← અનુક્રમણિકા પર પાછા જાઓ

છાપવાના સંવાદમાં More settings ખોલાવ → Headers and footers અનચેક કરો, પછી Save as PDF કરો.

વાચનમિલાપઅંક ૧ઓગસ્ટ ૨૦૨૬
વાચનમિલાપ · અંક ૧સમૃદ્ધ વાચન થકી વિચારશીલ જીવન તરફ
એકત્ર ફાઉન્ડેશનવાચનમિલાપ

અંક ૧

અંક ૧

ઓગસ્ટ ૨૦૨૬

સમૃદ્ધ વાચન થકી વિચારશીલ જીવન તરફ

એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક

અનુક્રમણિકા

  1. ૦૧|| મંગલાચરણ || — ડંકેશ ઓઝા૩
  2. ૦૨રામમંદિર — નવનીત ગૂર્જર૫
  3. ૦૩મતદારયાદીની સઘન સુધારણા — પ્રવીણ ક લહેરી૭
  4. ૦૪એન રૅંડનો અર્થ-વેદ — નિશિગન્ધ દેશપાંડે૧૨
  5. ૦૫નિરંજન ભગત - સંસ્મરણો — શૈલેશ પારેખ૧૮
  6. ૦૬સંપાદક હો તો આવા — જયંત મેઘાણી૨૪
  7. ૦૭જ્ઞાનનો સૂર્યોદય — ભવેન કચ્છી૨૭
  8. ૦૮ભારતીય નાગરિકતા — પવન કે વર્મા૩૧
  9. ૦૯ભારતમાં ગરીબો શિક્ષણથી કેમ છેટાં થઈ રહ્યાં છે? — ગુરદીપસિંહ સપ્પલ૩૩
  10. ૧૦વિજ્ઞાનીઓનું ઘેલું લાગ્યું છે! — ડૉ. કુમારપાળ દેસાઈ૩૭
  11. ૧૧બારીઓ વિનાના ખોરડાં — માર્ટીન મેકવાન૪૪
  12. ૧૨ઈષ્ટ કે પ્રિયજનની યાદમાં ગવાતું 'વાઈ' — નવીન જોશી૫૨
  13. ૧૩'વાચનમિલાપ' : વાચકો સમક્ષ ફરીથી પ્રસ્તુત થતી એક નાની શી 'મિલન-બારી' — અતુલ રાવલ, રાજેશ મશરૂવાળા૫૫

|| મંગલાચરણ ||

— ડંકેશ ઓઝા

ચારે તરફ બુમરાણ એક જ છે કે આજે લોકો વાંચતા નથી. જો વાંચે તો આગળ કેમ વધવું, શું કરવું - શું ન કરવું એની એને ખબર પડતી જાય. વાંચન વિના માણસ એક અર્થમાં પાંગળો બનતો જાય છે, એકાંગી થતો જાય છે. વિચાર વૈવિધ્યની એટલે કે વિકલ્પોની એની સમજ મર્યાદિત થતી જાય છે.

ટેકનોલોજીને કારણે આ પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. ડિજિટલ માધ્યમથી બધું મળી રહે છે એવો એક ખ્યાલ ઊભો થઈ ગયો છે. એ સાધન હાથવગું છે, એમાં નવો કોઈ ખર્ચ નથી એ પણ એની પસંદગી પાછળના કારણોમાં છે, કેટલીક બાબતો ઝડપથી હાથવગી બને છે, દૂરની વાત ક્ષણવારમાં નજીકની લાગવા માંડે છે.

ફાયદા છે પણ ફાયદાનો ઉચિત લાભ લેવાનો વિવેક પર્યાપ્ત માત્રામાં ઊભો થયો હોતો નથી. વૈવિધ્યનો વ્યાપ જેમ જરૂરી છે તેમ એ વૈવિધ્યમાંથી ઊંડે ઊતરવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે. ક્ષણવારમાં જે મળે છે તે ક્ષણવારમાં ઊડી પણ જાય છે! બુલેટ ટ્રેનમાં એક સ્થળેથી બીજે સ્થળે તીવ્ર ગતિએ પહોંથી જવાશે ખરૂં પણ કયા રસ્તે પસાર થયા એની કોઈ ગતાગમ મુસાફરને પડશે નહિ. વચ્ચે શું આવ્યું ને શું ગયું, કંઈ જોવા જેવું હતું કે કેમ એની ખબર એને નહિ પડે.

વાંચન એક અલગ પ્રકારની નિરાંત માંગે છે. ખાવામાં જેમ અતિશય ઉતાવળ ન કરાય તેવું જ વાંચનમાં પણ છે, પચાવી શકાય તેટલું ખાઈએ છીએ એ જ વાત વાંચનને પણ લાગુ પડે છે. ખાતાં શીખ્યા પછી વધુ પોષક આહાર તરફ જતાં થયાં. સ્વસ્થ આહાર અને પોષક આહાર શોધતાં થયાં. ખોરાકની માફક વાંચનની પણ આ જ 'શોધયાત્રા’ બનવી જોઈએ.

વાંચતા જાવ અને સાથે વિચારતા જાવ ત્યારે ખબર પડે કે કયું કામનું છે, કયું નકામું છે. કયું લખવા ખાતર લખાયું છે, કયું દિલ દઈને લખાયું છે. આપણને ઘાયલ ન કરે, વિચલિત ન કરી મૂકે એવું સોજ્જું સોજ્જું વાંચતા રહેવાનો બહુ મતલબ નથી. આપણને અસર કરે, વેદનામાં ડૂબાડી દે અથવા તો અંદરની ચેતનાને ઝંકૃત કરી મૂકે એવું વાંચવાની અનિવાર્યતા હોય છે. તમારી અંદર એ ભાવ કે એ વિચાર ચકરાવો લીધે રાખે એ જરૂરી હોય છે.

જેમણે ભણતર પછી વાંચવાનું બંધ કરી દીધું હોય અથવા તો સહજપણે છૂટી ગયું હોય તેમને પછી વાંચન બિનમહત્ત્વનું એટલે લાગ્યા કરે છે કે એની માન્યતા એવી બની જાય છે કે હવે પહેલાં જેવું કંઈ નવું લખાતું નથી. જો એ વાંચવા બેસે તો એને ખબર પડે કે દરેક સમયમાં નવી કલમો અને નવી અભિવ્યક્તિ આવતી જ રહેતી હોય છે. લેખન જેમ સમયની માંગ છે તેમ વાંચન પણ સમયની જ માંગ છે. સર્વવિદિત છે તેમ સમય કદી અટકવાનો નથી તેથી બધું થંભી જવાને કોઈ કારણ નથી.

જે વૈવિધ્યપૂર્ણ વાંચન અખબારો અને સામયિકોમાં અભરે ભર્યું પડ્યું છે તેમાંથી ઉચિતની પસંદગી કરીને આજના માણસ સામે તે મૂકી આપવાનો આ એક ઊપક્રમ છે. પસંદગી સાથે વાચક કેવી રીતે જોડાતો થાય છે અને એકની પસંદગી સર્વની બને છે કે કેમ એ તો સમય નકકી કરે છે. એ માટે આ પ્રક્રિયામાં જોડાવું જરૂરી બને છે, આશય ઊદાત્ત છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવાનો ખ્યાલ છે. જીવાતું જીવન બધાં વધુ સારી રીતે જીવી શકે એ માટેના અદૃશ્ય એવા માર્ગનું નિર્માણ આ પ્રક્રિયા દ્વારા થતું રહેશે. સાધનો દૃશ્યમાન છે પણ એની પાછળ ચાલતી રહેતી પ્રક્રિયા અદૃશ્ય તો છે જ, ક્યારેક અગમ્ય પણ લાગે છે. એમાં જ પરિવર્તનનો ચમત્કાર પડેલો હોય છે.

એકત્ર ફાઉન્ડેશનને આવેલું સપનું અગાઉ પણ ઘણાએ જોયું છે. મહેન્દ્ર મેઘાણીએ ત્રણેક દાયકા જે 'મિલાપ' ડાયજેસ્ટ ચલાવ્યું તેનાથી એક આદર્શ ઊભો થયેલો છે. એ દિશામાં ચાલતાં રહેવાનો આ એક નવો ઊપક્રમ છે. માણસ વિચારવંત પ્રાણી છે. વાંચનની આગળ - પાછળ વિચાર પ્રક્રિયા જોડાયેલી હોય છે, તેથી જ ‘વાચનમિલાપ’ એવું સહજ નામાભિધાન કર્યું છે. વાચકોના અભિપ્રાયની તેથી જ સહજ ઈંતેજારી પણ રહેશે. સામૂહિક સરકારથી આ ડિજિટલ સામાયિકનું પોત બંધાતું રહેશે.

- ડંકેશ ઓઝા

રામમંદિર

Source: દિવ્યભાસ્કર

— નવનીત ગૂર્જર

દેશભરમાં હોબાળો છે. રામ મંદિરનો. અને મંદિરના ગલ્લામાંથી ચોરીનો. કોઈ કહી રહ્યું છે-મોટાં-મોટાંઓને છોડી દેવામાં આવ્યા છે. નાના પર કાર્યવાહી થઈ રહી છે. સરકારનું કહેવું છે કે જે પણ દોષિત હશે. સજાથી નહીં બચી શકે.

રામ-ધનની ચોરી ક્યારથી ચાલી રહી હતી અને કેટલી થઈ ચૂકી. કોઈ નથી જાણતું. કોઈના ઘરેથી સોનું-ચાંદી મળી રહ્યું છે! કોઈના ઘરેથી મંદિરની તિજોરી જ જપ્ત થઈ રહી છે. તપાસમાં આખરે શું નીકળશે, ખબર નથી! જો કે આ મામલામાં કોણ, કોને બચાવી રહ્યું છે, કોણ કોને ફસાવી રહ્યું છે, તેનો પ્રમાણિક નિષ્કર્ષ તો સામે આવી શક્યો નથી પરંતુ રાજ્ય સરકારની જવાબદારી હોવી જોઈએ કે તપાસ કરી રહેલી એસઆઈટી પર કોઈ પણ પ્રકારનું રાજકીય કે વહીવટી દબાણ ન આવવા દે. બને તો તપાસ અદાલતની દેખરેખ હેઠળ કરાવવામાં આવે. દાનની રકમનું નિષ્પક્ષ અને સ્વતંત્ર ઓડિટ નહીં થાય, ત્યાં સુધી ચોરીની રકમનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હશે.

આ ઘટનાએ અયોધ્યાના મહત્ત્વને પણ મહદંશે પ્રભાવિત કર્યું છે. અયોધ્યાનું પ્રથમ વર્ણન અથર્વવેદમાં મળે છે. તેમાં અયોધ્યાને દેવતાઓની નગરી બતાવવામાં આવી છે : 'અષ્ટચકરા નવદ્વારા દેવાનાં પુરયોધ્યા. દેવતાઓની નગરી કદાચ એટલા માટે કે બ્રહ્માના માનસપુત્ર મનુએ તેની સ્થાપના કરી હતી. માનવામાં આવે છે કે આનું નિર્માણ ભગવાન વિષ્ણુની સલાહ પર સ્વયં દેવશિલ્પી વિશ્વકર્માની દેખરેખમાં થયું હતું. સ્કંદપુરાણ અનુસાર, અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે અયોધ્યાને પહેલીવાર વિવસ્વત (એટલે કે સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ વસાવી હતી.

અયોધ્યા માટે આ પ્રકારની ઘટનાઓ નવી નથી. દેવતાઓની આ નગરીએ બળ, પ્રતાપ અને બલિદાન જોયા તો દુઃખોના પહાડ પણ વેઠ્યા. ઋષિતુલ્ય રાજા માંધાતાનું સામ્રાજ્ય જોયું તો રાજા હરિશ્ચંદ્રની સત્યવાદીતા અને વચનની ખાતર રાજપાટ ત્યાગી દેવાનું, ત્યાં સુધી કે મરી-પરવા સુધીનું બલિદાન પણ જોયું. ભાગતા રથના તૂટેલા પૈડામાં પોતાની આંગળી લગાવી દેનારો કૈકેયીનો ત્યાગ જોયો તો રામને વનવાસ મોકલનારા એ જ કૈકેયીના હઠની પણ સાક્ષી રહી. અયોધ્યાની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી તો આની પીડાનો પણ કોઈ પાર ન રહ્યો. પુત્ર વિયોગમાં દશરથનું પ્રાણ ત્યાગવું હોય કે ભરતનું રાજપાટ છોડીને પાદુકા પૂજન હોય. બધું જ આજે પણ અયોધ્યાની આંખોમાં ઝળહળે છે. લક્ષ્મણની 14 વર્ષની સેવા હોય કે ઉર્મિલાનો વિરહ, આ બધી ધ્રુજારી પેદા કરનારી પળો રહી. ત્રેતાથી કલિયુગ સુધીની અસંખ્ય વાર્તાઓ આ નગરીની છાતીમાં સમાયેલી છે. આમને એક-એક કરીને કાઢવી પોતાના જ દુ:ખોની સોય આંગળીના ટેરવાથી કાઢવા સમાન છે.

જે રામ મંદિરમાં આજે લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. તે જન્મભૂમિ માટે આશરે 450 વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. ક્યારેક સંતો અને ધર્મગુરુઓએ આ આંદોલનની કમાન સંભાળી તો ક્યારેક રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પણ આમાં સામેલ થયા. માત્ર આ આંદોલનને કારણે કેટલીય સરકારો પત્તાના મહેલની જેમ પડી પણ ખરી અને એક અજીબ વાવાઝોડાની જેમ આવીને બની પણ ખરી. આંદોલનને પહેલીવાર ઉગ્રતા ત્યારે મળી, જ્યારે બાબરીના તાળા ખોલી દેવામાં આવ્યા. ખરેખર શાહબાનો પ્રકરણ પર ઉગ્ર થયેલી મુસ્લિમ લોબીના દબાણમાં જ્યારે કેન્દ્ર સરકારે ઉતાવળમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો તો મંદિર આંદોલનની ઉગ્રતા ચરમસીમા તરફ વધવા લાગી. સરકારે શાહબાનો પ્રકરણથી નિરાશ થયેલા હિંદુઓને ખુશ કરવા માટે બાબરીના બંધ પડેલા તાળા 1 ફેબ્રુઆરી 1986ના રોજ ખોલી નાખ્યા. કોને ખબર હતી કે બાબરીના બંધ તાળાની અંદર આંદોલનની આગ દબાયેલી પડી હતી. અશોક સિંઘલના શિલાપૂજન અભિયાને આંદોલનને ઘર-ઘર સુધી પહોંચાડી દીધું. આજે અશોક સિંઘલ જીવિત હોત તો તેમને કેવું લાગત, જેમણે પોતાનું આખું જીવન જ રામ મંદિર માટે સંઘર્ષ કરવામાં વિતાવી દીધું અને અંતમાં એવું કહેતા પ્રાણ ત્યાગી દીધા કે રામ મંદિર બનતા જોવું એ જ મારી અંતિમ ઈચ્છા છે! 

મતદારયાદીની સઘન સુધારણા

Source: વિશ્વ વિહાર * ડિસેમ્બર ૨૦૨૫

— પ્રવીણ ક લહેરી

આજે દેશમાં સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો તે છે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઑફ ઇલેક્ટોરલ રોલ'. સરળ ભાષામાં કહીએ તો મતદારયાદીની વિશેષ સઘન સુધારણા. અંગ્રેજી શીર્ષકના ત્રણ અક્ષરોથી બનેલો ‘SIR' શબ્દ આજે તેના જૂના અર્થ કરતાં આપણને એક વિવાદાસ્પદ વ્યાયામની યાદ અપાવે છે. ભારતમાં ૧૯૫૦માં શરૂ થયેલા બંધારણના અમલમાં લોકશાહીને સ્થિર કરી તેનાં મૂળ ઊંડે સુધી ઉતારવામાં ભારતના ચૂંટણી પંચની ભૂમિકા મહત્ત્વની રહી છે. લોકશાહીનું હાર્દ મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા છે. રાજકારણીઓ માટે સત્તાનું આકર્ષણ એટલું અદમ્ય છે કે ચૂંટણીમાં જીત માટે કોઈ પણ ગેરરીતિ આચરવાની તેમની તૈયારી હોય છે. મને ચાળીસ વર્ષની વહીવટી કારકિર્દીમાં ચૂંટણીના સંચાલન સાથે નિકટથી સંકળાયેલા રહેવાનો અને વિવિધ રાજયોમાં ચૂંટણી અંગે ફરજ બજાવવાનો અવસર મળ્યો હતો. આ અનુભવના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે ચૂંટણી એ કાદવ-કીચડથી ભરેલો એક એવો માર્ગ છે કે જેના પર ચાલવાથી આપણે ગંદકીથી ખરડાઈ જઈએ છીએ. ચૂંટણી એટલે નાણાં, બાહુબળ, છળકપટ અને પ્રલોભનનો એક મોટો ખેલ. કમનસીબે આ વાસ્તવિકતા છે.

ભારતના બંધારણની કલમ ૩૨૪ ચૂંટણીપંચની રચના, તેની ફરજો અને અધિકારો વર્ણવે છે. આ કલમ હેઠળ બંધારણની મર્યાદામાં રહીને સંસદને જરૂરી કાયદો કરવા અધિકૃત કરવામાં આવી છે. ચૂંટણીની પ્રક્રિયા અંગે સંસદે વર્ષ ૧૯૫૦માં લોકપ્રતિનિધિત્વનો કાયદો પસાર કર્યો છે. આ કાયદા દ્વારા ચૂંટણીપંચની કાર્યવાહી અને ચૂંટણીઓના સંચાલન અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ ૩૨૫ હેઠળ ‘દરેક મત વિસ્તાર માટે એક મતદારયાદી હશે. આ મતદારયાદી સંસદ અને રાજય વિધાનસભાની ચૂંટણી માટેની મતદારયાદીમાં સમાવિષ્ટ થવા માટે કોઈ પણ વ્યક્તિને માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે આમાંના કશા કારણસર ના કહી શકાય નહીં. ભારતમાં અગાઉ મતદાનની પાત્રતા ૨૧ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થતી હતી. આજે આ મર્યાદા ૧૮ વર્ષની છે. ભારતની ૧૪૬ કરોડની વસ્તીમાં ૯૭ કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે. કલમ ૩૨૫ની જોગવાઈ અનુસાર ચૂંટણીપંચ રાજ્ય સરકારોને જે નિર્દેશો આપે, તે પ્રમાણે જિલ્લા કલેક્ટર (જે હોદ્દાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી છે) મારફત વિધાનસભા અને સંસદીય મતદાર મંડળોની યાદીઓ બનાવે છે, તેમાં સુધારા વધારા કરે છે. આ મતદારયાદીમાં જેમનું નામ હોય, તે વ્યક્તિ જ સંબંધિત મતદાનકેન્દ્ર પર મતદાન કરી શકે છે.

દરેક ચૂંટણી બાદ અનેક મતદારોની ફરિયાદો આવે છે કે તેમનું નામ મતદારયાદીમાં હતું. પણ અચાનક તે કમી થઈ ગયું છે. સામે પક્ષે અનેક રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે સરકારી તંત્ર તેમના ટેકેદારોનાં નામો કમી કરે છે અને બીજા દેશોમાંથી ગેરકાયદે ઘૂસી આવેલા માણસોનાં (જે ભારતના નાગરિક બનવાની લાયકાત ધરાવતા નથી) નામો મતદારયાદીમાં ઉમેરવામાં આવે છે. મતદારયાદીની સુધારણાની કામગીરી સતત ચાલતી રહે છે, પરંતુ નાગરિકો જ્યારે સ્થળાંતર કરે ત્યારે જૂની જગ્યાએથી નામ કમી કરાવી વર્તમાન રહેઠાણ પ્રમાણે નામ ઉમેરવા માટેની કાર્યવાહી કરતા નથી. જે મતદારો ૧૮ વર્ષ પૂર્ણ કરે છે તે પણ સમયસર નામની નોંધણી કરાવતા નથી. જે મતદારો મૃત્યુ પામે છે તેનાં નામો કમી કરાવવાની તસ્દી તેમના પરિવારજનો લેતા નથી. અનેક મતદાન-મથકો પર મૂળ-મતદાતાને બદલે અન્ય કોઈ મત આપી જાય છે. જોકે હવે દરેક મતદાર-યાદીમાં મતદારનો ફોટો છાપવામાં આવે છે અને આધાર, વોટર તરીકેનું ઓળખપત્ર વગેરે હોવાથી ભળતા નામે મતદાન થવાની સંભાવના શૂન્ય થવી જોઈએ. કદાચ મતદાન-મથકના સ્ટાફ કે ઉમેદવારોના પ્રતિનિધિઓની ગરબડના કારણે જ ગેરરીતિ થઈ શકે. અનેક મતદાનમથકોમાં મતદારો ડરથી, પ્રલોભનથી કે જ્ઞાતિના ઉમેદવારને મદદ કરવા 'સારા' કરતાં 'મારા ઉમેદવારની પસંદગી કરવામાં રસ ધરાવે છે.

આપણા દેશમાં ૯૭ કરોડ મતદારોની યાદીમાં સઘન સુધારણા કરવાની કામગીરી ઈ.સ. ૨૦૦૨ પછી હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ૨૩ વર્ષમાં નવાં નામો ઉમેરવાની, મૃત્યુ પામેલા નાગરિકોનાં નામ કમી કરવાની કામગીરી તો ચાલતી રહેતી હોય છે. દરેક ચૂંટણી પહેલાં ચૂંટણીપંચ નાગરિકોને મતદારયાદી (હવે ઓનલાઈન ઉપલબ્ધ છે) ચકાસીને પોતાનું નામ, લિંગ, ઉંમર, સરનામું બરાબર છે તેની ખાતરી કરવા માટે જાહેરાતો દ્વારા આમંત્રે છે. નામ ઉમેરવા અને કમી કરવાનો પ્રશ્ન ત્યારે જટિલ બને છે કે શિક્ષણ, રોજગાર, બદલી, નવા ધંધા-ઉદ્યોગ માટે સ્થળાંતર કરતા નાગરિકોને મતદારયાદીમાં ઉમેરવા અને કમી કરવા. આમાં આંતરરાજ્ય કે ફેરબદલીનો પ્રશ્ન પણ સંકળાયેલો છે.

