા, લાઈન તોડવા અને જરૂરિયાતમંદ લોકો માટે ઉપલબ્ધ સુવિધાઓનો દુરુપયોગ કરવાની ફરિયાદો પણ હવે સામાન્ય થવા લાગી છે.
એક ભારતીય તરીકે આ બધું જોવું અને વાંચવું શરમજનક છે. આનાથી વિદેશોમાં આપણી છબી પર દાગ લાગે છે. એવા સમાચારો પણ આવે છે કે વિદેશી હોટેલોમાં ભારતીયોને વર્તન સંબંધી ખાસ સૂચનાઓ આપવામાં આવે છે. આપણે આને સુધારવું પડશે. આપણે સાથી નાગરિકોમાં સિવિક-સેન્સની અછત જોઈ પણ છે અને તેનું પરિણામ પણ ભોગવ્યું છે. ભારતીય રસ્તાઓ એ વાતનું ક્લાસિક ઉદાહરણ છે કે આપણે બીજાના હિતો પ્રત્યે કેટલા ઉદાસીન છીએ, જ્યારે સિવિક-સેન્સની વ્યાખ્યા જ એ છે કે વ્યક્તિ એવી રીતે વર્તે જેથી તેને અહેસાસ થાય કે સાર્વજનિક જગ્યાઓ અને વ્યવસ્થા માત્ર તેના માટે જ નહીં, બધા માટે છે.
એક સમાજ તરીકે આપણે એવું કેમ વિચારીએ છીએ કે આપણને જે કંઈ મળી શકે છે, તેને છીનવી કે ઝડપી લેવું જોઈએ, પછી ભલે બાકીના લોકોનું ગમે તે થાય. કદાચ આ એક કઠોર માહોલમાં જીવવાનું પરિણામ છે, જ્યાં સંસાધનો મર્યાદિત છે. નિયમોને લવચીક માનવામાં આવે છે, તાકાતનો દબદબો છે અને એ માની લેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના ભરોસે જ છે. રસ્તાઓ પર કચરો ફેંકવો, ટ્રાફિક સિગ્નલ તોડવું, જાહેર સ્થળોએ થૂંકવું, મોડી રાત સુધી મોટેથી મ્યુઝિક વગાડવું, લાઈન તોડવી, ગેરકાયદેસર પાર્કિંગ કરવું અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવું : શું આ બધું જાણીતું લાગે છે?
શું બધા ભારતીયોમાં સિવિક-સેન્સની અછત છે? આવું સામાન્યીકરણ તો ખોટું હશે. બહુસંખ્ય ભારતીયો એવા પણ છે, જેઓ સારું વર્તન કરે છે. પરંતુ વાયરલ રીલ્સના યુગમાં ખરાબ વસ્તુઓ વારંવાર જોવામાં અને શેર કરવામાં આવે છે. જેનાથી એવી ધારણા બની જાય છે કે બધા આવા જ છે.
આને કેવી રીતે ઠીક કરવું? શું આ માત્ર નબળા શિક્ષણ અને કડક નિયમોના અભાવનો જ મામલો છે? શું એનસીઈઆરટીના પુસ્તકો દ્વારા બાળકોને કચરો ન ફેલાવવાનું શિક્ષણ આપવાથી અને યુરોપની જેમ ભારેખમ ટ્રાફિક દંડ ફટકારવા માત્રથી આ ઠીક થઈ જશે? દુર્ભાગ્યે, ઉકેલ એટલો સરળ નથી.
વિશ્વાસ રાખો, ટોક્યો, સિંગાપુર અને સિઓલ જેવા શહેરો- જે આજે શ્રેષ્ઠ સિવિક-સેન્સના ઉદાહરણ છે- દાયકાઓ પહેલાં આવી જ સમસ્યાઓથી ઝઝૂમતા હતા. તેમણે આને કેવી રીતે ઠીક કર્યું, તે જાણવા માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે સિવિક-સેન્સનો હ્રાસ કેવી રીતે થાય છે. સામાન્ય રીતે આની 4 સ્થિતિઓ હોય છે. પહેલી, મૂળભૂત માળખાનો અભાવ. બીજી, નિયમોમાં ઢીલ. ત્રીજી, અત્યંત ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારો, જ્યાં વ્યવસ્થા પર જરૂર કરતાં વધુ દબાણ પડે છે. અને ચોથી, ઝડપથી થતું શહેરીકરણ, જેના કારણે લોકો સતત મોટા શહેરોમાં આવે તો છે, પરંતુ ત્યાં અપનાવવામાં આવતા વર્તન અને નિયમોની તેમને સમજ નથી હોતી. આ તમામ પરિસ્થિતિઓ ભારતમાં છે.
ભારતમાં સિગ્નલ તોડનારાઓમાંથી કેટલા લોકોને દંડિત કરવામાં આવે છે? કેમેરાની મદદથી એવું કરી શકાય છે અને આનાથી સરકારને ગંદકી ફેલાવનારાઓમાંથી કેટલા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે? દંડની રકમ ભલે ઓછી હોય, પરંતુ તે ફરજિયાત હોવી જરૂરી છે. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોર પાસેથી શીખો. ત્યાં સ્થિતિ એ થઈ ગઈ છે કે નાગરિકો માટે પોતાના શહેરને સાફ રાખવું ગર્વની વાત બની ગઈ છે. બીજા શહેરો પણ આવું કરી શકે છે.
યાદ રાખો કોઈ દેશ ત્યાં સુધી વિકસિત ન કહેવાઈ શકે, જ્યાં સુધી તેના નાગરિકોમાં સિવિક-સેન્સ ન હોય અને તેઓ પોતાના જાહેર સ્થળોને ચોખ્ખાં ન રાખી શકે. આપણે ત્યાં તો ઊલટાનું વેરવિખેર અને જુગાડને મહિમામંડિત કરવામાં આવે છે, પરંતુ આ વિકાસના ઈન્ડિકેટર ન હોઈ શકે.
— ચેતન ભગત
દિવ્યભાસ્કર