ઈ.સ. ૨૦૦૨ પછી જ્યારે સઘન સમીક્ષા હાથ ધરાઈ છે તેમાં મુખ્ય અને વિવાદાસ્પદ મુદ્દો એ છે કે અનેક રાજ્યોમાં મતદારયાદીમાં એવાં નામો ઉમેરાયાં છે જે દેશનું નાગરિકત્વ તો નથી ધરાવતા, પરંતુ ભારતમાં તદ્દન ગેરકાયદેસર ઘૂસી આવેલા છે. આમાં બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા મોટી છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી પણ ભારતમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોએ ગેરરીતિઓ દ્વારા આધારકાર્ડ અને મતદાર ઓળખપત્ર પણ બનાવડાવી લીધાં છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, મુંબઈ, દિલ્હી વગેરે જગ્યાએ આવા ઘૂસપેઠિયાઓનો વસવાટ ચિંતાજનક છે.

મતદારયાદીની સઘન સુધારણાથી નીચે મુજબ લાભો થવાના છે - (૧) આપણે ત્યાં મોટા પ્રમાણમાં ભૂતિયા મતદાતાઓ નોંધાયેલા છે. એક સ્થળે સેંકડો નહીં, પણ હજારો લોકો રહે છે તે રીતે ખોટાં સરનામાં પર નોંધણી કરાવી છે. (૨) આ સુધારણાને કારણે જુદા જુદા મતવિસ્તારોમાં જે વસ્તીમાં ફેરફાર થાય તેની માહિતી મળે છે. અગાઉ ૩૦ વર્ષ માટે મતવિસ્તારોની હદમાં ફેરફાર ન કરવાની નીતિ અપનાવી ત્યારે અમદાવાદમાં સરખેજ વિધાનસભા મતવિસ્તારની મતદારોની સંખ્યા લોકસભાના નિર્વાચન ક્ષેત્ર કરતાં વધી ગઈ હતી. આવી જ સ્થિતિ લગભગ તમામ મહાનગરો જે ખૂબ ઝડપથી વિકસતા હતા તેમાં થઈ હતી. (૩) આ પ્રકારની પ્રક્રિયાથી વંચિતો, દિવ્યાંગો, નિરક્ષર અને યુવાનોને મતદારયાદીમાં નોંધવાનો અવસર પ્રાપ્ત થાય છે. (૪) આવી સુધારણાથી મતદારયાદીઓ અદ્યતન અને વિશ્વસનીય બને છે. (૫) દરેક પોલિંગ સ્ટેશનમાં મતદારની વધઘટ ધ્યાનમાં લઈને તેની સંખ્યામાં વધઘટ કરીને ચૂંટણીપ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી તજવીજ કરી શકાય છે.

અગાઉ મતદારયાદીની સુધારણાની કામગીરી શિક્ષકો કરતાં હતાં. તે કામગીરી મેન્યુઅલ હતી અને મતદારોની ગણતરી કરવા માટે સ્ટાફને પૂરતો સમય મળતો હતો. હવે આજના ડિજિટલ યુગમાં મતદારોએ ૨૦૦૨ની માહિતી શોધીને ફોર્મ ભરવાનું, સહી કરીને પ્રમાણિત કરવાનું અને શિક્ષકોએ તે કમ્પ્યૂટર પર અપલૉડ કરવાનું. આ પ્રકારની વ્યવસ્થા અનેક શિક્ષકો માટે તણાવનું કારણ બની છે. અમુક કિસ્સામાં શિક્ષકોએ ફરજના બોજથી મૂંઝાઈને આત્મહત્યા કરી છે તો કેટલાકને હૃદયરોગનો હુમલો થતાં અવસાન પામ્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં શિક્ષકો આટલા મોટા અભિયાનનો ભાગ હોય ત્યારે સંભવ છે કે અમુક વ્યક્તિઓ આ કામગીરીનો બોજ સહન નથી કરી શક્યા. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજમાં વિવિધ કારણોસર દરરોજ આત્મહત્યાના બનાવો બને છે. આ ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનો અને યુવતીઓ સ્વસ્થ દેખાતાં હોય પણ સાવ અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે.

શિક્ષકોના અકાળ મૃત્યુના કારણે 'સર'ની કામગીરીના વિવાદમાં એક નવું પાસું ઉમેરાયું છે તે છે - ચૂંટણીપંચ અને વહીવટીતંત્રની ઉતાવળ અને બિનસંવેદનશીલતા. જ્યારે કરોડો લોકોનો સંપર્ક કરવાનો હોય, કામગીરી સંભાળતા શિક્ષકોને ડિજિટલ પદ્ધતિનો અનુભવ ન હોય ત્યારે તાલીમની વ્યવસ્થા અને જરૂરી સમય આપવાની જવાબદારી ચૂંટણીપંચના શિરે છે. બંધારણ કે લોકપ્રતિનિધિત્વ ધારામાં આવી સઘન સુધારણાનો કોઈ ઉલ્લેખ નથી. કાયદાકીય જોગવાઈનો હેતુ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરાવવાનો છે અને તે માટે જે આનુષંગિક કામગીરી કરવી જોઈએ તે ચૂંટણીપંચના અધિકારમાં આવે તેના આધારે શ્રી ટી. એન. શેષાને કોડ ઓફ કન્ડક્ટ(આચારસંહિતા)નો કડક અમલ કરાવ્યો હતો. સઘન સુધારણા ઝુંબેશનાં અનેક ભયસ્થાનો પણ છે. અનેક મતદારોનાં નામો ગણતરી કરનાર સ્ટાફની ભૂલના કારણે કમી થઈ શકે છે. આના ઉકેલ માટે નાગરિકોએ જાગૃતિ દાખવવા ડ્રાફ્ટ પ્રકાશન સમયે ખાતરી કરવી જોઈએ કે તેનું નામ બાકી તો નથી રહી ગયું?

વર્ષ ૨૦૨૫ની મતદારયાદીઓની સઘન સુધારણા દરેક મતદારની હાજરી અને લાયકાત તપાસે છે ત્યારે ભૂતિયા મતદારો નોંધી અમુક રાજકીય પક્ષોને અનુચિત ફાયદો કરાવતાં રાજ્યોનું વહીવટીતંત્ર શંકામાં આવ્યું છે. જે રાજકીય પક્ષો સઘન સુધારણાનો વિરોધ કરે છે તેની હાલત તો 'ચોર કી દાઢી મેં તિનકા' વાર્તામાં આટલું સાંભળતાં જ ચોર પોતાની દાઢી પર હાથ ફેરવે છે તેવું છે. સાચી મતદારયાદી અને લાયકનો તેમાં સમાવેશ થાય અને બિનઅધિકૃતોની બાદબાકી થાય એ તો ચૂંટણીપંચની બંધારણીય અને કાયદાકીય જવાબદારી છે. તેની પ્રક્રિયામાં ક્ષતિ હોય તો તે સુધારી શકાય, પણ મતદારયાદીઓ કોઈ ધર્મગ્રંથ હોય અને તેમાં થતા સુધારાનો જે ઉગ્રતાથી વિરોધ થાય તેવો જ વિરોધ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ‘SIR' માટે થાય છે. સ્વસ્થ લોકશાહી માટે સાચી મતદારયાદી અનિવાર્ય આવશ્યકતા છે. ભારતે છેલ્લા સાડાસાત દાયકામાં જે સજાગતા દર્શાવી છે, તેની અનેક રાષ્ટ્રોએ નોંધ લઈને તે પ્રમાણે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આપણે આ કાર્યમાં વિરોધ ન કરતાં સહયોગ કરીએ તે જરૂરી છે.

એન રૅંડનો અર્થ-વેદ

Source: ફાર્બસ

— નિશિગન્ધ દેશપાંડે

‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા.

આ બધા જ પુરાણા વિચારોને આહ્વાન આપીને એક નવી વિચારધારા શરૂ કરનાર, અર્થ-સંપાદન, અર્થ-સંવર્ધન અને અર્થ-વિનિમયના નવા સિદ્ધાંતો બતાવી નવો ‘અર્થ-વેદ' નિર્માણ કરનાર એન રૅંડ AYN RANDની જન્મભૂમિ રશિયા, પણ કર્મભૂમિ અમેરિકા. વી ધ લિવ્હિંગ (We the Living) આ એમની પહેલી નવલિકા ૧૯૩૬માં પ્રસિદ્ધ થઈ અને એમાના નવા વિચારોએ આ તરુણ લેખિકા તરફ દુનિયાનું ધ્યાન ખેંચી લીધું. ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી નવલિકા ધી ફાઅુંટન હેડ (The Fountainhead)ની રચનાપદ્ધતિ, એમાં વર્ણવેલો વિષય અને એની પાત્રરચના એટલા બધા અનુપ હતા કે આ નવલિકાની બોલબાલા દુનિયામાં થઈ, એના પર ચિત્રપટ બન્યાં અને એન રૅંડનું નામ એક તત્ત્વચિંતક અને લેખક તરીકે બધા જ દેશોમાં પહોંચી ગયું. ૧૯૫૭માં પ્રસિદ્ધ થયેલી નવલિકા એટલાસ શગ્ઝ (Atlas Shrugged) તો તદ્દન ક્રાંતિકારક નિપજી અને અમેરિકા જેવા પ્રગત દેશોના અનેક ખ્યાતનામ અર્થતજ્ઞ (Economist) એન રૅંડના શિષ્ય થયા.

આ નવલિકામાં પ્રકટ થયેલા એમના વિચારોનું અધિક વિશ્લેષણ પછીનાં પુસ્તકોમાં થયું. વ્હર્ચૂ ઑફ સેલ્ફિશનેસ (Virtue of Selfishness), ઓબજેક્ટિવ્હ એપિસ્ટેમોલોજી (Objective Epistemology), ફોર ધી ન્યુ ઈન્ટેલેકચ્યુઅલ્સ (For the New Intellectuals), ધી ન્યૂ લેફ્ટ અર્થાત્ એન્ટી-ઇડસ્ટ્રીઅલ રિવ્હોલ્યુશન (The New Left; The Anti-Industrial Revolution), કેપિટાલિસમ (Capitalism), ફિલોસોફી - હૂ નીડ્સ ઈટ (Philosophy : Who Needs it), વગેરે પુસ્તકોમાં એમના વિચારો વિશેષ સ્પષ્ટ થતા ગયા અને એમાંથી નીકળ્યો એમના વિચારોને અનુસરનાર લોકોનો પંથ Objectivism ઓબ્જેક્ટીવ્હિસમ, ધી નાઈટ ઑફ સિકસ્ટીંથ જાન્યુઆરી (The Night of 16th January) નામનું એક નાટક પણ એમણે લખ્યું જેમાં સુદ્ધાં આ જ વિષય કેંદ્રસ્થાનમાં છે.

અનેક વ્યક્તિઓનો સમુદાય એટલે માનવ સમાજ કે માનવ સમાજનો એક ઘટક એટલે વ્યક્તિ, વ્યક્તિ માટે સમાજ કે સમાજ માટે વ્યક્તિ; વ્યક્તિગત જીવનની સમૃદ્ધિ માટે સમાજ રચના કે સમાજની સમૃદ્ધિ માટે જીવન, આવા મૂળગામી પ્રશ્ન પૂછનાર અને નિર્મિતિક્ષમ માનવી અસ્તિત્વનું વ્યક્તિ કેંદ્રિત ઉદ્ગાન કરી ‘વૈશ્યવૃત્તિનો નવો વેદાન્ત કહેનાર એમના તત્ત્વજ્ઞાનનો સાર એમના ધી ફાઉન્ટન હેડ (The Fountainhead) આ નવલિકાના બોધસૂત્રમાં મળી રહે છે. ‘એક માનવનો અહં એટલે (જ) માનવી પ્રગતિનો મૂળ પ્રવાહ’ (one man's ego is the fountainhead of human progress) આવો ક્રાંતિકારી મંત્ર રચનાર આ આધુનિક ઋષિ, વૈવસ્વત મનૂના પ્રમાણે જ એક સ્મૃતિકાર ગણી શકાય.

વૈદિક સ્મૃતિકારોની આંખોમાં કેવળ બ્રહ્મવૃત્તિ અથવા ક્ષાત્રવૃત્તિ માટે જ જગ્યા હતી. સાક્ષાત્કાર પર આધારિત પરલોકાન્વેષી સાધના માટે અથવા તો દિગ્વિજયની ઈચ્છા રાખી દેવતાઓની સહાય માટે એમની બધી મંત્રરચના થઈ. દુનિયાની દોલત અને જન્નતની હૂરો માટે ઇસ્લામનો નારો હતો શસ્ત્રબળ માટે, એટલે કે ક્ષાત્રવૃત્તિ માટે. જનકલ્યાણ, લોકસેવા વિગેરે ત્યાગવાદી વૃત્તિ પર આધારિત જૈન, બૌદ્ધ અને ખ્રિશ્ચન ધર્મોનો આધાર ‘નિર્વાણવાદી’ શુદ્ર વૃત્તિ પર એટલે કે મનુષ્ય સ્વભાવના નિષ્ક્રીય અંગ પર હતો. શૂદ્ર વૃત્તિની ચરમસીમા એટલે સામ્યવાદ. From each according to his ability to each according to his needs-નો વિચાર કહેનાર આ ધર્મ તમામ માનવ સમાજને રાજ્ય યંત્રનો ગુલામ બનાવવા માગે છે. બધા માનવોને શૂદ્રાતિશૂદ્ર કરી નાખે છે. બ્રહ્મવૃત્તિ કહે છે આ સંસારનો કોઈ અર્થ નથી. સંસાર એટલે માયા છે એટલે આ બધી ચીજોની પાર જઈ કેવળ મોક્ષપ્રાપ્તિ માટે સાધના કરવામાં જીવન વીતાવો. ક્ષાત્રવૃત્તિ એ લૂંટફાટનું સોજ્જવલ નામ. બીજો કોઈક ધન પેદા કરે અને તમે જઈ એનું હરણ કરો અને એ સંપત્તિ પોતાના માલિકીની કરો તો તમે ઘણા શૂરવીર અને તમારો જન્મ ભાગ્યશાળી થયો એવા વિચારોનું નામ ક્ષાત્રધર્મ. શૂદ્રવૃત્તિ કહે કે તમારે પોતે વિચાર કરવાનો નથી. તમારા ઉપરી કહે એ મુજબ ચૂપચાપ કામ કરતા રહેવું, પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ભૂલી જઈ કેવળ સમૂહ માટે જીવવું, સમૂહનું ભલું તે જ મારું ભલું. એમ સમજી લેવું. આ બધી જ વિચારધારાઓમાં એક મોટી ઉણપ હતી અને છે. સમાજના અસ્તિત્ત્વ માટે તદ્દન પાયાભૂત જેવી 'વૈશ્ય-વૃત્તિ' એટલે કે ધનનિર્મિતી, ધનવૃદ્ધિ અને ધનવિનિમય આ ત્રિ-સુત્રી માટે એમાં કોઈ સ્થાન નથી. આ બધા જ વૈદિક આધુનિક શ્રુતિ-સ્મૃતિકારો વૈશ્ય વૃત્તિની કેવળ ઉપેક્ષા નહીં પણ ઉપહાસ કરે છે. 

માનવનું અસ્તિત્વ આનંદ માટે છે; માનવી જીવનનો ઉદ્દેશ્ય એટલે પોતાની અંગત ક્ષમતાની કમાલ મર્યાદા જાણવાના અનેકવિધ પ્રયત્નો; વ્યક્તિની નિર્મિતિ ક્ષમતાના આધાર પર સમાજ રચના થાય છે; નિર્મિતિક્ષમ માનવી મનને કોઈપણ બંધનમાં મુકનાર સમાજરચના થાય તો માનવી જીવન કેવળ દારિદ્ર્યમય જ નહીં પણ જંગલી થઈ જાય; માનવજીવનના બધા અનર્થોનું મૂળ 'અર્થ-વ્યવહાર'માં નથી પણ અર્થવ્યવહારનો મર્મ ન જાણવામાં છે; સંપન્ન જીવન અને સમૃદ્ધિનું નિર્માણ અકાર્યક્ષમ ભીરુ લોક કરી શકતા નથી, એના માટે ગરજ હોય છે ચિંતનશીલ અને મનઃશક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરનાર લોકોની; સમૂહ-હિત આ નામની કોઈ ચીજનું અસ્તિત્વ હોતું નથી, પ્રત્યેક વ્યક્તિનું હિત એ જ સમૂહ-હિત. અનેક સ્વતંત્ર વ્યક્તિ આપખુશીથી એકત્ર રહેતા હોય તેવા સમૂહનું નામ સમાજ. વ્યક્તિ વગર સમાજ બને જ નહીં વિગેરે વિચારોનો અવિષ્કાર એટલે એટલાસ શગ્ઝ (Atlas Shrugged) નવલિકા એન રૅંડનો આધુનિક 'અર્થ-વેદ.'

For the New Intellectuals, The Anti-Industrial Revolution, Capitalism, Objective Epistemology વિગેરે પુસ્તકોમાં પ્રગટ થયેલા નિબંધો એટલે આ અર્થ-વેદનાં ઉપનિષદો. The Night of 16th January એટલે આ અર્થ-વેદનું નાટ્ય-મય પુરાણ. Philosophy, Who Needs it જેવાં પુસ્તકો એટલે આ અર્થ-વેદના બ્રાહ્મણ ગ્રંથ.

સમૃદ્ધ અને શાંતિમય જીવન ચાહનાર સમાજ માટે એક જ પર્યાય છે અને તે એટલે ખરી ખરી ‘વૈશ્ય-વૃત્તિ'નો સ્વીકાર. વિચાર કરી શકનાર માનવી મન અને નૈસર્ગિક સાધન સામગ્રી આ બન્નેના સંયોગમાંથી પેદા થયેલી વસ્તુઓ, સેવાઓ અને કલ્પનાઓ એ જ સંપત્તિ, માનવી મનના સંયોગ વગર ધનનિર્મિતિ અશક્ય છે. આજ સુધી દુનિયામાં સંપત્તિ પ્રાપ્ત કરવા માટે લોકો માટે કેવળ બે જ રસ્તા બતાવવામાં આવ્યા, ચોરી અને ભીખ. બીજાની સંપત્તિ યા તો લૂંટી લેવાની યા તો એના માટે ભીખ માગવાની - દાન માગવાનુ. સંપત્તિ પ્રાપ્તિના આ બન્ને માર્ગો 'અ-સમાન' વ્યક્તિઓ વચ્ચે જ શક્ય છે. લૂંટફાટમાં જ્યારે એકનો વિજય થાય ત્યારે બીજાનો માત્ર પરાભવ શક્ય છે, સમાન વ્યક્તિમાં લૂંટ-ફાટ ન થાય. એ જ પ્રમાણે દાન આપનાર અને દાન લેનાર ભીખ માગનાર અને ભીખ લેનાર, આ બે વ્યક્તિઓ કોઈ પણ દિવસે એક લેવલ પર ન હોઈ શકે, દેનારનો હાથ ઉપર અને લેનારનો હાથ નીચે જ રહેવાનો. હા, વિપરીત તર્કવાદ (Preverted Logic)નો આધાર લઈ દાન લેનાર બ્રાહ્મણ પોતાને દાન આપનાર દાતા કરતા ઊંચો માને અને દાતાના મનમાં પણ એવો જ ભ્રામક વિચાર પેદા કરી શકે. છતાં પણ એ બન્ને સમાન તો નહીં જ થવાના. વૈદિક કાળથી લઈને આજ સુધીની સમાજ રચનાની બધી વિચારધારા સમાનતાની જગ્યાએ કેવળ અસમાનતા સર્જી શકી એનું રહસ્ય આ તત્ત્વજ્ઞાનોની મૂળ ઊણપમાં છે.

બે સ્વતંત્ર, સમાન વ્યક્તિઓમાં સંપત્તિનું આદાન-પ્રદાન માત્ર સ્વૈચ્છિક હોઈ શકે. મારી પોતાની વિચારશક્તિ, મનઃશક્તિ અને કાર્યશક્તિ વાપરીને હું જે કોઈ વસ્તુ અથવા સેવા નિર્માણ કરું એનું મૂલ્ય Value નક્કી કરવાનો અધિકાર કેવળ મારો એકલાનો છે. એ વસ્તુ અથવા સેવા હું બીજાને આપી એણે પેદા કરેલી વસ્તુ અથવા સેવા લેવા માગતો હોઉ તો એ સેવા અથવા વસ્તુ મને બીજી વ્યક્તિએ કરેલા મૂલ્યના સ્વેચ્છાથી લેવી પડે. મારું અને પેલી બીજી વ્યક્તિનું કરેલું મૂલ્યાંકન એકબીજાને પસંદ હોય તો વિનિમય exchange થાય નહીં તો એવા વિનિમય બળના આધાર પર કરાવવાનો કોઈને અધિકાર નથી. મારા હિતનું રક્ષણ કરવું એટલે સ્વાર્થ, એથી જ ‘સ્વાર્થી' રહેવામાં કાંઈ ખોટું નથી. યા તો એમ પણ કહી શકાય કે 'સ્વાર્થી' હોવું એ જ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સજાગ હોય એ જ બીજી વ્યક્તિના સ્વાર્થનો આદર કરી શકે. સમૂહ-હિતના નામે વ્યક્તિ-હિત પર આઘાત કરનાર લોકોને માત્ર પોતાના હિતની ચિંતા હોય છે. અને પોતાના આવા અતિક્રમણ કરનાર હિત માટે અને સ્વતંત્ર વ્યક્તિના હિતનું અપહરણ કરવા ખાતર 'સમાજ-હિત' નામની બુકાની પાછળ મોઢું છુપાવીને આ ‘સમાજપ્રેમી' સામ્યવાદીઓ ફરતા હોય છે. ભીરુ અને લોભી માણસો ધનનિર્મિતિ કરવાની બદલે ધનનિર્મિતિ કરનાર સ્વતંત્ર માનવીને બાનમાં રાખી બલપ્રયોગથીએ સંપત્તિ લૂંટી લેવા માગે છે, યા તો લાચાર બની ભીખની ઇચ્છા રાખે છે. સ્વતંત્ર વૃત્તિની કોઈપણ બે વ્યક્તિ ધનસંપત્તિનો કેવળ વિનિમય (Exchange) યા વ્યાપાર (Trade) કરી શકે છે. આ સ્વતંત્રતાના લીધે જ 'વૈશ્યવૃત્તિ' એ સર્વશ્રેષ્ઠ વૃત્તિ છે. આવી વૈશ્યવૃત્તિનું ઉદ્ગાન એ જ એન રૅંડના વેદાન્તનો સાર છે.

પૂર્વ યુરોપના દેશો અને રશિયામાં પાછલા ૮-૧૦ વર્ષોમાં થયેલી અભૂતપૂર્વ આર્થિક અને વૈચારિક ક્રાંતિનું સ્પષ્ટ નિરૂપણ કરવું હોય તો એન રૅંડના ‘અર્થ-વેદ'નો આધાર લેવો જ પડે. રાજકીય ગુલામગીરીનું મૂળ આર્થિક વ્યવહારનાં તત્ત્વજ્ઞાનમાં છે, આ વિચાર તો કાર્લમાર્ક્સ પણ કહી ગયો. પણ માર્ક્સવાદના પરાભવનું કારણ છે એણે કરેલી કારણ અને પરિણામની ગફલતમાં. માનવ સમાજ ગરીબ હોય તો ગુલામ થાય છે એવું એમનું શીખવણ. પણ એન રૅંડ કહે છે કે માણસનું મન ગુલામી સ્વીકારે છે એટલે એ ગરીબ થાય છે. ગરીબ રહે છે. પૂરા સમાજને સમૃદ્ધ થવું હશે તો એ સમાજની પ્રત્યેક વ્યક્તિને સ્વાતંત્ર્ય-આર્થિક વ્યવહારનું સ્વાતંત્ર્ય આપો. પહેલા વ્યક્તિ સમૃદ્ધ થવા દો, સમાજ એની મેળે જ સમૃદ્ધ થશે. એમ ન કરી જો તમે વ્યક્તિ પર વધુ ને વધુ બંધનો નાખવા જશો તો માત્ર એ વ્યક્તિ જ નહીં પણ પૂરો સમાજ ગરીબ, લાચાર અને હીન થતો જશે. સોવિયેત રશિયાએ સામ્યવાદનો આશ્રય લઈ નવી સમાજરચના કરવાનો પ્રયાસ ૭૦ વરસ સુધી કર્યો. લાખો લોકોનું બલિદાન લીધું, લાખો સંસાર હોમાયા, દેશની પૂરી પ્રજાનું સ્વાતંત્ર્ય પૂરી રીતે કચડી નાખ્યું અને દુનિયાની પ્રથમ નંબરની આર્થિક સત્તા મેળવવાનું સપનું લોકોની સામે નચાવ્યું. આજે એની દશા દયાજનક છે. સમાજવાદ અને લોક-કલ્યાણકારી રાજ્યના નારા ૪૦-૪૫ વરસો પ્રજાને સંભળાવનાર ભારત દેશમાં પણ ગરીબી હટવાને બદલે વધતી જાય છે, લોકોનું આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્ય રોજે એક ડગલું પાછળ જાય છે. એનાં ખરાં કારણ જાણવાનો સમય હવે આવેલો છે. એન રૅંડના અર્થ-વેદનો મંત્ર અપનાવવાનો સમય આવેલો છે. રાજ્ય-યંત્રણા (State)નું કામ છે કેવળ સમાજશાંતિ રાખવાનું; બે સ્વતંત્ર વ્યક્તિ વચ્ચેના વિનિમયમાં વિવાદ પેદા થાય તો પક્ષપાત કર્યા વગર, ગરીબ-અમીરનો વિચાર કર્યા વગર એનો ચુકાદો આપવાનું સ્વતંત્ર વ્યક્તિઓના ઐચ્છિક સમૂહને સંમત હોય એવા વ્યક્તિકેન્દ્રિત, વ્યક્તિલક્ષી, વ્યક્તિનિષ્ઠ કાયદા કરવાનું; ભીરુ, હીન, દીન, લોભી વ્યક્તિઓની જગ્યાએ શૂર, દિલદાર, સમૃદ્ધ અને સાચી 'સ્વાર્થી' વ્યક્તિઓનું નિર્માણ થાય એવી અર્થ-રચના, સમાજરચના, રાજ્યયંત્રણાનુ ઘડતર થવા દેવાનું.

કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે.

અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે.

નિરંજન ભગત - સંસ્મરણો

Source: બુદ્ધિપ્રકાશ, જૂન 2026

— શૈલેશ પારેખ

સમયના સતત વહેતા પ્રવાહમાં સાથે માણેલી ક્ષણો ક્યારે સંસ્મરણોમાં સંતાઈ જાય તે જાણવું કે સમજવું મુશ્કેલ છે, પણ જે સંસ્મરણો સાંપ્રતના સતત સાથી અને અનાગતનું પાથેય બની રહે તેને અતીતની દિવ્ય સોગાદ કહેવાય. મારે માટે નિરંજન ભગત આવી અતીતની સોગાદ જ હતા.

મારો ગુજરાતી સાહિત્ય સાથેનો સંબંધ ૧૯૬૦માં પૂરો થઈ ગયો હતો. છેલ્લે પ્રોફેસર મધુસૂદન કાપડિયા પાસે દર્શકની એકાધિક નવલકથાઓ સાંભળી હતી - જોકે પરીક્ષામાં પ્રશ્નો આવવાના હતા સરસ્વતીચંદ્ર અંગે! પણ સ્નેહરશ્મિએ સિંચેલ માનસમાં કે પછી પૂર્વજોએ રોપેલાં બીજમાં સાહિત્યના સંસ્કાર પડ્યા હશે તેથી પ્રસંગોપાત્ત થતી અનુભૂતિની અભિવ્યક્તિ થયા કરતી. તે ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં, તેને નોટમાં ટપકાવી લેવાની વૃત્તિ કદાચ સ્વભાવગત હશે. ગમે તે કારણસર પણ વખતોવખત લખેલું એક નોટમાં સચવાયું હતું. ૧૯૮૦ના દાયકામાં નિરંજન ભગતની વિદ્યાર્થિની રહી ચૂકેલી, મારી પત્ની, વંદનાના આગ્રહથી તે નોટ નિરંજનભાઈને વાંચવા આપી. થોડા દિવસ પછી તેમનો સમય લઈને તેમને મળ્યા, તે મારી તેમની સાથેની પહેલી મુલાકાત. તે સમયે મારી ઉંમર ચાલીસેકની અને તેમની ૫૫/૬૦ની. તેમનો પ્રશ્ન હતો, 'આટલું જ લખ્યું છે?' મારી 'હા'ના જવાબમાં - ‘તો લખવાની ગુણવત્તા સારી કહેવાય, વધારે લખો.’ ન કોઈ વિશ્લેષણ, સલાહ-સૂચન કે સુધારાવધારા! મને તો થયું કે આ મિતભાષી કવિએ પૂરું વાંચ્યું હશે કે કેમ! પણ નોટમાં જોતાં ખબર પડી કે પહેલેથી છેલ્લે સુધી વાંચ્યું હતું અને ખરા અને ખોટાની નિશાની ઘણી જગાએ દેખાતી હતી.

પછી એક વાર હઠીસિંગ ગૅલરીમાં તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયો હતો - કલાકેકનો સમય ફાળવીને. અદ્ભુત અનુભવ - થાય કે વક્તા બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. વક્તૃત્વની કળા આત્મસાત કરી હોય તેવો વાણીનો પ્રવાહ, રસપ્રદ, સચોટ અને આશ્ચર્યજનક હકીકતો - પ્રાચીન અને અર્વાચીન, પૂર્વના અને પશ્ચિમના સાહિત્યમાંથી સમૃદ્ધ અવતરણો અને ઉદાહરણો - જાણે જ્ઞાનના ઘૂઘવતા દરિયામાં શ્રોતા તરબોળ થઈ જતો હતો. એકને બદલે બે કલાકે કમને નીકળી જવું પડ્યું. થયું કે આવા સરસ વક્તાએ પહેલેથી સમય મર્યાદા બાંધવી જોઈએ અને તે જાહેર કરવી જોઈએ. પછીથી તો અનેક વાર રઘુવીરભાઈ પાસેથી સાંભળ્યું છે કે ટૂંકમાં બોલવાનું કહેવું એટલે ભગત સાહેબની પરીક્ષા લેવી!

આવી અલપઝલપ મુલાકાતો પછી અમારા સંબંધસેતુનો આરંભ થયો ૯૦ના દાયકાના અંત ભાગમાં. હું રવીન્દ્રનાથનાં કાવ્યોનો અંગ્રેજીમાંથી અનુવાદ કરતો હતો તે નિરંજનભાઈના તેમ જ અમારા પારેખ પરિવારના પરમ મિત્ર, નિકુલભાઈ નાયકે (અમેરિકાસ્થિત ગુજરાતી કવયિત્રી, પન્ના નાયકના પ્રથમ પતિ), તેમને બતાવ્યા અને અમારી મુલાકાત ગોઠવી. રવીન્દ્રનાથની વાત આવી ત્યારે પેલા મિતભાષી કવિ અદૃશ્ય થઈ ગયા અને મારી સામે આવ્યા એક પ્રખર રવીન્દ્રવિદ્ અને રવીન્દ્ર-અનુરાગી. આ પહેલી જ મુલાકાતમાં મને તો ખાતરી જ થઈ ગઈ હતી કે મને તો મારી રવીન્દ્રયાત્રાના પથદર્શક મળી ગયા હતા. ત્યારથી જ તેઓ મારે માટે 'પાંથજનેર સખા' હતા. જોકે તેમણે પણ મને તેમની રવીન્દ્રયાત્રાનો યોગ્ય સહભાગી માન્યો છે એવી જાણ મને ઘણા સમય પછી થઈ હતી.

અમારી મુલાકાતો વધતી ગઈ અને દરેક મુલાકાતના કેન્દ્રમાં હોય રવીન્દ્રનાથ કે રવીન્દ્રસાહિત્ય. રવીન્દ્રનાથનું જીવન હોય કે રવીન્દ્રનાથનું સાહિત્ય હોય કે પછી રવીન્દ્રનાથના વિચારો હોય - નિરંજનભાઈની હકીકતોની જાણકારી અને પોતાના આગવા વિશ્લેષણથી હું પ્રભાવિત થતો ગયો. તેમના માર્ગદર્શન નીચે ધીરે ધીરે મારો રવીન્દ્રસાહિત્યનો સંગ્રહ સમૃદ્ધ થતો ગયો. એમની વાતો સાંભળતા મને થયા કરતું કે તેમણે ગુજરાતમાં રવીન્દ્રનાથની વધારે વાત કરવી જોઈએ અને તે હું તેમને કહ્યા પણ કરતો.

તેમણે એકથી વધારે વાર કહ્યું અને લખ્યું છે કે તેમની લેખન પ્રવૃત્તિના મૂળમાં રવીન્દ્રનાથ હતા. માટે એ વાત હું વધારે વિગતે નહીં કરું. એક દિવસ અચાનક તે બોલ્યા કે મને લાગે છે કે મારે રવીન્દ્રનાથનું ઋણ ચૂકવવા મારાં અંતિમ વર્ષો તેમને અર્પણ કરવા છે. તે માટે શું કરવું તેની ચર્ચામાં એક દિવસ તેમણે કહ્યું કે આપણે આ કામ માટે આપણી સાથે ભોળાભાઈ પટેલને જોડવા જોઈએ.

આખરે જે દિવસે ભોળાભાઈની હાજરીમાં રવીન્દ્રભવનના સ્વપ્નને આકાર અપાયો તે દિવસ આખા જગતને પણ આજે યાદ છે. તે દિવસે, ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ - અમે ત્રણે જણ ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જમીનદોસ્ત થતું જોતાં જોતાં રવીન્દ્રભવનના પ્રથમ કાર્યક્રમને અને કવિના સ્વપ્નને આકાર આપતા હતા.

જ્યાં રવીન્દ્રનાથ કે તેમના સાહિત્યની વાત થાય તે રવીન્દ્રભવન અને તેને કોઈ નામું કે સરનામું નહીં હોય. આવા પ્રકલ્પનો આરંભ કરવા ૭મી મે, ૨૦૦૨, રવીન્દ્રનાથની ૧૪૧મી જન્મજયંતી - આ શુભ દિવસે એક ભવ્ય કાર્યક્રમ શાહજહાંના શાહીબાગ સ્થિત મહેલમાં - જ્યાં રવીન્દ્રનાથ ૧૭ વર્ષની વયે ત્રણેક માસ રહ્યા હતા - યોજવો. તે દિવસે તપન સિંહા દિગ્દર્શિત અને રવીન્દ્રનાથ લિખિત ફિલ્મ, 'ક્ષુધિત પાષાણ', બતાવવી. આ ફિલ્મની વાર્તાની પ્રેરણા રવીન્દ્રનાથને આ મહેલમાં રહેતી વખતે મળી હતી. એક નામા અને સરનામા વિનાની સંસ્થા માટે આ એક ભવ્ય કાર્યક્રમ જ નહીં પણ એક ભવ્ય સ્વપ્ન પણ હતું! તે દિવસોમાં, જ્યારે ડિજિટલ ઉપકરણોનો વિકાસ ચાલી રહ્યો હતો અને ડીવીડી કે પેન-ડ્રાઇવ ઉપલબ્ધ ન હતાં, ત્યારે ફિલ્મ બતાવવા માટે તેની પ્રિન્ટ મેળવવી, પ્રોજેક્ટર ભાડે લઈ આવવું. વગેરે માટે સમયબદ્ધ આયોજન અને અનેક સંસ્થાઓનો સહયોગ આવશ્યક હતો, પણ અહીં તો રવિની પાર જનાર કવિનું રવિને પામવાનું સ્વપ્ન હતું!

વચ્ચે ફેબ્રુઆરીના અંતમાં આવી ગઈ ગોધરાની ટ્રેન અને અમદાવાદ રહેંસાઈ ગયું. આવા સંજોગોમાં કાર્યક્રમ માંડી વાળવો પડયો. પણ ૭મી મે, ૨૦૦૨ના દિવસે રવીન્દ્રભવનની સ્થાપના તો થઈ - રવીન્દ્ર સંગીત, ‘નૈવેદ્ય' અને 'ગીતાંજલિ' ઉપર નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલનાં વ્યાખ્યાનો અને ૧૯૬૧માં સત્યજિત રાયે બનાવેલી રવીન્દ્રનાથની દસ્તાવેજી ફિલ્મ સાથે ખીચોખીચ ભરેલા ગજ્જર હૉલમાં જાહેર કરવામાં આવ્યું કે દર માસના પહેલા બુધવારે રવીન્દ્ર ભવનનો કાર્યક્રમ થશે અને રસ ધરાવતા સૌને કાર્યક્રમની વિગતોની જાણ કરવામાં આવશે. પછીના સોળેક વર્ષમાં ૧૭૫થી વધારે કાર્યક્રમો થયા - મોટા ભાગે વ્યાખ્યાનો, બહુધા પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં. સાથે રવીન્દ્ર સંગીત, ફિલ્મ, દૃશ્ય-શ્રાવ્ય, આંતરરાષ્ટ્રીય સેમિનારનું પણ આયોજન થયું. વિશ્વકોશના સભાગૃહનો પણ લાભ મળ્યો અને સાબરમતી આશ્રમમાં પણ બે કાર્યક્રમ થયા.

બધા જ આયોજનમાં નિરંજનભાઈ સાથે જ હોય. તેમની પ્રતિષ્ઠા અને પ્રતિભાને કારણે દરેક વ્યક્તિ તેમ જ સંસ્થા તરફથી તરત જ અત્યંત આદરપૂર્વક સહકાર મળે. આવા થોડા કાર્યક્રમોની અવિસ્મરણીય વાતો કરવાનો લોભ હું જતો નહીં કરી શકું.

જુલાઈ ૨૦૦૧માં નિરંજનભાઈ લંડન ગયા હતા અને ત્યાં તેઓ સુવિખ્યાત રવીન્દ્રવિદ્ અને અનુવાદક વિલિયમ રેડીચીને મળ્યા અને તેમને તેમની ભાવિ ભારતયાત્રા દરમિયાન અમદાવાદ આવવા નિમંત્રણ આપ્યું. જ્યારે રેડીચીએ તે નિમંત્રણ સ્વીકારતાં જણાવ્યું કે તેઓ ફેબ્રુઆરી ૨૦૦૨માં અમદાવાદ આવી શકશે, ત્યારે પેલા માંડી વાળેલા ભવ્ય કાર્યક્રમનું સ્વપ્ન જાગી ઊઠ્યું. ચોરાણું વર્ષના રમણલાલ સોનીના પ્રમુખપદ નીચે શાહીબાગના મહેલમાં રેડીચીનું વ્યાખ્યાન અને પછી 'ક્ષુધિત પાષાણ' ફિલ્મ બતાવીને કવિનું સ્વપ્ન સાકાર કર્યું. ત્યાર બાદ રેડીચી બીજી બે વાર અમદાવાદ આવ્યા હતા અને કાયમ કહેતા કે શાહજહાંના મહેલમાં કરેલા વ્યાખ્યાન જેટલો મોટો શ્રોતાગણ તેમને બીજે ક્યાંય મળ્યો ન હતો!

રવીન્દ્રભવનના નેજા નીચે રવીન્દ્રનાથની જન્મજયંતી અથવા મૃત્યુતિથિને દિવસે કોઈ વિશિષ્ટ કાર્યક્રમ કરવો એમ નક્કી કર્યા પછી રવીન્દ્રનાથના જીવનના પ્રસંગો ઉપર આધારિત પાંચ દૃશ્ય-શ્રાવ્ય વાચિકમના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા, જેમાંથી તેમણે ચારમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. રિહર્સલ માટે હંમેશાં તૈયાર અને નિયમિત તેમ જ નિષ્ઠાપૂર્વક ભાગ લેવો. અત્યારે મને યાદ આવે છે તે સમયની એક વાત. રવીન્દ્રનાથના એક ભાભીનું નામ હતું જ્ઞાનદાનંદિની દેવી.

નિરંજનભાઈને આ નામ બોલવામાં તકલીફ પડે અને હંમેશાં બેચાર વખત સુધારીને બોલવું પર ત્યારે તે હસતાં હસતાં કહેતા કે હવે મને સમજાય છે કે આ બંગાળીઓ ડાકનામ એટલે કે બોલાવવાનું હુલામણું નામ કેમ રાખે છે - આવા લાંબાલચક અને અઘરા નામે કોઈને શી રીતે બોલાવાય? આ દૃશ્ય-શ્રાવ્ય વાચિકમ જ્યારે ૨૦૧૦માં અમેરિકામાં ભજવ્યાં ત્યારે પણ ફરીથી રીહર્સલ માટે પહેલા જેટલી જ નિષ્ઠા અને ઉત્સુકતા તેમણે દાખવી હતી.

સાબરમતી આશ્રમમાં રજૂ થયેલા બે કાર્યક્રમ માટે આયોજનમાં ઊંડો રસ લઈને બધી જ વિગતો નક્કી કરતા અને બહારગામથી આવતા અતિથિને ઍરપૉર્ટ ઉપર લેવા જવાથી માંડીને તેમના ઉતારા સુધી મૂકી જવાની મહેમાનગતિ ઉત્સાહપૂર્વક નિભાવતા. યાદ રાખવું જોઈએ કે આ વખતે તેઓ ૮૦ પાર કરી ચૂક્યા હતા. ત્યાં રજૂ થયેલા ગાંધી-ટાગોર નાટકના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન તેમણે જાતે કર્યું હતું. જ્યારે તેમને કહેતા કે હવે તમારે બીજાને કામ સોંપવું જોઈએ ત્યારે કહેતા કે રવીન્દ્રનાથ માટે કરેલું કોઈ પણ કામ નાનું નથી હોતું.

૨૦૦૬માં અમે રવીન્દ્રનાથના પગલે બંગાળ અને બાંગ્લાદેશની મુસાફરી સાથે કરી હતી. આખી મુસાફરી દરમિયાન એકવાર પણ અમને તેમની ૮૦ વર્ષની વયનો ખ્યાલ આવ્યો ન હતો. બિલકુલ સ્વનિર્ભર અને સ્વાવલંબી - કોઈ પણ વાતમાં અમારે તેમનું ધ્યાન રાખવું પડ્યું નહતું. નક્કી કરેલા સમયે સ્ફૂર્તિભર્યા ચહેરા સાથે તૈયાર અને આખા દિવસ દરમિયાન એ જ ઉત્સાહ, જેનાથી આપણો પણ થાક ઊતરી જાય.

કલકત્તામાં શંખ ઘોષ (જેમનો પરિચય આવશ્યક નથી), શાંતિનિકેતનમાં પ્રશાંતકુમાર ડાલ (રવીન્દ્રનાથના જીવનચરિત્રકાર), ઢાકામાં મોફિદુલ હોક (ત્યાંનાં વૉર મેમોરિયલ મ્યુઝિયમના સ્થાપક), સંજીદા ખાતુન (ત્યાંના અગત્યના સાંસ્કૃતિક સંસ્થાન, છાયાનટના તત્કાલીન પ્રમુખ) તેમ જ ઢાકા યુનિવર્સિટીના અધ્યાપકોને અમે મળ્યા હતા. આ બધાંની સાથે નિરંજનભાઈની જ્ઞાનાગોષ્ઠિ સાંભળવા હું ઉત્સુક હતો. પણ ત્યાં મેં નિરંજનભાઈને પહેલી અને કદાચ છેલ્લી વાર એક મૂક શ્રોતાના અવતારમાં જોયા! તેમનું આ સ્વરૂપ સમજી કે સમજાવી શકાય તેમ નથી. કદાચ તેઓ આખી મુસાફરી દરમિયાન તે રવીન્દ્રનાથને શોધતા રહ્યા હશે -તેમના કલકત્તા અને શાંતિનિકેતનના રહેઠાણોમાં, તેમના વિદ્યાસંકુલમાં, તેમની કર્મભૂમિમાં - ને અંતે તેમને શોધી કાઢ્યા એક નવી કવિતામાં – ‘કવિ તમે ક્યાં છો?’, જેમાં તેમણે લખ્યું :

જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં 

શિશુઓ ફૂલની જેમ ખૂલતાં-ખીલતાં હોય, 

જ્યાં કૈંક ચારુલતાઓનાં છાનાં આંસુથી 

એમની સાડીનો પાલવ ભીંજાતો હોય, 

જ્યાં મનુષ્ય ભયશૂન્ય ચિત્તે 

ઉચ્ચ શિરે વિચરતા-વિહરતા હોય, 

'સબાર પિછે, સબાર નીચે’ 

'સબહારાદેર માઝે' જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય, 

ને ખેડૂતો ‘જેથાય માટિ ભેંગે કરે છે ચાષા-ચાષ', 

મજૂરો ‘પાથર ભેંગે કાટ્છે જેથાય પથ', 

ને જ્યાં 'સામ્રાજ્યેર ભગ્નશેષ પરે 

ઓરા કાજ કરે', 

જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય, 

જ્યાં પદ્મા શાન્ત ગભીર ગતિથી વહેતી હોય, 

જ્યાં વાયુ ખુલ્લાં ખેતરો વચ્ચે લહેરાતો હોય, 

જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મ્હોરતી હોય, 

જ્યાં વસંત પણ રુદન કરતી હોય, 

જ્યાં શાન્ત મૂગાં વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતાં હોય, 

જ્યાં બલાકાની પાંખની ‘હેથા નય અન્ય કોથા' 

વ્યાકુલ વાણીની સાથે સમગ્ર વિશ્વ ઊડતું હોય, 

કવિ! કહો, તમે ત્યાં ત્યાં નથી? 

હા, કવિ! તમે ત્યાં ત્યાં છો.

હવે તો મારે આવા, ‘બસ, ફરવા આવેલા’ કવિ સાથે 'હાથ મેળવવાનું' (અને કેળવવાનું) સદ્ભાગ્ય પ્રાપ્ત કરવા માટે દિવ્ય તત્ત્વનો અભાર માનવાનો અને તેમના 'ઘડીક સંગ'ના સંસ્મરણોને વાગોળતા પૂછ્યા કરવાનું, ‘કવિ, તમે ક્યાં છો?’

સંપાદક હો તો આવા

Source: સંચયન

— જયંત મેઘાણી

આજથી વીસેક વરસ પહેલાં એક જુવાન મુંબઈના ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના મહાલયમાં સંકોચ ભરેલા ડગ સાથે પ્રવેશ કરતા હતા. વિદ્વત્તાના ક્ષેત્રમાં એમનાં પગલાં તાજાં હતાં. એ કાળે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ભારતના નવઅભ્યાસીઓનું જાણે દેવળ હતું. અહીં બુલંદ વિદ્વાનોની આવનજાવન હતી. આ ભવનનાં પગથિયાં ચઢી શકનાર અભ્યાસી ખુદને મોટો વિશિષ્ટાધિકાર મળ્યો હોય એવું ગૌરવપિચ્છ ધારણ કરીને વિચરતો. કોણ હતા એ જુવાન? આજે, બે દાયકા પછી તો જગતના નવવિદ્વાનોની પંગતમાં જેમનું માનવંતુ સ્થાન છે તે રામચંદ્ર ગુહા, હા, એ પોતે. જે રામચંદ્ર ગુહા આજે પુસ્તક લખવા ધારે છે તેની જાણ થતાં જ પ્રકાશક તેને આગોતરો પુરસ્કાર આપીને પુસ્તક પોતાનું કરી લે છે એ વિદ્વાને પોતાની લેખન-કારકિર્દીના આરંભની એક વાત કરી છે તેમાં આપણને રસ પડે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી રામચંદ્ર ગુહાને એક જીવનચરિત્ર લખવાનું કામ સોંપાયું : વેરીઅર એલ્વિનનું. એલ્વિનસાહેબ હિંદુસ્તાન આવ્યા તો હતા ખ્રિસ્તી મિશનરી તરીકે, પણ એમને રસ પડ્યો આ દેશની ભાતીગળ આદિવાસી પ્રજામાં. મોટા માનવવંશ-અભ્યાસી બન્યા, એમનો રસ દેશની આદિવાસી સંસ્કૃતિમાં ઊંડો ને વ્યાપક નીવડ્યો અને કેટલાક બીજા અંગ્રેજોની માફક આ ધરતીના પનોતા પુત્ર બની રહ્યા. એક આદિવાસી કન્યા સાથે જીવન જોડ્યું. હિંદુસ્તાન સાથે ઓતપ્રોત થયા. રામચંદ્ર ગુહાએ આવી વ્યક્તિના જીવનને અક્ષરમાં આલેખવાનું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના એક મિત્ર-મોવડી સાથે આ એલ્વિનને બહોળો પત્રવ્યવહાર થયેલો એ ગુહાને સોંપવામાં આવ્યો. એલ્વિનના જીવનની બીજી અપરંપાર સામગ્રી લઈને ગુહા એમનું ચરિત્ર લખવા બેઠા. એમની આજ સુધીની તાલીમ વિદ્વાનની – ‘સ્કૉલર'ની – હતી. એટલે એમણે તો પોતાની બધી વિદ્વત્તા ઠાલવીને લખાણ કર્યું. એ દળદાર મુસદ્દો એમણે એમના સંપાદકને ધર્યો. પુસ્તકના પરખંદા એ સંપાદકે હસ્તપ્રત વાંચીને એટલું જ કહ્યું : 'ફાડી નાખો આ બધું. તમારે સમાજશાસ્ત્રનો ગ્રંથ નથી લખવાનો, જીવનચરિત્ર લખવાનું છે.’ એ હોંશીલા નવ-વિદ્વાન કેવા નાસીપાસ થયા હશે! પણ ધૈર્ય ધરીને એણે પોતાની નોંધપોથીઓ ફરી ખોલી, અને સંપાદકે સૂચવ્યું હતું તેમ પોતાના ચરિત્રનાયક વિશેની બધી વિગત કાળક્રમે નિરૂપીને નવો મુસદ્દો લખ્યો. સંપાદકે આ મુસદ્દો જોઈને કહ્યું, ‘વિદ્વાન અને સાર્વજનિક જીવનના બુદ્ધિવંત માણસ તરીકે તમે એલ્વિનનું આલેખન સરસ કર્યું છે, પણ આમાં એક માનવી તરીકે એલ્વિન કેવા હતા તેની તો વાત જ નથી આવતી. એ લખો.’ પછી રામચંદ્ર ગુહા કહે છે, ‘હું ફરી પાછો કુટુંબીઓ અને મિત્રો સાથેનો એલ્વિનનો પત્રવ્યવહાર ઝીણવટથી જોઈ ગયો ને નવો મુસદ્દો મારા સંપાદકને ધર્યો.’ સંપાદક મહાશયે કહ્યું, આ, એલ્વિન એક પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે કેવા હતા એ તમે બરાબર ઉપસાવ્યું, પણ આમાં લેખક અને વિવાદવીર એલ્વિન હજુ ખૂટે છે.’ લેખનશૈલી અંગેનાં સૂચનો પણ સંપાદકે આપ્યાં. અને રામચંદ્ર ગુહાએ પોતાની હસ્તપ્રત ચોથીવાર લખી. હવે આ મુસદ્દો એકંદરે બરાબર થયો, સ્વીકાર પામ્યો, તો પણ સંપાદકે કેટલાક એવા સંદર્ભો ઉમેર્યા કે જેથી લાગે કે ઈતિહાસજ્ઞ લેખક આધુનિક કવિતા અને સંગીતના પણ અચ્છા જાણકાર છે! બચુભાઈ રાવતનું સ્મરણ કરાવે એવા કોણ હતા એ સંપાદક? આજે ભારતના સન્માન્ય પ્રકાશક તરીકે દેશ-વિદેશમાં જેમની ખ્યાતિ છે એ પર્મેનન્ટ બ્લૅકના કર્ણધાર રુકુન અડવાની. અંગ્રેજી સાહિત્યમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવીને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રેસમાં સંપાદક બન્યા, અને આજે ભારતના એક અવલ દરજ્જાના ગ્રંથ-સંપાદક ગણાય છે. હિમાલયને ખોળે રમણીય રાનીખેતમાં એ અને એમનાં પત્ની અનુરાધા રૉય પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનોનું સંપાદન કરે છે. પોતાનાં પુસ્તકોનું રુકુન અડવાનીનો સંપાદન-સ્પર્શ મળે એ માટે વિદ્વાનો આતુર હોય છે. ઑક્સફર્ડ કે હાર્વર્ડના પ્રકાશિત અભ્યાસગ્રંથો જેમ સો ટચના સુવર્ણ જેવી મુદ્રા ધરાવે છે તેવી જ પ્રતિષ્ઠિત મુદ્રા પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનો પણ ધરાવે છે.

રામચંદ્ર ગુહાએ લખેલું વેરીઅર એલ્વિનનું એ જીવનચરિત્ર બહાર પડ્યું ત્યારે એક સમીક્ષકે કહ્યું હતું કે લેખકે ભારતીય પ્રકાશન-પરિસરના નકશામાં જીવનચરિત્રને મૂકી આપ્યું છે, એલ્વિનને માનવવંશવિદ્યાના ઉપાસક તરીકેની શુષ્ક ખ્યાતિમાંથી ઉગારીને એમને એક મહાન ભારતચાહક અંગ્રેજ તરીકેની વ્યાપક ઓળખ આપી છે. વિકસિત પ્રકાશન-વ્યવસાયમાં સંપાદકનો દરજ્જો શો હોય છે, કુશળ સંપાદક સામગ્રીની કેવી માવજત કરે છે, તેની કેવી કાયાપલટ કરી આપે છે તેના ઉદાહરણ રૂપે રામચંદ્ર ગુહા અને રુકુન અડવાનીનો આ કિસ્સો આપણા લેખન-પ્રકાશન ક્ષેત્રે માટે સૂચક છે.

જ્ઞાનનો સૂર્યોદય

Source: ગુજરાત સમાચાર

— ભવેન કચ્છી

આજનો યુગ માહિતી અને સંચારનો યુગ છે, સવાર પડે અને સ્માર્ટફોનની સ્ક્રીન અનલોક થાય ત્યારથી જ 'સુવિચારો'નો એવો તો વરસાદ શરૂ થાય છે કે જાણે આખી દુનિયા રાતોરાત સંત બની ગઈ હોય! સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પ્રેરણાત્મક લેખો, સદ્ગુણો કેળવવાની શીખ આપતા સુવાક્યો અને ઉમદા જીવન જીવવાની દૃષ્ટિ માટેનું માર્ગદર્શન આપતી હજારો પોસ્ટ્સ રોજ ફોરવર્ડ થતી રહે છે. કથાઓ અને પ્રવચનોના મંડપો પણ ભરાયેલા રહે છે. પરંતુ આ ભભકાદાર ચિત્રની પાછળ એક બહુ મોટી વિડંબના છુપાયેલી છે : જે વ્યક્તિ આ ઉપદેશો વહેંચી રહી છે, તે પોતે એમ જ માની બેઠી છે કે તે પોતે તો પરફેક્ટ છે, અને આ બધો બોધ માત્ર સામેવાળા માટે જ છે! ખરેખર આ પોસ્ટ તો તેને સુધરવા માટે અત્યંત જરૂરી હોય છે.

પ્રદર્શનનું સાધન

જ્યારે જ્ઞાન માત્ર પ્રદર્શનનું સાધન બની જાય અને આચરણ શૂન્ય થઈ જાય, ત્યારે વ્યક્તિ, પરિવાર અને સમાજનું પતન નિશ્ચિત બને છે.

વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા એ નથી કે લોકો પાસે જ્ઞાન નથી, પણ સમસ્યા એ છે કે લોકો પાસે 'ભ્રમિત જ્ઞાન' છે. એટલે કે જેમાં અજ્ઞાની વ્યક્તિ પોતાની જાતને સૌથી વધુ જ્ઞાની માને છે. આપણા શાસ્ત્રોએ આને 'અહંકાર', અજ્ઞાન અને 'અવિદ્યા' તરીકે ઓળખાવ્યો છે.

આવા લોકો જ્યારે કોઈ પ્રેરણાદાયી વાર્તા કે કથા સાંભળે છે, ત્યારે તેમનું મગજ તરત જ એ બોધને પોતાના જીવન પર લાગુ કરવાને બદલે, પોતાના પરિવારના કોઈ સભ્ય કે સમાજની કોઈ વ્યક્તિ પર ફિટ કરવા લાગે છે. તેઓ વિચારે છે : 'હા, આ વાર્તા કે સુવાક્ય મારા પેલા સંબંધી, પરિવારના સભ્ય કે મિત્રને મોકલવા જેવું લાગે છે. મેસેજનો મર્મ કે બોધ તેને એકદમ બંધબેસતો છે. પોતે તો દૂધે ધોયેલા જ છે એવો આત્મસંતોષ તેમને ક્યારેય સુધરવા દેતો નથી.

અજ્ઞાનનો અંધકાર

કઠોપનિષદમાં એક વિચારપ્રેરક શ્લોકનો અર્થ એમ થાય છે કે ‘જેઓ અજ્ઞાનના અંધકારમાં જીવી રહ્યા છે, છતાં પોતાની જાતને બહુ બુદ્ધિશાળી અને પંડિત માને છે તેઓ અંગત જીવનમાં ક્યારેય સુખ શાંતિ ન અનુભવી શકે.

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરવાના આવા ચેમ્પિયન જ્ઞાનીઓ બરાબર આ વ્યાખ્યામાં ફિટ બેસે છે. તેઓ પોતાની નબળાઈઓ પ્રત્યે એટલા અજ્ઞાન છે કે તેઓ કળી જ નથી શકતા કે જે ઉપદેશ તેઓ ટાઈપ કરી રહ્યા છે, તે સૌથી પહેલાં તેમના પોતાના હૃદયના પરિવર્તન માટે છે.

ડિજિટલ સાધુતા

આજના સમયમાં સદાચારી દેખાવું એ સદાચારી હોવા કરતાં વધુ સરળ થઈ ગયું છે. અને આવા લોકો જ સમાજમાં ખણખણતા રૂપિયાની જેમ ચાલી જતા હોય છે તેથી બીજા લોકો પણ તેવા જ બનવાનો પ્રયત્ન કરે છે. એક સુંદર ધાર્મિક ફોટો, પાછળ વાગતું મધુર સંગીત અને નીચે લખેલો ત્યાગ કે ક્ષમાનો સંદેશ - બસ, આટલું કરવાથી સમાજમાં તમારી છબી 'ધાર્મિક' અને 'સંસ્કારી' વ્યક્તિ તરીકેની ઊભી થઈ જાય છે. આને જ 'બાહ્ય દંભ' અથવા લૌકિક અહંકાર

કહેવામાં આવે છે.

પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે જે વ્યક્તિ સવારે વોટ્સએપ પર 'ક્રોધ ન કરવો જોઈએ' એવો મેસેજ ફોરવર્ડ કરે છે, તે જ વ્યક્તિ અડધા કલાક પછી શાકભાજીવાળા સાથે બે રૂપિયા માટે ઝઘડો કરતી હોય છે કે પોતાના ઘરના નોકર પર બરાડા પાડતી હોય છે. જે વ્યક્તિ 'માતા-પિતાની સેવા એ જ પરમેશ્વર' એવું સ્ટેટસ મૂકે છે, તેના જ ઘરમાં વૃદ્ધ માતા-પિતા એકલતા અને ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે.

ભગવદ્ ગીતામાં ચેતવણી

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આવા દંભીઓ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ‘જે મનુષ્ય બહારથી પોતાની કર્મેન્દ્રિયોને રોકી રાખે છે, પરંતુ મનથી ઇન્દ્રિયોના ભોગોનું ચિંતન કરતો રહે છે, તેને દંભી અથવા મિથ્યાચારી કહેવામાં આવે છે.’

જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે મિથ્યાચારમાં જીવે છે, ત્યારે તે પોતાની નજરમાં ક્યારેય ગુનેગાર નથી બનતી, કારણ કે તેનો અહંકાર તેને સતત એવું આશ્વાસન આપતો રહે છે કે ‘હું તો સમાજને સુધારવાનું મોટું કામ કરી રહ્યો છું!'

આત્મનિરીક્ષણનો અરીસો

જો સમાજનો દરેક નાગરિક એમ જ માનવા લાગે કે તે પોતે જ સાચો છે અને બાકીના બધામાં ખામી છે, તો પ્રગતિનો રસ્તો હંમેશા માટે બંધ થઈ જાય છે. આધ્યાત્મિકતા અને માનવતાનો પહેલો નિયમ છે : આત્મ-નિરીક્ષણ

જ્યારે આપણે કહીએ છીએ કે 'બધા પોતાને પરફેક્ટ માને છે', ત્યારે તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ પોતાની અંદર ડોકિયું કરવા તૈયાર નથી. સંત કબીરે આ ભ્રમણાને બહુ સચોટ રીતે પકડી પાડી હતી : બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલિયા કોય, જો દિલ ખોજા આપના, મુઝ સે બુરા ન કોય.

જ્યાં સુધી માણસ પોતાના મનની કાળી બાજુને જોતો નથી, ત્યાં સુધી તે ક્યારેય સુધરી શકતો નથી. 'હું બધું જ જાણું છું અને હું જે કરું છું તે યોગ્ય જ છે' એવું માનનાર વ્યક્તિ પથ્થર જેવી થઈ જાય છે, જેના પર જ્ઞાનના ગમે તેટલા વરસાદ વરસે, પણ એક ટીપું અંદર ઉતરતું નથી.

વિનાશક અસરો

આ અજ્ઞાન અને અહંકાર માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી રહેતો. તે એક ચેપી રોગની જેમ પરિવાર, સમાજ અને દેશનું પતન કરવા માટે નિમિત્ત બને છે.

જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી, તેનો આંતરિક વિકાસ અટકી જાય છે. તે ક્યારેય સાચો પ્રેમ, સાચી શાંતિ કે સાચો આનંદ અનુભવી શકતી નથી. તેનો અહંકાર તેને એક એવા પાંજરામાં કેદ કરી દે છે, જ્યાં માત્ર 'હું, મારું અને મેં કર્યું'ના જ પડઘા સંભળાય છે.

સંતાનો અને પરિવાર

જ્યારે ઘરમાં વડીલો કે કોઈ સભ્ય મોટે-મોટેથી સંસ્કારોની વાતો કરે, પરંતુ તેમનું વર્તન પક્ષપાતી, ક્રોધી કે લોભી હોય, ત્યારે નવી પેઢી (બાળકો)ના મનમાં ધર્મ અને સંસ્કારો પ્રત્યે નફરત પેદા થાય છે. બાળકો શબ્દોને નથી અનુસરતા, તેઓ આચરણને જુએ છે. જ્યારે તેઓ પિતાને કોઈની છેતરપિંડી કરતા જુએ અને રાત્રે એ જ પિતાને ઘરમાં સત્યવાદી હરિશ્ચંદ્રની વાતો કરતા સાંભળે, ત્યારે તેમનો નૈતિક પાયો ડગી જાય છે. પરિણામે, પરિવારોમાં અવિશ્વાસ અને અંતર વધે છે. જ્યારે માતા સંતાનને કોઈ ઉપદેશ કે સંસ્કારનું સિંચન કરવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે સંતાન તે ગુણો તેના માતા પિતામાં છે કે નહીં તે અંગે વિચારતું હોય છે. માતા પિતા જ શું કામ તે પરિવારના સભ્યોની રહેણી કરણીનું પણ સતત બારીક નિરીક્ષણ કરતું હોય છે.

વિડીયોમાં મસ્ત

જે સમાજમાં જ્ઞાન માત્ર વાતો પૂરતું મર્યાદિત હોય, તે સમાજ ક્રૂર અને સંવેદનહીન બની જાય છે. રસ્તા પર અકસ્માત થયો હોય ત્યારે લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે અને ઘરે જઈને 'માનવતા મરી પરવારી છે' તેવી પોસ્ટ ફેસબુક પર લખે છે. આ સામાજિક દંભ આપણને એક એવા પતન તરફ દોરી જાય છે જ્યાં માણસ માણસનો શત્રુ બની જાય છે.

જ્ઞાનનો સૂર્યોદય

એક મહાન સંતે ઉપદેશ આપ્યો છે કે ‘પંચાંગમાં (કેલેન્ડરમાં) લખ્યું હોય છે કે આ વર્ષે વીસ ઈંચ વરસાદ પડશે, પણ પંચાંગને નીચોવો તો તેમાંથી એક ટીપું પાણી પણ બહાર નથી આવતું. તેવી જ રીતે શાસ્ત્રોમાં જ્ઞાનની ઘણી વાતો છે, પણ જો તે મનમાં ન ઉતરે, તો તે પુસ્તકિયા જ્ઞાન નકામું છે.'

પશ્ચિમી જગતના મહાન ફિલસૂફ સોક્રેટીસે કહ્યું હતું : ‘આખા એથેન્સમાં હું સૌથી વધુ જ્ઞાની છું, કારણ કે હું એટલું જાણું છું કે હું કંઈ જ જાણતો નથી.'

જ્યારે આપણને આપણા અજ્ઞાનની ખબર પડે છે, ત્યારે જ જ્ઞાનનો સૂર્યોદય થાય છે.

કલ્યાણનો પ્રારંભ

આપણે જ્યારે પણ કોઈ પ્રેરણાદાયી પોસ્ટ વાંચીએ કે સાંભળીએ, ત્યારે સૌથી પહેલો સવાલ આપણી જાતને પૂછવો જોઈએ : 'આ લેખમાં જે ખામી બતાવી છે કે સંદેશ આપવામાં આવ્યો છે તે મારા માટે છે?' જે દિવસે માણસ બીજાને સુધારવાની ચિંતા છોડીને પોતાની જાતને સુધારવાનું ચિંતન શરૂ કરશે, તે જ દિવસે કલ્યાણની શરૂઆત થશે.

જ્યાં સુધી આપણે સોશિયલ મીડિયાના 'લાઈક્સ' અને ‘શેર્સ’ના મોહમાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનના વ્યવહાર અને સંબંધોમાં સુધારો નહીં કરીએ, ત્યાં સુધી ગમે તેટલા પુસ્તકો લખાશે કે ગમે તેટલી કથાઓ થશે, સમાજ ત્યાંનો ત્યાં જ રહેશે. 

અજ્ઞાન કરતાં પણ વધુ ભયાનક છે 'જ્ઞાનનો ભ્રમ'. આ ભ્રમની દીવાલને તોડવી અત્યંત જરૂરી છે. હવે પછી જ્યારે પણ કોઈ સારો વિચાર આપણી સામે આવે, ત્યારે તેને ફોરવર્ડ કરવા માટે આંગળીઓ ચલાવતા પહેલાં, તેને હૃદયમાં ઉતારવા માટે થોડી ક્ષણો મૌન થઈ જઈએ. દુનિયાને સુધારવાનો એક જ ટૂંકો રસ્તો છે - આપણી જાતનો સુધારો. જો દરેક વ્યક્તિ પોતે જ બદલાવ બની જશે, તો સમાજને સુધારવા માટે અલગથી કોઈ પ્રવચનોની જરૂર જ નહીં રહે. અને જો દરેક વ્યક્તિ એમ જ માનતી હોય કે તે બરાબર છે તો તે હાલ જે માનસિક અશાંતિમાં તે જીવતી હોય તે તેણે કમનસીબે ભોગવવી રહી. તેઓ પ્રત્યે આપણે સહાનુભૂતિ રાખવી.

ભારતીય નાગરિકતા

Source: દિવ્યભાસ્કર

— પવન કે વર્મા

એક રાજદ્વારી તરીકે વિદેશોમાં મારી નિમણૂકો થઈ છે અને મેં વિશ્વની મુસાફરી કરી છે. પાસપોર્ટમાં મને ભારત-ગણરાજ્યનો નાગરિક, એક ઉભરતી શક્તિ અને મહાન સભ્યતાનો પ્રતિનિધિ ગણાવવામાં આવ્યો. આ મારા માટે ગર્વનો વિષય રહ્યો છે. એટલા માટે જ જ્યારે હાલમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, તો હું મૂંઝવણમાં મુકાઈ ગયો.

સરકારના પોતાના કારણો હોઈ શકે છે, પરંતુ દાયકાઓ સુધી ભારતીયો માનતા હતા કે પાસપોર્ટ તેમની નાગરિકતાની ઔપચારિક પુષ્ટિ છે. તેને મેળવવા માટે અરજદારોએ દસ્તાવેજો રજૂ કરવા પડે છે. પોતાની ઓળખ સ્થાપિત કરવી પડે છે અને પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડે છે. પાસપોર્ટ માત્ર એટલા માટે નથી આપવામાં આવતો કે કોઈ વ્યક્તિ વિદેશ યાત્રા કરવા માગે છે, પરંતુ એટલા માટે આપવામાં આવે છે કે રાજ્યસત્તા આ વાતથી સંતુષ્ટ છે કે અરજદાર ભારતીય નાગરિક છે. વાસ્તવમાં, પાસપોર્ટ એક્ટની કલમ 6(2)(A)માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટ માત્ર ભારતના નાગરિકને જ આપી શકાય છે.

આ દસ્તાવેજનું ભાવનાત્મક મહત્ત્વ તેની વહીવટી ઉપયોગિતા કરતાં પણ વધુ હતું. તે વ્યક્તિ અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધનું પ્રતિનિધિત્વ કરતું હતું. એ વાસ્તવિકતા છે કે તથ્યો છુપાવીને, બનાવટી દસ્તાવેજોથી કે પોતાની ઓળખ વિશે ખોટી માહિતી આપીને છેતરપિંડીથી પણ પાસપોર્ટ મેળવી શકાય છે. આવી પરિસ્થિતિઓમાં રાજ્યસત્તાને પાસપોર્ટ રદ કરવાનો અને દોષિત સામે કાનૂની કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ આ આધારે એ ધારણાને ફગાવી દેવી જોઈએ નહીં કે કાયદેસરની પ્રક્રિયા હેઠળ આપવામાં આવેલો એક માન્ય પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો છે.

વોટર આઈડી પણ છેતરપિંડીથી મેળવી શકાય છે. રેશનકાર્ડમાં પણ ગેરરીતિ થઈ શકે છે. આધાર કાર્ડનો પણ દુરુપયોગ થઈ શકે છે. મિલકત સંબંધિત દસ્તાવેજોની બનાવટ થઈ શકે છે. ભારતમાં દસ્તાવેજીકરણની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં આ પ્રશ્ન વધુ ચિંતાજનક બની જાય છે. આધાર નાગરિકતાનો પુરાવો નથી. મતદાતા ઓળખપત્ર નાગરિકતાનો પુરાવો નથી. રેશનકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. જન્મ પ્રમાણપત્રોને પણ ઘણીવાર પ્રક્રિયાત્મક આધારો પર પડકારવામાં આવે છે. હવે જો પાસપોર્ટ પણ નાગરિકતાનો પુરાવો નથી, તો પ્રશ્ન એ થાય છે કે નાગરિકતાનો પુરાવો છે શું?

કોઈપણ આધુનિક રાષ્ટ્ર અસ્પષ્ટતાના આધારે કામ ન કરી શકે. નાગરિકતા કોઈ હવામાં રહેલી વસ્તુ નથી. આના પર જ આખરે તમામ બંધારણીય અધિકારો આધારિત હોય છે. જો કોઈ પણ દસ્તાવેજ આ સ્થિતિને નિર્ણાયક રીતે સ્થાપિત નથી કરતો. તો જવાબદારી વ્યક્તિ પર આવી જાય છે. ક્યાં તો રાજ્યસત્તાએ જ પોતાની સંસ્થાઓ અને દસ્તાવેજો દ્વારા નાગરિકની નાગરિકતા પ્રમાણિત કરવી જોઈતી હતી. પરંતુ તેના બદલે નાગરિકને વારંવાર એ સાબિત કરવા માટે મજબૂર થવું પડે છે કે તે આ જ દેશનો છે. 

જ્યારે રાજ્યએ દસ્તાવેજો આપવા છતાં- જે પરંપરાગત રીતે નાગરિકતા પ્રમાણિત કરતા આવ્યા છે- નાગરિકતા પર પ્રશ્ન ઉઠાવે છે, ત્યારે નાગરિક અનિશ્ચિતતાની સ્થિતિમાં આવી જાય છે. તેની પાસે દસ્તાવેજો તો હોય છે, પણ તે અપૂરતા સાબિત થાય છે. તે પ્રક્રિયાઓનું પાલન કરે છે, પરંતુ કોઈ નિશ્ચિતતા મળતી નથી. જો નાગરિકતા વિવાદનો વિષય બનેલી રહે છે. તો અધિકારીઓને વધારાના પુરાવા માંગવાનો વધુ અધિકાર મળી જાય છે. નાગરિકો મનસ્વી અર્થઘટનો અને અમલદારશાહીના સંતોષ પર નિર્ભર થઈ જાય છે.

અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પાસપોર્ટને નાગરિકતાના મજબૂત પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે તેને આપતા પહેલાં નાગરિકતાની ચકાસણી કરવામાં આવે છે. વાસ્તવિક ઉકેલ દસ્તાવેજ આપતી વખતે તપાસ પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવામાં, વેરિફિકેશન મિકેનિઝમમાં સુધારો કરવામાં, વિવિધ ડેટાબેઝનું એકીકરણ કરવામાં તથા છેતરપિંડી સામે કડક સજા લાગુ કરવામાં રહેલો છે. આ ચર્ચાના કેન્દ્રમાં વધુ એક પ્રશ્ન રહેલો છે. લોકશાહીમાં નાગરિકે કાયદેસરતાની પૂર્વ-ધારણા સાથે જીવવું જોઈએ કે શંકાની? 

ભારતમાં ગરીબો શિક્ષણથી કેમ છેટાં થઈ રહ્યાં છે?

Source: ગુજરાત ટુડે

— ગુરદીપસિંહ સપ્પલ

આ ગંભીર વિષય પર ગુરદીપસિંહ સપ્પલ લખે છે કે, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા, 'પઢ જાયેંગે, તો બઢ જાયેંગે' ('ભણીશું તો આગળ વધીશું'). તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના બંધારણમાં પણ ગરીબ અને વંચિત નાગરિકો માટે શિક્ષણને વચન તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.

એક સમયે જાહેર યુનિવર્સિટીઓ, IITs, IIMs, સરકારી મેડિકલ કૉલેજો ફક્ત સંસ્થાઓ નહોતી, તે સામાજિક ગતિશીલતાની ભૌતિક રચના હતી. પરંતુ નીતિગત વલણના પરિણામે આજે ભારતનાં ગરીબ અને વચિત લોકોનો શિક્ષણમાં જે વિશ્વાસ હતો તે ડગમગી રહ્યો છે.

બે દાયકા પહેલાં શિક્ષણના ખાનગીકરણના વ્યાપમાં જે વધારો થયો હતો, તેને ભાજપના ૧૨ વર્ષના શાસનમાં જાણી જોઈને વેગ આપવામાં આવ્યો છે. વ્યૂહરચના એ રીતે કરવામાં આવી કે શિક્ષણ ગરીબોની પહોંચથી દૂર થઈ જાય. એક સ્થિર પગાર સાથે, શિક્ષણનો અતિ મોંઘો ખર્ચ આજે માણસને વધારે ને વધારે ગરીબ બનાવી રહ્યો છે.

ઉચ્ચ શિક્ષણમાં ખાનગી મૂડીનો પ્રવેશ ૧૯૯૦ના દાયકાના અંતમાં શરૂ થયો અને ૨૦૦૦ના દાયકા સુધીમાં તો તેમાં વેગ આવી ગયો. ગણતરી એવી હતી કે, ખાનગી મૂડીના પ્રવાહથી, શિક્ષણમાં વધુ સારી ગુણવત્તા મળશે પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તે ગણતરી તદ્દન મૂર્ખામીભરી સાબિત થઈ છે.

નોંધણીની દૃષ્ટિએ ભારતની ઉચ્ચ શિક્ષણપ્રણાલી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આપણી પાસે ૬૦,૦૦૦થી વધુ કૉલેજો અને ૧૨૦૦ જેટલી યુનિવર્સિટીઓ છે, જેમાં આશરે ૪.૫ કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આંકડા એ દર્શાવે છે કે, ભારત દેશ, જે જ્ઞાનની મહાસત્તા બનવાની ઇચ્છા રાખે છે તે એવા સ્નાતકો ઉત્પન્ન કરી રહ્યો છે જેમને નોકરીઓ મળતી નથી અને એવા પ્રતિભાશાળી શોધકો ઉત્પન્ન કરી રહ્યો છે જેઓ વ્યાપારની કસોટીમાં નિષ્ફળ જાય છે. આ ફરીથી ઘડાયેલી શિક્ષણની ડિઝાઈન, મહત્ત્વપૂર્ણ ફેકલ્ટીઓને નિસ્તેજ બનાવે છે અને બહુવિધ કસોટીઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને સફળ ગણે છે.

ઉચ્ચ શિક્ષણનું અર્થતંત્ર

ખાનગીકરણની સૌથી મોટી અસર જાહેર હિતનું ખાનગી વસ્તુમાં રૂપાંતર થયું તેમાં થઈ છે. ખાનગી સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ વધી રહી છે જ્યારે જાહેર સંસ્થાઓ મોટાભાગે સંસાધનોની તંગી ભોગવી રહી છે.

ઉચ્ચ કક્ષાની સંસ્થાઓની ફીમાં ખૂબ જ વધારો થયો છે. ઉદાહરણ તરીકે IIM-A (અમદાવાદ)ની ટ્યુશન ફ્રી ૨૦૦૭માં ૪ લાખ રૂપિયાથી વધીને ૨૦૨૧માં ૨૭ લાખ રૂપિયા થઈ ગઈ. IIT બોમ્બેની ફી ૨૦૦૮માં ૧.૦૮ લાખ રૂપિયાથી વધીને ૨૦૨૪-૨૫માં ૮ લાખ રૂપિયા થઈ ગઈ છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આજે સરેશશ બી.એ.ની નિયમિત ડિગ્રીની કિંમત ૩-૬ લાખ રૂપિયા છે; બી-ટેકની ૮-૨૦ લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ ડિગ્રીની કિંમત ૫-૩૦ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ઊંચા ખર્ચનો બોજો વિદ્યાર્થીઓ પર નાંખવામાં આવ્યો છે.

વાત ફક્ત ઊંચી ટ્યુશન ફીની નથી. ભારતની ઉચ્ચ શિક્ષણ-પ્રણાલીને પ્રવેશબિંદુએથી જ અનિયંત્રિત કોચિંગ ઉદ્યોગ દ્વારા કબજે કરી લેવામાં આવી છે. એન્જિનિયરિંગ અને મેડિસિન માટેની બે રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ, JEE અને NEET, શાળાના અભ્યાસક્રમથી એટલી અલગ છે કે આ પરીક્ષાઓ કોચિંગ વિના પાસ કરવી લગભગ અશક્ય છે. જે પ્રવેશ પરીક્ષાને, શૈક્ષણિક પ્રણાલીમાંથી પ્રતિભા પસંદ કરવા માટે માનવામાં આવે છે, તે પોતે જ એક અલગ શૈક્ષણિક પ્રણાલી બની ગઈ છે.

કોચિંગ સંસ્થાઓમાંથી જી.એસ.ટી. કલેક્શન ૨૦૧૯-૨૦માં લગભગ રૂા. ૨,૨૦ કરોડથી વધીને ૨૦૨૩-૨૪માં રૂા. ૫,૫૦૦ કરોડથી વધુ થયું હતું. આ શિક્ષણનો એક એવો ઉદ્યોગ છે જે ઔપચારિક શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાથી નફો મેળવે છે; તે સંસ્થાકીય અપૂર્ણતા પર બનેલ એક વ્યવસાય મોડેલ છે.

કોચિંગ ઔદ્યોગિક સંકુલ ભારતને શિક્ષિત કરી રહ્યું નથી; તે શાળાઓમાં શું શીખવવામાં આવે છે અને પ્રવેશ પરીક્ષાઓની માંગ શું છે તે વચ્ચેના અંતરનો ઉપયોગ કરીને ચિંતાતુર પરિવારો પાસેથી સંપત્તિ ખંખેરી રહ્યું છે.

શિક્ષણ : ખોટ કરતું એક રોકાણ

મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારનાં દસ વર્ષમાં ભારતમાં નર્સો, એન્જિનિયરો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં ત્રણથી પાંચ ગણો વધારો થયો. આ સંજોગોમાં, શિક્ષણના રોકાણમાં 'વળતર' ઉદાર હતું શિક્ષણ અને તેના વળતર વચ્ચેનો સામાજિક કરાર અકબંધ હતો.

તેનાથી વિપરીત વર્તમાન શાસનકાળમાં લગભગ એક દાયકાથી, નવા સ્નાતકોનો પ્રારંભિક પગાર વાર્ષિક રૂા. ૩-૪ લાખ પર સ્થિર રહ્યો છે (જો તેમને નોકરી મળે તો), જ્યારે શિક્ષણનો ખર્ચ ત્રણથી સાત ગણો વધી ગયો છે.

ઓલ-ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE) ૨૦૨૧-૨૨ના છેલ્લા ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે, ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ૪.૩૩ કરોડ થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરેરાશ આ જ શ્રેણીમાં રહી છે. ૨૦૨૩માં, ફક્ત ૮૧.૨ લાખ લોકોને નોકરી મળી હતી, જેમાં આઈ.ટી. સેવાઓ અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૩૯.૧ લાખનો સમાવેશ થાય છે.

ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ ૨૦૨૫માં બી.ટેક. સ્નાતકો માટે રોજગાર-ક્ષમતા ૬૦ ટકા અને આર્ટ્સ સ્નાતકો માટે ૪૫ ટકા રાખવામાં આવી છે. ૨૦થી ૨૪ વર્ષની વયના લગભગ ૪૫ ટકા સ્નાતકો બેરોજગાર છે. ૨૦૨૪માં, પાંચમાંથી બે આઈઆઈટી સ્નાતકો, અથવા ૪૦ ટકાને નોકરી આપવામાં આવી ન હતી.

દરમિયાન, ઘણાં ક્ષેત્રોમાં કોર્પોરેટ નફામાં પાંચ ગણો વધારો થયો છે. આ નફામાં મજૂરી કરનારાઓની મહેનત હોવા છતાં તેમના વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડિઝાઈનને કારણે વેતન-વૃદ્ધિથી અલગ થઈ ગયું છે. શ્રમસુરક્ષા વ્યવસ્થિત રીતે નબળી પડી ગઈ છે. ફુગાવાને વળતર આપવા માટે વેતનના સ્તરમાં વધારો કરવામાં આવ્યો નથી અને રોજગાર 'કેઝ્યુઅલાઈઝ' કરવામાં આવ્યો છે. ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબ સ્નાતકો તેની ડિગ્રી સાથે ભારે દેવું ભોગવી રહ્યા છે.

આ બજારનું પરિણામ નથી; તે એક નીતિગત પરિણામ છે. જ્યારે કોર્પોરેટ નફો પાંચ ગણો વધે છે અને પગારધોરણ બદલાતું નથી, ત્યારે આર્થિક લાભનું વિતરણ એક એવી સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેણે કોનાં હિતોને પ્રાથમિકતા આપવી અને તેનું રક્ષણ કરવું તે પસંદ કર્યું છે.

અધિકૃત કૌભાંડ

જો શૈક્ષણિક સંસ્થા પ્રતિષ્ઠિત હોય, જો મળનારી નોકરીનો દરજ્જો અને પગારધોરણ આકર્ષક હોય તો મહત્ત્વાકાંક્ષી પરિવારો ડિગ્રી માટે કોઈ પણ ફી ચૂકવવા તૈયાર થશે. ખાનગી યુનિવર્સિટીઓ લોકોનું આ મનોવિજ્ઞાન બરાબર સમજી ચૂકી છે. તેમની આ દુખતી નસને પારખીને ડિઝાઈનર અભ્યાસક્રમોને ફેન્સી નામોથી તૈયાર કરવામાં આવી રહ્યા છે અને પ્રપંચી પ્લેસમેન્ટ આંકડાઓ બતાવીને આક્રમક રીતે જાહેરાત કરવામાં આવે છે.

ભોળા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘણી વાર આવા કૌભાંડી અભ્યાસક્રમો તરફે અંજાઈ જાય છે. એક્રેડિટેશન રેટિંગ અને NIRF (નેશનલ ઇન્સ્ટિટયૂટ રેકિંગ ફ્રેમવર્ક) રેટિંગ બહુ મદદરૂપ હોતા નથી. એક્રેડિટેશન આર્કિટેક્ચર પોતે જ કથળી ગયેલું છે.

માર્ચ, ૨૦૨૫માં, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન (NBA) સંપૂર્ણપણે વણચકાસાયેલ, સ્વ-સબમિટ કરેલા ડેટા પર આધાર રાખતું હોવાથી NIRF રેન્કિંગ પર સ્ટે મૂક્યો હતો. ૨૦૨૪ના એક ખુલાસામાં ૫૦થી વધુ સંસ્થાઓ ખોટી રીતે માન્યતા-પ્રાપ્ત હોવાની જાહેરાત કરતી હતી અથવા બનાવટી પ્રમાણપત્રોનો ઉપયોગ કરતી હતી.

સરકારના પોતાના આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં ઉચ્ચ શિક્ષણમાં નિયમનકારી પારદર્શિતાની જરૂરિયાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ વર્તમાન માળખું નિષ્ફળ હોવાની એક કબૂલાત છે.

શિક્ષણમાં રોકાણ કરવાથી આજે પરિવારો ગરીબ બની રહ્યા છે. નોકરી મેળવનારા નસીબદાર લોકો એવા પગાર પર કામ કરે છે જે પગારમાં તેમણે શિક્ષણ માટે ચૂકવેલી ફીની ભરપાઈ કરવામાં વર્ષો લાગે છે.

યુપીએના શાસનકાળ દરમિયાન, એક આખી પેઢી ઈ.એમ.આઈ. પર પોતાનાં ઘરો ખરીદી શકી હતી. પરંતુ આજે યુવા કર્મચારીઓ માટે પોતાનું ઘર ખરીદવું અશક્ય અને મુશ્કેલ છે.

જ્યારે ગરીબ અને વંચિત લોકો એવું તારણ કાઢે છે કે, શિક્ષણ હવે પોસાય તેવું રહ્યું નથી, ડિગ્રીથી કોઈ ફરક પડવાનો નથી, મળનારા પગારમાંથી ક્યારેય શિક્ષણ પર કરેલો ખર્ચ વસૂલ કરી શકાશે નહીં, ત્યારે આવા લોકો, તેમનાં બાળકોને યુનિવર્સિટીઓમાં મોકલવાનું બંધ કરવું જેવા એક તર્કસંગત નિર્ણય તરફ આકર્ષાય છે.

જ્યારે આ વિચાર ગરીબ અને વંચિત લોકોમાં સર્વસામાન્ય થઈ જશે, ત્યારે તેમનાં બાળકો વારસાગત, જાતિ આધારિત વ્યવસાયોમાં પાછાં ફરવા મજબૂર થશે. ભારતમાં સામાજિક ગતિશીલતા માટે તમામ નાગરિકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેવું બંધારણમાં અપાયેલું વચન આપોઆપ ખતમ થઈ જશે.

વિજ્ઞાનીઓનું ઘેલું લાગ્યું છે!

Source: પ્રબુધ્ધ જીવન

— ડૉ. કુમારપાળ દેસાઈ

કોણ જાણે કેમ પણ વિજ્ઞાનીઓનું મને સદાકાળ આકર્ષણ રહ્યું છે. વિજ્ઞાનીઓનું નિસ્પૃહી જીવન, પ્રયોગશાળામાં કરેલો અથાગ પરિશ્રમ અને એ શોધ-સંશોધનની પાછળ રહેલો માનવકલ્યાણનો ભાવ પામવાની સતત જિજ્ઞાસા રહે છે. આથી તો વિશ્વકોશમાં વિજ્ઞાન-લેખકો પાસે વિજ્ઞાનીઓની એક શ્રેણી તૈયાર કરાવી. ભૌતિકશાસ્ત્રના વિદ્વાન શ્રી પ્રહ્લાદ છો. પટેલ પાસે ‘વિરલ વિજ્ઞાની ડૉ. સારાભાઈ'નું ચરિત્ર તૈયાર કરાવ્યું. ગુજરાતી ભાષામાં ગુજરાતના આ પનોતા પુત્રનું એ પહેલું જીવનચરિત્ર! એ પછી મેઘનાદ સહા, સત્યેન્દ્રનાથ બોઝ, જગદીશચંદ્ર બોઝ, સી.વી. રામન, હોમી ભાભા વગેરેનાં ચરિત્રોનું પ્રકાશન કર્યું. વિજ્ઞાનકોશની કલ્પના કરી અને અવકાશવિજ્ઞાનના કોશ (Encyclopedia of Space Science) વિશે આયોજન કર્યું.

એની પાછળનો હેતુ એ હતો કે એ વિજ્ઞાનીઓનું વિદ્યાતપ જનસમૂહ સુધી પહોંચે. એમનું વિદ્યાનિષ્ઠ જીવન, અવિરત પુરુષાર્થ અને માનવીય સંવેદનાનો સહુ કોઈને ખ્યાલ આવે. આને કારણે જ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના નિવાસ્થાનેથી થોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળામાં પહોંચી ગયો! અમેરિકાના એડિસન વિસ્તારમાં મેન્લો પાર્કમાં આવેલા થોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળાના સ્થળે પહોંચ્યો, ત્યારે ચિત્ત પર એડિસનની પ્રતિભા છવાયેલી હતી. પહેલો વિચાર એ આવ્યો કે વિશ્વમાં સૌથી વધુ પેટન્ટ (૧૯૦૩) ધરાવનાર આ મહાન સંશોધકને એની પહેલી શોધે શું શીખવ્યું હશે? ૧૮૬૩માં થોમસ આલ્વા એડિસન કૅનેડાથી અમેરિકા પાછો આવ્યો અને એ પછી અમેરિકાના આંતરયુદ્ધના કપરા સમયમાં એડિસનને એક શહેરમાંથી બીજા શહેરમાં ટેલિગ્રાફ ઑપરેટર તરીકે જવાનું થતું હતું. ટેલિગ્રાફના યંત્રને જોઈને આ મૌલિક વિચારક વિજ્ઞાનીને એકાએક નવો વિચાર જાગી ઊઠ્યો અને બોસ્ટન શહેરમાં ટેલિગ્રાફર તરીકેની કામગીરી કરતા એડિસને ઇલેક્ટ્રિકથી ચાલતું મતદાનની નોંધ કરતું યંત્ર શોધ્યું. એણે આ યંત્ર વેચવાનો પ્રયાસ કર્યો. આ માટે છેક અમેરિકાના વોશિંગ્ટન ડીસી પહોંચી ગયો અને અમેરિકન કૉંગ્રેસ સમક્ષ એણે આ યંત્ર વેચવાનો પ્રસ્તાવ મૂક્યો.

અમેરિકાની કૉંગ્રેસની કમિટીએ એની આ વાત સાંભળી; પરંતુ એ કમિટીના ચૅરમૅને અફસોસભર્યા અવાજે કહ્યું, "કૉંગ્રેસને ક્યારેય ઉપયોગમાં ન આવી શકે એવી આ શોધ છે. એમાં મતદાતાનું નામ રેકોર્ડ થતાં પિસ્તાળીસ મિનિટ લાગે છે. આટલા સમયમાં તો મતોમાં ઘણા ફેરફાર થઈ જાય એટલે આવા યંત્રનો કોઈ અર્થ નથી.”

આ વાત સાંભળીને યુવાન એડિસન અકળાઈ ઊઠ્યો. એણે એ દિવસે મનમાં ગાંઠ વાળી કે, “હવે એમાં જ સંશોધનો કરવા, કે જેને માટે વિશ્વ અત્યંત આતુર હોય.”

૧૮૬૮ની ૧૮મી ઑક્ટોબરે કરેલા મતગણતરીના યંત્રની શોધના પ્રસારમાં નિષ્ફળ ગયેલા થોમસ આલ્વા એડિસને બોસ્ટન શહેર છોડીને મહાનગર ન્યૂયોર્કમાં જવાનું નક્કી કર્યું. ત્યાં કદાચ પોતાના નસીબને આડે રહેલું પાંદડું ખસે! ૧૮૬૯માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યો, ત્યારે એની હાલત સાવ મુફલિસ જેવી હતી. દેવામાં ડૂબેલો એડિસન ન્યૂયૉર્કની શેરીઓમાં નોકરી મેળવવા માટે ઠેરઠેર ચક્કર લગાવવા માંડ્યો. એની પાસે જે કંઈ મૂડી હતી, એ ધીરે ધીરે ખર્ચાઈ રહી હતી અને ભૂખે મરવાનો સમય આવી ગયો.

આ સમયે એડિસને ગોલ્ડ ઈન્ડિકેટર કંપનીના એક કર્મચારીને સમજાવી- પટાવીને એની ઑફિસમાં રાત્રે સૂતો હતો. અહીં એ કંપનીનાં યંત્રોનો અભ્યાસ કરવા લાગ્યો. આ કંપની પોતાનાં યંત્રો દ્વારા ગ્રાહકોને સોનાના ભાવમાં થયેલી વધઘટની જાણકારી આપતી હતી. થોડા દિવસ બાદ એક વાર આ કંપનીનું યંત્ર બગડી ગયું અને ઘણા કર્મચારીઓએ એ યંત્ર સુધારવા પ્રયાસ કર્યો, પણ શક્ય બન્યું નહીં. એડિસન પાસે અસાધારણ અવલોકન શક્તિ હતી અને બગડેલાં ઉપકરણોને સુધારવાની તો કમાલની કળા હતી. એની એ ક્ષમતાની પહેલી ઝાંખી ગોલ્ડ ઈન્ડિકેટર કંપનીમાં થઈ અને એ કંપનીના મૅનેજરે એડિસનને ત્રણસો ડૉલરના પગારે સુપરવાઇઝરનું કામ સોંપ્યું.

યુવાન એડિસનનું મન યંત્રો પર પ્રયોગો કર્યા વિના બેસી રહે તેમ નહોતું. એણે શૅરબજારના ભાવો આપનારાં યંત્રો પર કામ કરવા માંડ્યું અને પરિણામે ટેલિગ્રાફીનું નવું યંત્ર શોધી કાઢ્યું. આ યંત્રની શોધની વાત દૂર દૂર સુધી ફેલાઈ. આ “સ્ટૉક ટીકર" નામના યંત્રને એ વેચવા ચાહતો હતો. એણે નક્કી કર્યું કે જરા હિંમત કરીને આના પાંચ હજાર ડૉલર માગવા; પરંતુ ત્રણ હજાર ડૉલર મળશે તોય ભયો ભયો! આમ ખરેખર કેટલા ડૉલર માગવા એ વિશે એનું મન દ્વિધા અનુભવતું હતું, એથી એણે કંપનીના માલિકને કહ્યું, "તમે આની કેટલી કિંમત આપવા માંગો છો, તે પહેલાં કહો.” ગોલ્ડ ઍન્ડ સ્ટૉક ટેલિગ્રામ કંપનીના માલિકે થોડો સમય વિચાર કરીને કહ્યું, “ચાલીસ હજાર ડૉલર આપું તો કેમ રહેશે?"

આટલી મોટી રકમ સાંભળીને એડિસન લગભગ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠો. જાતને ટકાવી રાખવા માટે એણે ટેબલને જોરથી પકડી લીધું અને પછી ધીમેથી બોલ્યો, "ભલે, મને આ રકમ યોગ્ય લાગે છે." આટલી મોટી રકમ મળતાં ત્રેવીસ વર્ષના એડિસને નેવાર્કમાં પોતાની પહેલી વર્કશૉપ શરૂ કરી અને પછી એ એક પછી એક શોધો કરવા લાગ્યો.

એ જમાનામાં લાકડાનાં ટાઇપરાઇટર હતાં અને લોકો ટાઇપરાઇટર કરતાં હાથથી વધુ ઝડપથી લખી શકતા હતા, એ સમયે ૧૮૭૪માં એક ધાતુનો ભાગ ઉમેરીને એણે આ ટાઇપરાઇટરને ઝડપી બનાવ્યું. ૧૮૭૬ના એપ્રિલમાં ન્યૂજર્સીની મેન્લો પાર્ક પ્રયોગશાળા બાંધી અને એડિસને એમાં કામ કરવાનું શરૂ કર્યું. ઔદ્યોગિક સંશોધન માટેની આ પહેલી લૅબોરેટરી બની અને અહીં થોમસ આલ્વા એડિસને ચારસો જેટલી નવી પેટન્ટ નોંધાવી અને વીજળીનો બલ્બ, રેકૉર્ડેડ સાઉન્ડ અને ચલચિત્રોની શોધનું મેન્લો પાર્ક એ જન્મસ્થાન છે.

આ મહાન સંશોધકે કહ્યું, “જેને તમે જિનિયસ કહો છો, તેની પાસે માત્ર એક ટકો પ્રેરણા હોય છે અને ૯૯ ટકા પરિશ્રમ હોય છે.” થોમસ આલ્વા એડિસન સ્વયં આવા પરિશ્રમનું ઉદાહરણ બની રહ્યા. રાતદિવસ નવી નવી શોધો વિશે વિચાર કરતો એડિસન કલાકોના કલાકો સુધી પ્રયોગશાળામાં કામ કરતાં. માંડ ચારેક કલાકની ઊંઘ લેતો. એની પ્રથમ પત્ની મેરી સ્ટીલવેલ અને બીજી પત્ની મીન મિલર એ બન્ને એડિસનની આ આદત ૫૨ ગુસ્સે થતી. એક વાર ઘણા લાંબા સમય સુધી થોમસ આલ્વા એડિસન પ્રયોગશાળામાં રહ્યો. એમની પત્નીએ વારંવાર બોલાવ્યો, છતાં એ તો કામમાં જ ખૂંપેલો રહ્યો.

એણે એડિસનને કહ્યું, “રાતદિવસ કામમાં ડૂબેલા રહો છો, તો ક્યારેક તો વૅકેશન ભોગવો.”

થોમસ આલ્વા એડિસને વળતો પ્રશ્ન કર્યો, “પણ વૅકેશનમાં હું જાઉં ક્યાં?!"

એડિસનની પત્નીએ કહ્યું, “જ્યાં તમારું દિલ બહેલાય તેવી જ જગાએ.”

થોમસ આલ્વા એડિસને કહ્યું, “તો ચાલો, મારું દિલ જ્યાં ખૂબ બહેલાય છે એવી જગાએ જાઉં છું.”

આમ કહીને થોમસ આલ્વા એડિસન એને પોતાની પ્રયોગશાળા તરફ લઈ ગયા.

એડિસન આખા વર્ષ દરમિયાન માત્ર એક આખો દિવસ પોતાના કુટુંબ સાથે ગાળતા હતા. પ્રત્યેક ચોથી જુલાઈએ એ સઘળું કામ બાજુએ મૂકીને પોતાના પુત્રો અને પૌત્રો સાથે ઊજવતા હતા. પોતાની એ રજાને વધુ ને વધુ ઘોંઘાટમય આકર્ષક રીતે ઊજવાય તેવો પ્રયાસ કરતા હતા. એડિસનને ગણ્યાગાંઠ્યા મિત્રો હતા, કારણ કે એ કલાકોના કલાકો સુધી ખૂબ સખત મહેનત કરતા હોવાથી મૈત્રી માટે એમની પાસે કોઈ સમય બચતો નહોતો.

અઢળક કમાણી ધરાવતા થોમસ આલ્વા એડિસનને એક વાર એમના મિત્રોએ દારૂ પીવા માટે અતિ આગ્રહ કર્યો. એડિસને સ્પષ્ટ ઇન્કાર કર્યો, કારણ કે એના મનમાં સવાલ હતો કે, “દારૂ પીવાથી પોતાની માનસિક સર્જકતાની જાળવણી થશે કે પછી એની શક્તિઓ રૂંધાઈ જશે.”

કારણ એટલું જ કે એડિસનનું સ્પષ્ટ દર્શન હતું કે જિંદગીના અંત સુધી પોતાની સર્જકતા જાળવીને વૈજ્ઞાનિક શોધખોળોમાં રચ્યાપચ્યા રહેવું. મિત્રોએ શરાબ માટે અતિ આગ્રહ કર્યો, ત્યારે એડિસને કહ્યું, “મારે આ જીવનમાં મારી સમગ્ર માનસિક અને શારીરિક શક્તિઓનો પૂરો લાભ ઉઠાવવો છે. આમાં શરાબ મને બાધક લાગે છે" આથી એણે મિત્રોને ક્ષમા સાથે કહ્યું કે, “દારૂ પીને હું મારા ભવિષ્યને અંધકારમય બનાવવા માગતો નથી. શરાબ એ માનવતાનો શત્રુ છે અને હું એને ક્યારેય સ્પર્શ નહીં કરું.'

ફોનોગ્રામ, ફિલ્મ અને વીજળીના બલ્બ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ શોધો કરનાર એડિસન એમ કહેતો કે પહેલાં એના હૃદયમાં પ્રેરણા થાય છે, પછી ઊભરો જાગે છે અને ત્યારબાદ પોતાની શોધમાં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે. એ સિદ્ધાંતપૂર્વક કામ કરે છે. કોઈ પણ શોધ માટે દીર્ઘ સમય, આકરી મહેનત અને થોડું સદ્નસીબ જરૂરી છે.

એડિસન ક્યારેય શબ્દો દ્વારા વિચારતો નહોતો; પરંતુ પહેલાં ચિત્તમાં એને ચિત્રરૂપે સર્જીને વિચાર કરતો હતો અને પછી એની શોધ માટેના પ્રયત્નોનો પ્રારંભ કરતો. એમાં એ એના સુષુપ્ત મનની શક્તિને કામે લગાડતો. પોતાના મન સમક્ષ ભાવિ શોધનું કલ્પિત ચિત્ર રાખતો અને ધીરે ધીરે એ પ્રમાણે પ્રયોગો કરીને એમાં આગળ વધતો હતો.

એડિસન જીવનભર એ સૂત્રને અનુસરતો રહ્યો કે, “આકરા પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી." જીવનમાં અતિ પરિશ્રમ કર્યો હોવા છતાં એણે ક્યારેય એની સંવેદનશીલતા ગુમાવી નહોતી. પોતાનાં સંશોધનો દ્વારા એ અઢળક સંપત્તિ મેળવી શક્યો હતો; પરંતુ સદૈવ એણે સંપત્તિના બદલે સર્જકતા પ્રતિ વિશેષ ધ્યાન આપ્યું અને માનવજાતને ઉપયોગી એવી સતત નવી નવી શોધો કરતો રહ્યો.

મહાન વિજ્ઞાનીની સંવેદનશીલતાનું એક સ્મરણ યાદ આવે છે. એ એક વાર રોજના નિયમ પ્રમાણે વિશાળ મેદાનમાં લટાર મારવા નીકળ્યા, ત્યારે એક ઘાયલ પક્ષીને તરફડતું જોયું. એમનું હૃદય કરુણાથી ઊભરાઈ ગયું. પ્રયોગશાળામાં જ સઘળો સમય વિતાવનારા આ વૈજ્ઞાનિક પક્ષીની સારવાર પાછળ લાગી ગયા. એમણે શહેરના કુશળ ડૉક્ટર પાસે જઈને પક્ષીને બચાવવા માટેના પ્રયત્નો કર્યા અને કેટલાક દિવસની સારવાર પછી એ પક્ષી હરતું ફરતું થયું; પરંતુ આ સમયગાળા દરમિયાન આ પક્ષીના બીજા સાથીઓ તો દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા.

એડિસને એક સરસ પેટી બનાવી. એમાં ઘાસની અને પાણીની વ્યવસ્થા કરી અને પછી દક્ષિણ અમેરિકાના એક શહેરમાં એ પેટી મોકલી. જે કંપનીને પેટી આપી હતી, એને ખાસ તાકીદ કરી કે તમે આ શહેરમાં જઈને પેટી ખોલીને એમાંથી આ પક્ષીને મુક્ત કરી દેજો. આ કામ પૂરું થયાનો સંદેશો પણ મને મોકલજો. એક્સપ્રેસ કંપનીએ આ વિજ્ઞાનીની ઇચ્છા પૂર્ણ કરી.

એડિસનના ચિત્તમાં પારાવાર સંવેનશીલતા હતી, તો અધ્યાત્મ-જગતમાં તમે જેને સાક્ષીભાવ કે સ્થિતપ્રજ્ઞતા કહો છો, તે પણ તમને નજરે પડશે.

૧૯૧૪ના ડિસેમ્બરની રાત્રે થોમસ આલ્વા એડિસનની લૅબોરેટરીમાં એકાએક આગ ફાટી નીકળી. થોડી ક્ષણોમાં એડિસનના જીવનની સઘળી મહેનત ભસ્મીભૂત થઈ ગઈ. આગથી તૂટીને નીચે પડેલા ભંગારની વચ્ચે ધુમાડાઓમાં હાથ વીંઝતો એડિસનનો ચોવીસ વર્ષનો પુત્ર ચાર્લ્સ પિતાને શોધતો હતો.

એણે જોયું તો એડિસન શાંતિથી સળગતી આગને જોતા હતા. એમની આંખમાં ચમક હતી અને પવનના સુસવાટામાં એમના શ્વેત વાળ અહીંતહીં ઊડતા હતા.

ચાર્લ્સ આગથી અત્યંત વ્યથિત હતો. વીસ લાખ ડૉલરથી પણ વધુ નુકસાન થયું હતું. વીમો માત્ર બે લાખ અને આડત્રીસ હજારનો હતો. વળી વિચારતો હતો કે એના પિતા એડિસન સડસઠ વર્ષના થયા છે. યુવાન હોત તો વાત જુદી હતી, પણ જે ઉંમરે આગમાં હોમાઈ ગયું તે ફરી ક્યાંથી સર્જી શકશે?

ઉદાસીન વિચારો કરતા ચાર્લ્સને પિતા એડિસનનો અવાજ સંભળાયો, “અરે ચાર્લ્સ, ક્યાં છે તારી માતા ?" 

ચાર્લ્સે કહ્યું કે એને ખબર નથી કે અત્યારે એની માતા ક્યાં છે.

થોમસ આલ્વા એડિસને કહ્યું, “અરે શોધી લાવ એને! લઈ આવ અહીંયાં! જિંદગીમાં ક્યારેય એને આવું દૃશ્ય ફરી જોવા નહીં મળે."

બીજે દિવસ એડિસન એની ભસ્મીભૂત થયેલી લૅબોરેટરીને જોઈને બોલ્યો,

“આ વિનાશ પણ મૂલ્યવાન છે. આપણી બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ. ઈશ્વરનો આભાર કે હવે વધું નવેસરથી શરૂ થશે.”

ભીષણ આગ પછી ત્રણ અઠવાડિયાં બાદ એડિસને જગતને ગ્રામોફોનના શરૂઆતના સ્વરૂપ સમો ફોનોગ્રામ શોધીને આપ્યો.

એના દ્વારા સંગીત ઘેર ઘેર પહોંચતું થયું, પરંતુ એડિસન ઘણી મંદ શ્રવણશક્તિ ધરાવતા હતા. એમની આવી બહેરાશથી વાકેફ અને સજ્જને જરા મોટેથી કહ્યું, 'તમે ભગવાનને હંમેશાં ફરિયાદ કરતા હશો કે એણે તમને સઘળું આપ્યું, પણ શ્રવણશક્તિ આપી નહીં. અમેરિકામાં ઘેર ઘેર વગાડાતું સંગીત તમે સાંભળી શકતા નથી આ તે કેવી કમનસીબી?'

ત્યારે એડિસને કહ્યું, 'હું તો ભગવાનને ફરિયાદ કરવાને બદલે ધન્યવાદ આપું છું કે એણે મને શ્રવણશક્તિથી વંચિત રાખ્યો જેથી દુનિયાદારીની વાતો ઓછી સાંભળવા મળે છે અને એને કારણે સમયની વ્યર્થતામાંથી ઊગરી ગયો છું. વળી આને કારણે ભીતરની વાત સાંભળવા મળે છે અને એનાથી સમૃદ્ધ થઈને હું આ સ્થાને અને આટલી સિદ્ધિ મેળવી શક્યો છું.'

એડિસનની પ્રયોગશાળા સાધનો અને પુસ્તકોની દૃષ્ટિએ કોઈ પણ જાણીતી યુનિવર્સિટીઓની પ્રયોગશાળાની બરોબર કરી શકે એવી સુસજ્જ હતી.

એક વાર થોમસ આલ્વા એડિસન ટેલિફોન લઈને એના મુખ આગળ આનંદભેર કોઈ ગીત ગાતા હતા. એવામાં એમના અવાજના ધ્વનિથી ઉત્પન્ન થયેલાં આંદોલનોને લીધે એક પાતળી પોલાદની અણી તેણે પાછળ ધકેલવા પ્રયત્ન કર્યો, તો એ અણી એમની આંગળીમાં પેસી ગઈ.

આ જોઈને ઉત્કૃષ્ટ નિરીક્ષણશક્તિ ધરાવતા એડિસન વિચારમાં પડ્યા. એમણે વિચાર્યું કે જો હું પોલાદની અણીની ગતિની નોંધ લઉં અને પછી તેની ઉપર જ તેને પાછી ફેરવું તો આપણા બોલેલા શબ્દો તે જરૂર પુનઃ બોલી શકે. એક વાર બોલાયેલા શબ્દો પુનઃ સાંભળી શકાય. બસ, પછી તો આ વિચારને સાકાર કરવા માટે એડિસન એક પછી એક પ્રયોગો કરવા લાગ્યો અને એમાંથી ગ્રામોફોનનું યંત્ર બનાવ્યું. આંગળીમાં પોલાદની અણી પેસી ગઈ, એમાંથી ગ્રામોફોનની શોધ થઈ. કેવી મૌલિક દૃષ્ટિ અને કેવું વિશિષ્ટ સર્જન!

થોમસ આલ્વા એડિસન ૮૪ વર્ષની ઉંમરે ૧૯૩૧ની ૧૮મી ઑક્ટોબરે પ્રયોગશાળામાં જ અવસાન પામ્યા. એ સમયે એડિસનના ચિત્તમાં પુનર્જન્મ અંગે અનેક વિચારવમળો ઊઠ્યાં હતાં. એમણે પોતાનાં પાછલાં વર્ષોમાં ખબરપત્રીઓને ઘણી વાર કહ્યું હતું, “એ એક એવી પ્રયુક્તિની શોધ કરે છે કે જો જીવન પછી મૃત્યુ હશે, તો એનાથી એનો પુરાવો મળી જશે.” જોકે એમના અવસાન પછી એમની પ્રયોગશાળામાં એનું આ મૉડલ મળ્યું નહીં.

આપણે સંતો, રાજપુરુષો, સમાજસેવકો કે સર્જકોના જીવનમાં પ્રેરણા લઈએ છીએ. પણ આ વિજ્ઞાનીઓના જીવનસંઘર્ષ તરફ ક્યારે નજર કરીશું? થાક્યા વિનાનો પરિશ્રમ, નિષ્ફળતાને પચાવવાનો અભાવ, ભૌતિક જગતનાં આકર્ષણોથી વેગળા રહેવાની ક્ષમતા અને લક્ષ્ય પ્રતિ એકાગ્રતા – આવી ઘણી બાબતો પ્રેરક કે પથદર્શક બને તેવી છે. આજની પેઢીને આ મહાન વિજ્ઞાનીઓના જીવનકાર્ય તરફ નજર કરાવીશું ખરા?

થોમસ આલ્વા એડિસન વિશે એના સમકાલીન ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડે કહ્યું, “એનાં સંશોધનોએ લાખો માણસો માટે નવી રોજગારી ઊભી કરી. તમામ સુધારકો કે રાજપુરુષો કરતાં એડિસને ગરીબાઈ દૂર કરવા માટે વધુ મોટું કામ કર્યું છે.”

બારીઓ વિનાના ખોરડાં

Source: દિવ્ય ભાસ્કર

— માર્ટીન મેકવાન

ચંદુભાઈ મહેરિયા મારા કરતા ઉંમરમાં દોઢ-બે મહિના મોટા છે અને એમના આત્મકથનાત્મક અંગ્રેજી અનુવાદિત પુસ્તક 'બારી વગરના ખોરડાં'માં એમના ખાસ મિત્રોમાં મારુ નામ ન ઉમેરે તો પણ અમે 1981ની સાલથી ખાસ મિત્રો અને સંઘર્ષના સાથીઓ રહ્યા છીએ.

મોટાભાગે હાલના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપકો પુસ્તકીય જ્ઞાન-સંશોધનને આધારે તજજ્ઞતાને વરે છે, પણ ચંદુભાઈ તેમની 'અધૂરી' આત્મકથામાં (એમની સર્વાંગી આત્મકથા એક નાનકડા પુસ્તકમાં સમાવવી શક્ય નથી) એક નવો દ્રષ્ટિકોણ સમાજશાસ્ત્રમાં લાવ્યા છે; ભેદ-અભાવ-ઊઠવેઠના ત્રણ પેઢીના જાણે વારસાગત, વ્યવસ્થાગત અનુભવના આધારે કોઠે પડેલી સમાજવ્યવસ્થાને સમજવાની એક વૈજ્ઞાનિક રીત. 

આ રીતને, શોષિતો મધ્યે કેવી વિશેષ રીતે વ્યૂહાત્મકતાથી કામ કરવું જેથી તેઓ સભાનતાને વરે તે અંગેનું અદ્ભુત આલેખન બ્રાઝિલના શિક્ષાવિદ પાઉલો ફ્રેઈરેના પુસ્તક 'પેડાગોજી ઓફ ધી ઓપ્રેસ્ડ'માં જોવા મળે છે. કાશ, ગરીબી-અસ્પૃશ્યતા-ભેદભાવ-શોષણ-કોમવાદ કોને કહેવાય તે વિદ્યાર્થીઓને શાળા-કૉલેજમાં ભણાવવા કે અભ્યાસક્રમના પુસ્તકો લખવા, જેને આ સર્વનો પ્રત્યક્ષ અનુભવ છે તેમને આમંત્રણ આપવામાં આવતું હોત તો ભારતમાં સામાજિક ન્યાયની ચળવળ આઝાદીના આઠ દાયકા બાદ, હાલ જેટલી નિરાશાજનક છે, તેટલી હદે ન હોત. 

ચંદુભાઈનો જે ચાલીઓ મધ્યે ઉછેર થયો અને જ્યાં એમનું બાળઘડતર થયું તેમાં દલિત-મુસ્લિમ-અન્ય પછાત વર્ગો સાથે રહેતા હતા એ વાક્ય સડસડાટ વાંચી જવાથી આજની પેઢી, એ આશ્ચર્ય પામવાનું જરૂર ચુકી જશે કે, 'શું ગાંધીના કે ગાંધી પહેલાંના ગુજરાતમાં આ શક્ય હતું? અને હોય તો કઈ રીતે શક્ય હતું?'

રોટલાની દોજખ, સવિશેષ વંચિતોને ધર્મ-જ્ઞાતિના વાડા તોડી સંગઠિત થવા નહિ તો કમ સે કમ સાથે રહેવા મજબુર કરતી હતી. આઝાદી બાદ ભારત-પાકિસ્તાનના ભાગલાની વરવી વાસ્તવિકતા વચ્ચે ધર્મ-જ્ઞાતિ પરનું આ આર્થિક-સામાજિક- સાંસ્કૃતિક (નાતાલના -ગરબા- (?)માં હિંદુઓ પણ જોડાય અને મુસ્લિમોના તાજિયામાં હિંદુઓ પોતાના બાળકોને આશીર્વાદિત કરવા તાજીયા નીચેથી કાઢે અને વધારામાં શરબતની મઝા) સંગઠન, એ કહેવાતા બિનસાંપ્રદાયિક રાજકારણીઓ માટે ચિંતાનો મોટો વિષય હતો. એટલે એવું શું થયું કે જ્ઞાતિ આધારિત અનામત જેના લાભાર્થી આ ચાલીઓમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી નજીવી સંખ્યામાં હોવા છતાં, 'અનામત આંદોલનના પડઘારુપે વસ્તી ધર્મ-જ્ઞાતિ આધારિત વાડાઓમાં બંધારણના આદર્શોથી વિરુદ્ધ, પ્રજાસમૂહને સ્થિર-બંધિયાર કરવાનું નનામું અને ગોપનીય આંદોલન આઝાદીના સાડા ત્રણ દાયકા બાદ સફળ બન્યું, અને શહેરનો સામાજિક-સાંસ્કૃતિક નકશો બદલાઈ ગયો તે ચંદુભાઇએ આગવી અદાથી સમજાવ્યું છે. ગુજરાતમાં શહેરનું સમાજશાસ્ત્ર ગામડાનાં સમાજશાસ્ત્ર કરતાં ખાસ્સું ભિન્ન છે. જોકે, આજે તો દીવો લઈને આપણે કયા 'ગામ-શહેર-લત્તા-ગલી'ના નામ બદલવાના છે, તે રાજકીય-ધાર્મિક ટ્રેન્ડ બની ગયો છે. 

પુસ્તકમાં શીખવા જેવી વાતો, નવીન વાતો, દલિત-ગરીબોની મનોદશા અને સંઘર્ષને ઉજાગર કરતી વાતો, પાને-પાને જોવા મળશે અને તે બધા અંગે હું અહીં લખવા જાઉં તો નવું પુસ્તક બને. 

એક મહત્ત્વની વાત યુવાવસ્થાની છે. આ ગાળો રોમાન્સ-ગુલાબી સપનાં સેવવાનો અને સ્વસ્થ મનોવૈજ્ઞાનિક જાતીય ઓળખ ઉભી કરવાનો છે, જેના આધારે પુખ્તાવસ્થાની બહુમુખી જવાબદારીઓ સંભાળી શકાય. ચંદુભાઇના જીવનમાં એ શક્ય ન બની શક્યું કારણ એમની કૌટુંબિક સ્થિતિ તેમને પાણીના સરોવરમાં મુકેલ બે ત્રાજવામાં પગ ટેકવી, નીચે પાણીમાં જોઈ ત્રાજવાની દંડિકાની ટોચે રહેલ માછલી વીંધવા મજબુર કરતી હતી. જે દરિદ્ર હાલત છે તેના વલય-પ્રવાહમાં બહુમત લોકોની જેમ તણાતા રહેવું અને એના માટે 'લલાટના લેખ'ને જવાબદાર ઠેરવતી પરંપરાઓનો મહિમાગાન કરવો તે તો અત્યંત સહેલો અને ચીલાચાલુ રસ્તો છે; જે આજના સુખી ઘરના 'દલિતો' પણ કરે છે, ગરીબી-ભેદ-અભાવની સંપૂર્ણ ગેરહાજરીમાં. 

પણ ચંદુભાઇના 'બા', (પિતા-બાપુ), 'રામા ભગત'નું હુલામણું નામ ધરાવતા દલિતજનની નાસ્તિક બનવા સુધીની સોચી-સમઝી કૂચનો ઇતિહાસ રસપ્રદ છે. નાનપણમાં ગોઠિયા સાથે માદરેવતનમાં ગામકચેરી સુધી રમવા જવાની હિમ્મત દાખવવા બદલ મુખીના હાથની બરડે ખાધેલી થપાટ અને જાતિસૂચક ગાળનો બદલો, પ્રતિશોધ, એમને એ જીવનનિર્ધારઃ પર લઇ આવી કે 'એક વાર મારા છોકરાં ગામની નહિ પણ ગાંધીનગરની કચેરીનો ઉંબરો વટી જશે'. હાથ પર 'રામ'ના છૂંદણાં પર ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કરવા છતાં, ક્રુસનું છૂંદણું છૂંદાવવું એ વણલખ્યો-વણવર્ણવ્યો, આત્મ-મન્થનીય વિદ્રોહ, જ્ઞાતિભેદની નાગચૂડમાંથી સ્વમુક્તિના સંઘર્ષની મૂક ગાથા છે. ડૉ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે તેમની સાથે જોડાયેલા દલિતોએ દીક્ષાગ્રહણના કાર્યક્રમ બાદ પાછા વળતાં પોતાના ઘરમાં રહેલી દેવ-દેવીઓની મૂર્તિઓ નદી-નાળામાં પધરાવેલી કે ઘણાએ એમને ભંગાવી એમાંથી ભીમ-ભજનમાં કામ લાગે તે માટે મંજીરા બનાવડાવેલા તેનો ઇતિહાસ મારા સાથે મિત્ર પ્રો. સુખદેવ થોરાટ પાસેથી સાંભળેલો. રામાભગત, એથી આગળ વધી ડૉ. આંબેડકર વિચારધારામાં કેટલી હદે ભળ્યા કે દારુણ ગરીબી, મળમૂત્રની તીવ્ર ગંધનાં પડખામાં આવાસ, સાવ નિરક્ષર પત્ની, નવ-નવ પેટનું લાલનપાલન કરવાની જવાબદારી માંહે, ઘરમાં પતિ-પત્ની વચ્ચે પણ પુના-કરારની ઉગ્ર ચર્ચાઓ થાય. 

રામાભગતના જીવનપરિવર્તનમાં તેમના પત્ની, એટલે ચંદુભાઇના મા કેન્દ્રસ્થાને છે અને એટલે પડોસીઓનો લોકમત સ્પષ્ટ અને અવિવાદિત છે; 'ડાહી ન હોત તો રામાના ઘરસંસારનું ગાડું ન ગબડત'માંનો ડૉ આંબેડકર પ્રત્યેનો  અવ્યાખ્યાયિત પ્રેમ-ઝનૂન, પોતાનો નાનો-મડદાલ-લગ્ન ન કરવાની જીદ લઇ બેઠેલ અને ધાર્મિક વિધિઓથી દૂર રહેનાર દીકરો ખાદી પહેરે ત્યારે એક વાક્યમાં વરસી પડે છે, 'તું ઘઈડા ગાંધીડા જેવો લાગે છે'. 

મા-બાપ વચ્ચે જેટલો પ્રેમ છે એટલો જ વિરોધાભાસ છે. ગાંધીના પ્રત્યે સહિયારો આક્રોશ, ડૉ આંબેડકર પ્રત્યે સહિયારો લગાવ. રામજીભાઈ નાસ્તિક પણ ઘરની દીવાલ પર સિફતથી સાંઈબાબા પોતાનો અડ્ડો જમાવી દે છે. કેન્સરગ્રસ્ત જીવનની છેલ્લી ઘડી આક્રંદિત છે. અસહ્ય પીડામાંથી પોતાનો જીવનસાથી પળભર મુક્ત થાય તે માટે પત્ની વિનવે છે, 'એક વાર સાંઈબાબા સામે નજર માંડી લો'ની પત્નીની જીવનની છેલ્લી આજીજીને ઠુકરાવી, પતિ પોતાના મરણખાટલાનું મ્હોં ઉંધી દિશામાં ફેરવડાવે છે. આ વાંચીએ ત્યારે એ યાદ આવ્યા વગર રહેતું નથી કે અસહ્ય માથાના દુખાવાથી મુક્ત થવા રમાબાઈએ, બાબાસાહેબને વિનંતી કરેલી કે 'મને, વિઠોબાના દર્શન કરાવો' અને બાબાસાહેબે એ વિનંતી ઠુકરાવી વચન આપેલું કે હું તારા માટે  નવું સ્વમાનપ્રેરક પંઢરપુર ઉભું કરીશ. 

આ બધાં ઉછેર-પરિમાણો વચ્ચે, એક યુવાન પોતાની વૈચારિક સ્પષ્ટતા એ વણલખેલ સ્થિતિથી જ કેળવી શકે કે 'ઇન્દ્રનીલ'ની જેમ ઝેર અને કટુતાના ઘૂંટડા પચાવતા શીખે. એ સત્ય નિહિત છે કે, કટુતાનો મોટો ભાગ, મનના અગોચર ખૂણે સંગ્રહિત થાય અને જિંદગીભર વાણી-વ્યવહારમાં જાણ્યે -અજાણ્યે અભિવ્યક્ત થાય અને તેના પર કાબૂ જમાવવાની કોશિશ સ્વાસ્થ્ય પર દેખાય. ચંદુભાઇના જીવનમાં 'મા'નું સ્થાન અદકેરું છે. એ ખાદી પહેરવા બદલ 'ઘઈડા ગાંધીડા'ની ગાળ ખાઈ લે, પણ અણીશુદ્ધ અંધશ્રદ્ધા રહિત વિચારધારાની સ્પષ્ટતા હોવા છતાં સાંઈબાબાની તસ્વીર ઘરની દીવાલ પરથી ન ઉતારી શકે. નાસ્તિક બાપના તેરમા સમયે ઘરમાં જ ન રહે કે શ્રાધ્ધ સમયે ગેરહાજર રહે, પણ માના પ્રેમનું ઋણ ચૂકવવા એમનો અસ્થિકુંભ ખોળામાં લઇ રેવા નદીમાં પધરાવવાનો એ સમજી-વિચારીને સ્વૈચ્છિક નિર્ણય લે. બાપુજીને પણ પોતાની વિચારધારાથી વિરુદ્ધ જઈ સમાધાનજનક વલણ અપનાવી બે સંતાનોના બાળલગ્ન કરવા પડે છે. દલિત યાતના 'અત્યાચાર' પૂરતી સીમિત નથી. કમનસીબે એ ઊંડી મનોયાતનાના આટાપાટાની  ફોડ પાડીને દલિત સાહિત્યમાં કે સામાજિકરણની પ્રક્રિયામાં પેટછૂટી વાત થઇ નથી અને માટે વૈચારિક વિરોધાભાસ એક પેઢી બીજી પેઢીને વારસામાં આપે છે.     

ચંદુભાઈ એક નિર્દોષ સાહિત્યિક પ્રશ્ન ઉઠાવે છે કે શા માટે દલિતો 'વાસ' ને વર્ણવવા હંમેશા 'ગંધ' શબ્દનો ઉલ્લેખ કરે છે? શહેરની ચાલીઓમાં, રોટલા જેટલો જ તીવ્ર સંઘર્ષ સંડાસ-જાજરુની ઉપ્લબ્ધતાનો અને વરસાદ ઘરમાં ચૂવે નહીં અને પોતાના માત્ર દિવાળી ટાણે મિલના બોનસમાંથી શક્ય બનતા બે જોડ વસ્ત્ર પલળી ન જાય તે માટેનો છે. દલિત એકતા-સંગઠનની યુદ્ધભૂમિ શૌચાલય રહિતની એક પેટાજ્ઞાતિ અને શૌચાલય ધરાવતી બીજી પેટાજ્ઞાતિ વચ્ચેનો જ બની રહે છે. આ 'શૌચાલય અનામત'નો સંઘર્ષ એકબીજાની ઠેકડી ઉડાડવા પૂરતો કે તેમને જાહેરમાં હલકા પાડવાની હરકતો સુધી સીમિત રહેતો નથી. એક પેટાજ્ઞાતિ બીજીને પોતાની ચાલીનું જાજરૂ વાપરવા દે અને એ માટે દાદાગીરીથી 'ટોયલેટ ટેક્સ' ઉઘરાવે, ઘરે જાજરૂ ધરાવતાં ખ્રિસ્તી કુટુંબો, ગંદા-ગોબરાં અને અવર્ણનીય હાલતના જાજરાં જેમને પનારે પડ્યા છે તે પોતાના દલિત બાંધવોને જોઈ નાકનાં ટેરવા ચઢાવે અને આ કડવાશના પહાડ એટલા મોટા થાય કે મહારાષ્ટ્રમાં રમાબાઈ કોલોનીમાં થયેલ દલિત અત્યાચારનો વિરોધ અમદાવાદમાં એક પેટાજ્ઞાતિ ભારે આક્રોશથી બીજી પેટાજ્ઞાતિના મોભા-ચંદ્રક જેવા જાજરૂનાં કાંગરે કાંગરા તહસનહસ કરી નાંખી વ્યક્ત કરે, એ કરુણાંતિકા, દલિત યાતનાની વરવી વાસ્તિકતાઓ, ભલે પોતાની જાંઘ ઉઘાડી કરવા સમાન હોય પણ શા માટે ત્રણ હજાર વર્ષ બાદ અસ્પૃશ્યતા અને નાતજાત અકબંધ છે અને તે માટે દલિતો કેટલા જવાબદાર છે, તેની વાત ચંદુભાઈ, સવિસ્તારથી પોસ્ટમોર્ટમ કર્યા વગર આગળ ચાલે છે, પણ તેની વાત કરે છે ખરા. 

અસ્પૃશ્યતા રોટલાના સંઘર્ષ વચ્ચે પણ અકબંધ છે. ગાંધીના પડછાયાથી પ્રભાવિત મજુર મહાજન સંઘની કે સામ્યવાદી વિચારધારાની મોજુદગીવાળા મજુર સંગઠનોની વચાળે મિલમાં દલિતો માટે ઝાડનાં છાંયડે અલગ ટિફિન મુકવાની વ્યવસ્થાની મોજુદગી હાજરાહજૂર છે અને છતાંય તેનો ગાંધી સાહિત્યમાં કે ભવ્ય ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખ મારા ધ્યાને ક્યારેય ચઢ્યો નથી.   

ભૂખની ભયાનકતા વાસ્તવિક છે; ભલે પ્રેમચંદ દ્વારા લેખિત 'કફન' ઘણાંને કાલ્પનિક જણાઈ હોય. શાળાની ક્વચિત ઉજાણી ચંદુભાઈ માટે તો ઈશ્વરનિર્મિત જ હતી કારણ ભાવતા બટાટાની સુકીભાજી અને તેલમાં તળેલ પુરી ખાવાનો અવકાશ ફરીથી મળે કે ન મળે. ક્યારેક બાપુ, મિલમાં ટિફિન આપવા જતા નાના ચંદુને પાંચ પૈસાની ગરમાગરમ પુરી કેન્ટીનમાં ખવડાવતા. ગાંધી આશ્રમ ખાતે યોજાયેલ ઉજાણી નિમિત્તે ચંદુભાઈની આશ્રમની પ્રથમ મુલાકાતની યાદનું કેન્દ્રબિંદુ સ્વાતંત્ર્યસંગ્રામની આ રણભૂમિ રૂપે અંકાયું ન હતું પણ પોતાનું ડોલચું ખોલતાની સાથે જ પુરી મ્હોમાં જાય તે પહેલાં ઉપરથી ઉડતો કાગડો તે પુરી પર ચરકી ગયો અને ચંદુ એક બાળક તરીકે મિત્રોના ભારે અટ્ટહાસ્ય મધ્યે રડી પડ્યા, એ હતું. કાશ, ભારતમાં 'વિકાસ'ની ચર્ચા કરતાં 'ગરીબી'ની ચર્ચા થતી હોત, તો કેટલું સારું. શા માટે, પૂર્ણ કારણે પોતાનો તબાહ થઇ ગયેલ 1000 રૂપિયાની કિંમતનો માલ માત્ર 200 રૂપિયામાં વેચી કાઢવા મજબુર બનતા સુરતના વેપારીઓ કેમેરા સામે ચોધાર આંસુએ રડી પડે છે? ક્યારેક પ્રશ્ન થાય કે ભારતના દુશ્મનો માત્ર અંગ્રેજો હતા? 

ઘરમાં ઘડિયાળ ન હોવા છતાં નિશ્ચિત સમયે જ દુકાન પાસે ઊભા રહી મિલના રસ્તે મીટ માંડી, મિલમાંથી છૂટી ઘર તરફ આવતા બાપ દેખાય તે સાથે જ તેમની સામે દોડતા ભાઈઓમાં કંગાળ શરીર લઇ ચંદુ પણ સ્પર્ધામાં ઉતરે; બાપને ભેટવા નહિ પણ એમના ટિફિનના ડબ્બામાં એક રોટલાનો ટુકડો બાળકો માટે એ બચાવી ઘરે પાછો લાવતા, તેને ઝુંટવવા. 

મોટાભાઈ ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણે છે અને કુટુંબના આ ભવિષ્યના મુખ્ય આધારને પોષવામાં એના માટે તળેલો રોટલો મા  'અનામત' રાખે છે. ભાઈની ટણીના પરિણામરૂપે, તે માત્ર રોટલાનો મધ્યભાગ જ ખાય છે અને બાકીના ભાંડુઓ એમની જમણવિધિ પતે એની મીટ માંડી રાહ જુવે છે, એ અપેક્ષાએ કે બીજા પ્રકરણમાં વધેલ રોટલાની કોર, મા સરખા ભાગે એમને વહેંચી આપે. અર્થશાસ્ત્રમાં આ વિષયને 'પોલોટીકલ ઈકોનોમી' તરીકે ઓળખવામાં આવે છે; વ્યવસ્થાગ્રસિત વહેંચણીની વ્યવસ્થા. અર્થશાસ્ત્ર સમજવા મહાવિદ્યાલય જવાની જરૂર નથી, જો ઘરની ગતિવિધિઓનું યોગ્ય આકલન કરીએ તો. ભવિષ્યમાં ભાઈ-બહેનના સંબંધો કેવી રીતે ઘડાય છે તેનો આધાર પણ બાળપણના આ અસમાનતા પ્રેરિત અનુભવો છે. 

પોતાનો એક દૂરનો કુટુંબીજન વ્હાલો છે કારણ એનું કામ ગ્રાહકોને ટિફિન પહોંચાડવાનું છે અને ક્યારેક વળતાં ઘર પાસે આવે છે જેથી એ ટિફિનમાં વધેલા-ઘટેલા- ટિફિનની ધારને ચોંટી રહેલ ભોજન ટુકડાઓનો સ્વાદ ચંદુ અને એમના ભાંડુઓ માણી શકે. ગામડે, બાળપણમાં ચંદુને અનુભવ થાય છે કે પોતાનો ભાણિયો ખાસ અમદાવાદથી આવ્યો છે એટલે છુપાવેલ વાટકામાં કંઈ વધુ નાંખવા મામા દરબારને કઈ ભાષામાં વિનવે છે. ચંદુભાઈને પાકટ ઉંમરે પોતાના એ અનુભવનું અનુસંધાન દલિતોની વરવી જીવનદશામાં દેખાય છે કે દરબારો દલિત સ્ત્રીની આબરૂ એના પતિની હાજરીમાં લૂંટતા હોય. જોકે, આ શોષણજાળના ભાગરૂપે આ શોષણને વકરાવવામાં દલિતોની દલાલ-સામેલગીરીની વાત, ભલે એ વખાની મારી, ભૂખ ભાંગવાના પ્રયત્નમાં ઉદ્ગમસ્થાન ધરાવતી હોય, એનો ઉલ્લેખ, આત્મકથાના પાનામાં ધરબાયેલો હોવા છતાં, ઊડીને લમણે ઝીંકાતો નથી. 

ભૂખ ભાંગવા હાડકાં વીણવા પડે, ત્યાં અત્યંત પાતળી રોટલી 'ખાખરા' કહેવાય તેવું આધુનિક-સહજઅપેક્ષિત જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે એટલે મા ખાખરાનું નામકરણ 'વાણિયારોટલી' તરીકે કરે છે. આ બધાની વચ્ચે  બાળપણમાં ચંદુ સાહિત્યમાં ગૂંથાય છે અને નાની ઉંમરે ઘરમાં વીજળી આવે તે પહેલાં મૅક્સિમ ગોર્કીની 'મા' વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મિલમજૂરોની ચાલીઓમાં સતત સક્રિય ગાંધીવાદી કાર્યકરો 'અનામત વિરોધી આંદોલન' બાદ આ વિસ્તારોમાંથી પલાયન કરી જાય છે તેનો ઇતિહાસ ઘણું કહી જાય છે અને ઘણું નવું સંશોધન કરવા આપણને પ્રેરે છે.   

ઘરમાં બારી નથી કારણ બારી તો જ મુકાય જો ઘર બહાર છુટની જગ્યા હોય; એટલે એ સંતોષ સાથે જીવવાનું છે કે ઘર બહાર ફૂટપાથના વપરાશનો અધિકાર છે જ્યાં રાત્રે, દબાણ દૂર કરવા બુલડોઝર આવશે તેની ચિંતા વગર ખાટલો ઢાળી સુઈ શકાય છે. એકવાર હું અને ચંદુભાઈ કોઈ અત્યાચારગ્રસ્ત ગામની મુલાકાતેથી પાછા વળતા હતા અને ગાડીમાં તેમને ચાલીના ઘરે ઉતારવા ગયેલો ત્યારે કેટકેટલા સુતા લોકોને જગાડી ખાટલા હેરફેર કરવા પડેલા તે યાદ છે. વર્ષો બાદ ચંદુભાઇના ઘરમાં કમાણી વધે છે એટલે ઘરમાં સૌથી સુંદર-સુઘડ જગ્યા ઉમેરાય છે જ્યાં બેસીને જમવાનું મન થાય અને તે છે સફેદ લાદીમાં નવોઢાની જેમ લપેટાયેલ 'જાજરૂ'.

  અંતે,  પોતાના પૂર્વજોના ચર્મકામ સાથેના સંબંધોની વાત પણ આત્મકથામાં આવે છે. પેટા જ્ઞાતિની ઓળખ અપમાનનું માધ્યમ પણ બને છે. ત્યારે, નજીકના વર્ષોમાં જ, પગરખાં માટે 'ખાહડાં' શબ્દનું ચલણ સવિશેષ હતું. ખાહડાં અને દલિત યાતના ઘણા નજીકથી જોડાયેલા છે. સ્ત્રીઓને પગની 'જુતી' સમજવાની વાત હોય કે વંઠેલ માલિકે દલિત મજૂર પર છુટા ખાહડાંનો ઘા કર્યો હોય અને દલિતે તેને સાફ કરી મારનારને પાછા આપવાની વાત હોય કે તમિલનાડુમાં દલિતો માટે ગામમાં, પોતાની વસ્તી સિવાયના વિસ્તારમાં તે પહેરવા પર પ્રતિબંધની વાત હોય. પણ ચંદુભાઇએ પોતાના બાળપણની બે વાતો કરી છે. એક, નવા કપડાં વ્હાલા છે પણ એથી વધુ વ્હાલાં, ભાઈ-બહેનના લગ્નપ્રસંગે મળેલ નવા ચપ્પલ છે. એ પોતાની જણસ ખોવાઈ ન જાય કે ગામના કૂતરાં ઉઠાવી ન જાય, એ માટે નાનો ચંદુ તેને પહેરીને જ સુઈ જાય છે. રાત્રે મા-બાપ સૂતી વખતે ચપ્પલ ન પહેરાય માટે એને કાઢવા ભારે મથામણ કરે છે. ભારે રોકકળ અને સંઘર્ષ બાદ અત્યંત નબળું શરીરસૌષ્ઠવ ધરાવતો ચંદુ પોતાની જણસનો કબજો જાળવી રાખવામાં સફળ થાય છે અને મા-બાપ હારે છે. ડરબન પરિષદમાં જવા, વર્ષો બાદ ભારે કિંમતના સ્પૉર્ટસ શૂઝ ચંદુભાઈ ખરીદે છે, પોતાના બાળપણની યાદોની ભીનાશને અંતરમાં છુપાવીને.

ભારે સંવેદનશીલ ચંદુભાઈ ભાગ્યે જ રડી શકે છે. સૂકા રોટલા સાથે જોડાયેલ સૂકી લાગણીઓથી જાણે એ હેવાયા થઈ ગયા છે. મારી ભલામણ તો સવિશેષ યુવાનોને, કે આ પુસ્તક વસાવે અને એકથી વધુ વાર વાંચી, ઝડપથી બદલાતાં જતાં બજારના પ્રવાહોમાં તણાઈને નાશ પામે તે પહેલા, પોતાનો ઇતિહાસ સમજવાની કોશિશ કરે જેથી 'તમસ'ના રચયિતા ભીષ્મ સાહનીના કથાનક અનુસાર એ ટાળી શકાય કે 'જે લોકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે તેને દોહરાવવાના નિમિત્ત બની રહે છે'. 

ઈષ્ટ કે પ્રિયજનની યાદમાં ગવાતું 'વાઈ'

Source: દિવ્ય ભાસ્કર

— નવીન જોશી

એકસાથે ત્રણ-ચાર જણ પલાંઠી વાળીને(ગુડાવાળીને) જાણે ઈબાદતમાં બેઠા હોય અને એ પૈકી વચ્ચે બેઠેલી વ્યક્તિના ખોળાથી ખભા સુધી પાંચ તારવાળો ધંભુરો(કે ધંબુરો) હોય. આ વાદ્ય વગાડતાં વગાડતાં એ વચ્ચે બેઠેલો જણ ઊંચા સાદે-જાણે કોઈ આગળ નીકળી ગયું હોય અને રાડ પાડીને એ જનારનું ધ્યાન ખેંચવાનું હોય તે રીતે એકદમ ઊંચા સૂરમાં ગાતો હોય અને બાજુમાં બેઠેલા કલાકારો તેને ઝિલાવતા હોય. આ ગાયકીની મજા જુઓ કે ખુદ ગાનાર, આસપાસ બેસીને ઝિલાવનાર અને એટલું જ નહીં, સામે બેઠેલા શ્રોતાઓ (જેમાં આખું ગામ પણ હોય) એ તમામ રડતા હોય!

વિલાપ અને વિરહનું આ ગાયન એટલે 'વાઇ.' કચ્છ અને સિંધમાં જ માત્ર આ 'વાઈ' ગવાય છે. કચ્છી સંગીતને જીવતું રાખવા મથી રહેલાં લોકો કહે છે કે, આજે કચ્છમાં આ 'વાઈ' પ્રકારનું ગાનારા અને ધંબુરો વગાડતાં વગાડતાં ગાનારા કલાકારો આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નથી. ફક્ત ચાર જ વ્યક્તિઓ આખા ભારતમાં છે જે 'વાઈ' ગાઈ શકે છે અને એ તમામ કચ્છી છે. આ કઠિન ગાયનશૈલી પરવરદિગારના વિરહમાં ગવાય છે અને તેઓ આ પરંપરા ટકાવવા માટે જ ગાય છે અને રડે છે.

'વાઈ'ના ગાયકો પોતાના ઈષ્ટના વિરહમાં બંદગી કરે છે. કચ્છ અને સિંધ બંને જગ્યાએ ‘વાઈ'માં શાહ અબ્દુલ લતીફ ભિટાઇની રચનાઓનું ગાયન થાય છે. કચ્છમાં આ ગાયકો લુપ્ત થઇ રહ્યા છે. જ્યારે સિંધમાં(પાકિસ્તાનમાં) આજે પણ 'વાઈ' ગાયકો અસ્તિત્વ ધરાવે છે. યાદ રહે કે, ધંબુરા વાદ્ય સાથે જ્યારે આ ગાયન ગવાય છે. ત્યારે ઉપસ્થિતો, ગાનાર અને ઝિલનાર હરકોઈનું ચિત્ત પરમકૃપાળુ પરમેશ્વર કે પયગંબર સાથે એકચિત્ત થઈ જાય છે. એકેશ્વરવાદનો આ આલાપ વિરહની વેદનાને વાચા આપે છે.

કચ્છી પરંપરાગત લોકસંગીત સાથે ‘વાઈ’ વણાઈ ગયેલું ગાયન છે. પ્રિયજન પાછળનું તાલબદ્ધ ગાયન એટલે 'વાઇ.' કચ્છની લોકકથાઓની સાત નાયિકાઓ- મારવી, મુમલ, સસઈ, નૂરી. સુહણી, સોરઠ અને લીલાના પ્રેમ, સંઘર્ષ અને હિંમતની વાતો આ 'વાઈ'માં સમાયેલી છે.

એકદમ નાભિમાંથી શ્વાસ ખેંચીને પૂરી તાકાત સાથે લય, તાલ, સૂર અને ધંબુરાના પાંચેય તારની સંગત સાથે 'વાઈ' મોટા ભાગે રાત્રે ગવાય છે. રાત્રિના સમયે એક તરફ ઠંડો પવન વાતો હોય, શ્રોતાઓ પણ રસતરબોળ બનીને એકચિત્તે અશ્રુસભર આંખે સાંભળતા હોય અને ગાનાર-ઝિલનાર બધાં જ બંધ આંખે ગુલતાન થઇ ગયા હોય છે. કહેવાય છે કે, આ ગાયન, શબ્દો કે રચનાના પ્રકાર વિશે જેને કંઈ પણ ખ્યાલ નથી, એવો અજાણ્યો શ્રોતા પણ પોતાના કોઈ છૂટી ગયેલા સાથી કે સ્વજનની સ્મૃતિમાં તણાઈ જાય છે અને તેની આંખોમાંથી બે આંસુ વહી જાય છે.

આ ગાયકીમાં સાથ આપતો ધંબુરો કોઈ તાનપુરો કે સિતાર નથી, એ સૂફી બંદગીનો આત્મા છે. ખુદ શાહ લતીફે આ વાદ્યની ડિઝાઈન તૈયાર કરી હતી. પાંચ તારના ધંબુરાનો ઘાટ એવો હોય છે કે તેમાંથી નીકળતો સૂર એકદમ ઘેરો (ષડજ જેવો) હોય છે અને તે જાતે જ પડઘો પાડે છે. લખપતના રાવરેશ્વરના મીઠાખાન પોતાના પુત્રને ગુમાવ્યાના દુઃખ સાથે પણ આ પરંપરા જીવંત રાખવા મથી રહ્યા છે; કારણ કે બંદગી કદી રોકાતી નથી. હાલ છ યુવાનો આ કલા શીખી રહ્યા છે, પણ તેમનું શિક્ષણ હજી આરંભના તબક્કામાં છે.

સિંધી અને કચ્છી ભાષામાં 'વાઈ' શબ્દનો અર્થ 'પોકાર', 'આવાજ' અથવા 'આલાપ' થાય છે. તેનો આધ્યાત્મિક ભાવ એ છે કે, આ કોઈ સામાન્ય ગીત નથી પરંતુ ઈશ્વર (અલ્લાહ) તરફનો એક આર્તનાદ છે. આ ગાયકીમાં ગાયકો પોતાના અવાજ દ્વારા પરમાત્માને મળવાની તીવ્ર ઝંખના વ્યક્ત કરે છે, એટલા માટે જ તેને 'પોકાર' કહેવામાં આવે છે. શાહ લતીફે સિંધી સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ 'શાહ જો રિસાલો'(Shah Jo Risalo) લખ્યો હતો. આ ફકીરો આ રિસાલાની વાઈને જ ગાય છે.

આ ગાયકી ખૂબ જ કઠિન છે, કારણ કે તેમાં ઊંચા અને નીચા સૂરનો એક ખાસ સમન્વય હોય છે, જેના કારણે આ રાગ બંને જગ્યાએ એકસમાન રીતે ગવાતો. શાહ અબ્દુલ લતીફ ભિટાઈનો સમયગાળો ૧૬૮૯-૧૭૨નો હતો. એટલે કે આજે ૩૦૦ કરતાં પણ વધુ વર્ષોથી આ 'વાઇ' રાગ અવિરતપણે ગવાઈ રહ્યો છે.

કચ્છની ચોક્કસ દરગાહો જ આ ગાયકીનાં અસલી કેન્દ્રો છે, જેમાં જડોદરમાં હાજી સાલે શાહની દરગાહ અને ઓરીડાની શાહ તમાચી પીરની દરગાહનું વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર જગ્યાઓ પર આજે પણ ઉર્સ (મેળાવડા) વખતે આ રાગ ગવાય છે. -   

‘વાઇ’ શોર્ટ ફિલ્મને મળ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ

  • • ફિલ્મનું નામ : વાઈ (Waai)

  • • ડાયરેક્ટર : સાઈનાથ એસ. ઉશ્કેરાઈ

  • • પ્રોડ્યુસર : ભરતબાલા (વર્ચ્યુઅલ ભારત)

  • • મુખ્ય ગાયકોઃ મીઠાખાન, સુમાર કાદુ, ભચાયા. સરીફ અને વાઈ શીખી રહેલાં બાળકો

આ નાનકડી ડોક્યુમેન્ટ્રી ફિલ્મે દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ ફિલ્મ 'વર્ચ્યુઅલ ભારત'ના ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય ડિજિટલ દસ્તાવેજીકરણ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ બની છે.

  ઇન્ટરનેશનલ એવોર્ડ્સ

આ ફિલ્મે મે 2026માં 'ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ'(NYIFF)માં બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ જૂન 2026માં 'મુંબઈ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ'(MIFF 2026)માં આ ફિલ્મને પ્રતિષ્ઠિત 'સિલ્વર કોન્ચ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન વાસ્તવમાં કચ્છ-સિંધની વિસરાતી પરંપરાગત લોકગાયકીનું સન્માન છે.

દિવ્યભાસ્કર-કળશ /15-07-2026

અઢીઅખરું કચ્છ / નવીન જોષી

navinchandra.joshi@dbcorp.in

'વાચનમિલાપ' : વાચકો સમક્ષ ફરીથી પ્રસ્તુત થતી એક નાની શી 'મિલન-બારી'

— અતુલ રાવલ, રાજેશ મશરૂવાળા

‘વાચનમિલાપ’ નામે આ નવું સામયિક શરૂ થાય છે. શા માટે?

આજના આધુનિક યુગમાં, જ્યાં નજર કરીએ ત્યાં સ્ક્રીન અને સોશિયલ મીડિયાની અનંત દુનિયા આપણો મોટાભાગનો સમય અને માનસિક શ્રમ છીનવી રહી છે. બીજી બાજુ, ગુજરાતી ભાષામાં અસંખ્ય દૈનિકો, સાપ્તાહિકો અને સામયિકો અવિરત પ્રગટ થઈ રહ્યાં છે. પરંતુ, ભાગદોડભર્યા જીવનમાં એક સામાન્ય વાચક માટે આ બધા જ સ્રોત સુધી પહોંચવું અશક્ય બની ગયું છે. ખાસ કરીને ગુજરાતથી સાત સમંદર પાર કે અન્ય પ્રાંતોમાં વસતા આપણા ગુજરાતી ભાઈ-બહેનો માટે તો માતૃભાષાના આ વિશાળ વાચન ભંડાર સુધી પહોંચવું એક મોટો પડકાર છે.

સાંપ્રત સમયની એક ચોક્કસ અને અનિવાર્ય જરૂરિયાત પૂરી કરવાનો આ એક પ્રયાસ છે. એ જરૂરિયાત છે – આજના આ કોલાહલ વચ્ચે અઢળક વાચનસામગ્રીમાંથી વીણી વીણીને લાવેલા સાચા, સમૃદ્ધ અને વિચારશીલ વાચનની. ગુજરાતી ભાષાના અત્યારના પ્રગટ થતાં લખાણોને જન-જન સુધી પહોંચાડવાનો ‘એકત્ર ફાઉન્ડેશન’નો આ એક નમ્ર અને સમર્પિત પ્રયાસ છે.

દાયકાઓ પહેલાં જ્યારે મહેન્દ્ર મેઘાણીએ ‘મિલાપ’ દ્વારા આવો જ એક દીવાદાંડી સમાન સેતુ રચ્યો હતો, ત્યારે સમય જુદો હતો પણ ધ્યેય સમાન હતું. આજે એ જ ભાવનાને પુનર્જીવિત કરતાં, ‘એકત્ર ફાઉન્ડેશન’ના માધ્યમથી અમે ‘વાચનમિલાપ’ લઈને આવ્યા છીએ. અમારો હેતુ કોઈ એક પક્ષ, વાદ કે સંપ્રદાયની વફાદારીનો નથી, પરંતુ વિશ્વના સમસ્ત ગુજરાતી વાચકો માટે વિવિધ મુદ્રિત સામાજિક-સાહિત્યિક સ્રોતમાંથી શ્રેષ્ઠ લેખોને તારવીને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. 

આ પ્રકલ્પના સંપાદકની જવાબદારી આપણા સૌના પરિચિત એવા ડંકેશ ઓઝા સંભાળી રહ્યા છે. તેઓ માત્ર એક અનન્ય અને શોખીન વાચક જ નથી, પરંતુ વર્તમાન સામાજિક-રાજકીય પ્રવાહો અને સતત વાંચન સાથે અત્યંત સક્રિયપણે જોડાયેલા એક નિષ્ઠાવાન ચિંતક છે. તેમનું સંપાદન આ સામયિકને ચોક્કસપણે એક નવી ઊંચાઈ બક્ષશે.

આજના અતિવ્યસ્ત સમયમાં લોકો પાસે વાંચવા માટે પૂરતો સમય નથી હોતો અને આજના નવા યુગમાં લોકોને વાંચવા કરતાં સાંભળવાનું વધુ પસંદ આવે છે, તેથી અમે આ ઉત્તમ લેખોને શ્રાવ્ય (Audio) માધ્યમમાં પણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી વાચકો તેને સાંભળી પણ શકે.

આજના ધમાલિયા વાતાવરણ અને વ્યસ્ત જીવનની ભાગદોડ વચ્ચે અલગ-અલગ જગ્યાએ છપાયેલા ઉત્તમ લેખોનું આ સામયિક જાણે ગુજરાતી વાચકો માટે એક નાની શી ‘મિલન-બારી’ બની રહેશે.

સમૃદ્ધ વાચન થકી વિચારશીલ જીવન તરફની આ સફરમાં, આપ સૌ સાહિત્યપ્રેમીઓનો સ્નેહ અને સાથ જ અમારી મૂડી છે. આવો, શબ્દોના આ મિલનમાં સહયાત્રી બનીએ!